આયંબિલ-વિવેક...
Updated: Aug 26

પરમાત્માના શાસનનો અદ્વિતીય તપ એટલે આયંબિલ !
આવું આયંબિલ કરવાની તમને ભાવના થઇ... તમે સત્ત્વ ફોરવ્યું... સંકલ્પ કર્યો... પચ્ચક્ખાણ લીધું... એની ખૂબ ખૂબ અનુમોદના...
આયંબિલ કરતાં આટલી કાળજી રાખવાથી, આયંબિલનો લાભ અનેક ગણો વધી જશે -->
1.) ઉકાળેલું પાણી : માણસો દ્વારા ઉકાળાયેલ/ઠરાયેલ પાણી વાપરવામાં ઘણા દોષોનો સંભવ છે
સરખું ઉકળ્યું ન હોય, અથવા ઠારવા-ભરવાના વાસણો સરખાં લૂછ્યા ન હોય, તો સચિત્ત હોઇ શકે.
ચૂલા-વાસણ વગેરેમાં પૂંજવા-જોવાની જયણા ન કરી હોય, તો જીવ-વિરાધના.
ઠારેલા પાણીમાં મેલા હાથ કે વાસણ બોળ્યા હોઇ શકે.
આયંબિલ હોય, ત્યારે ઘરે પાણી તો ઉકાળ્યું જ હોય. આયંબિલમાં એક લિટર પાણી માંડ જોઇએ. તેટલું ઘરેથી લઇ જાવ, તો કેટલા દોષથી બચી જવાય ?
2.) વાસણ : વાસણ ધોવામાં પણ ઘણા દોષોનો સંભવ છે -->
વ્યસની-દુરાચારી માણસો બોલાવવા પડે.
ગંદકી થાય, ગટર ઊભરાય, દુર્ગંધ આવે.
બેફામ પાણી વપરાય.
અવાજના કારણે મહાત્માઓના સ્વાધ્યાય અને અન્ય આરાધનામાં વિક્ષેપ થાય.
જો આયંબિલ કરીને ઘરે પાછા આવવાનું જ હોય, તો ઘરેથી થાળી-વાટકી વગેરે લઇ જવામાં કેટલા દોષોથી બચી જવાય ?
3.) પીરસવું : સજ્જન માણસ, જે વ્યવસ્થાનો ઉપયોગ કરે, તેને ટકાવવા પોતે ભોગ આપવા તૈયાર જ રહે.
કો’ક પીરસે છે, તો તમારું આયંબિલ થાય છે.
તો તમે પણ કો’કને પીરસીને વ્યવસ્થામાં સહકાર આપો – તે ફરજ છે.
આયંબિલ કરવા ૪૦ મિનિટ કાઢી શકનાર, પીરસવા માટે ૧૦ મિનિટ કાઢી જ શકે ને ?
યાદ રહે, હાલના આયંબિલમાં દ્રવ્યો કરતાં મજૂરીનો (તેમાં સવિશેષ પીરસણિયાઓનો) ખર્ચ વધુ હોય છે. ક્યારેક તેના માટે પણ અસદાચારી-વ્યસની લોકો આવે છે.
4.) આર્થિક સહકાર : સંપન્ન-ખાનદાન માણસ, બીજાને ખવડાવે, કોઇનું ખાય નહીં.
આયંબિલ ખાતું ચલાવવા દાન લેવું જ પડે છે. અન્ય રીતે સંપન્ન અને કદાચ ઉદાર વ્યક્તિ, આયંબિલમાં કો’કના દાનનું ખાય – તે તેના માટે શોભાસ્પદ નથી.
દરેક સંપન્ન વ્યક્તિ, જેટલા આયંબિલ કરે તે મુજબનો ખર્ચ આયંબિલ ખાતે આપે (એ વાસ્તવમાં દાન નથી, પોતાના માટે થયેલ ખર્ચની ચૂકવણી છે), તો આયંબિલ ખાતાં કદાચ સરપ્લસમાં ચાલે.
આ ચાર વિવેક કેળવીએ–જાળવીએ... આયંબિલ રૂપી સોનામાં સુગંધ ભળશે...
અને હા, એંઠું ન મૂકવું... થાળી ધોઇને પીવી... શાંતિ જાળવવી... વગેરે તો કહેવું જ ન પડે ને ?
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments