વિચાર આત્મદ્રવ્યનો કે પર્યાયનો ?...
- Jul 29
- 2 min read
Updated: Aug 1

અતત્ત્વ : અનંત કાળમાં અનંત વાર આરાધના કરવા છતાં મોક્ષ નથી થયો, કારણકે શુદ્ધ આત્મદ્રવ્યને જાણ્યું નહીં, તેનો વિચાર કર્યો નહીં.
તત્ત્વ : આત્મદ્રવ્યની પૂર્વે જે ‘શુદ્ધ’ વિશેષણ લગાડ્યું, તેનો અર્થ શું ? એ પહેલાં વિચારીએ.
શુદ્ધતા અને અશુદ્ધતા – એ બંને પરસ્પરને સાપેક્ષ પદાર્થ છે. અર્થાત્ જો દુનિયામાં ક્યાંક અશુદ્ધતા હોય, તો જ અન્યત્ર ક્યાંક શુદ્ધતા હોવાનું કહી શકાય.
જેમ, એક માણસને ‘ઊંચો’ તો જ કહી શકાય, જો બીજો માણસ તેનાથી ‘નીચો’ હોય. એટલે, શુદ્ધતા એ આત્મદ્રવ્યની એક વિશિષ્ટ અવસ્થા માનવી પડે, જે દુનિયામાં ક્યાંક રહેલી બીજા આત્મદ્રવ્યની (અથવા કોઈક કાળે રહેલી પોતાના આત્મદ્રવ્યની) અશુદ્ધતા રૂપ અવસ્થાને સાપેક્ષ છે.અને અવસ્થા એ તો પર્યાય છે, દ્રવ્ય નહીં. દ્રવ્ય તો સદા એકરૂપ હોવાથી તેની જુદી જુદી અવસ્થા જ હોતી નથી. એટલે, હકીકતમાં ઉપરોક્ત વિધાનનો અર્થ એ થશે કે આત્માના એક વિશિષ્ટ પર્યાયને જાણ્યો નહીં, વિચાર્યો નહીં; તેથી મોક્ષ થયો નહીં. અને એ વાત સાચી છે. આત્માની વીતરાગ અવસ્થાને આપણે સાચી રીતે જાણી નથી... ‘આત્મા વીતરાગ બની શકે’ તેવું જ આપણે માન્યું નથી... અથવા ‘વીતરાગતામાં જ સાચું સુખ છે... વીતરાગ આત્મા જ સાચો સુખી છે...’ એવું આપણે માન્યું નથી... અને તેથી આરાધનામાં વીતરાગ બનવાનું (રાગ-દ્વેષના નાશનું) લક્ષ્ય રાખ્યું નથી.. તેથી જ આપણો મોક્ષ થયો નથી.
વાસ્તવમાં દ્રવ્ય તો સદા એક સ્વરૂપ હોવાથી, તેમાં કંઇ કરી શકાતું જ નથી. તો તેના માટે શો પુરુષાર્થ કરવાનો ?
જે કંઇ કરી શકાય છે, તે પર્યાયમાં જ કરી શકાય છે; પર્યાયને જ બદલી શકાય છે. એટલે પુરુષાર્થ પર્યાયને જ બદલવાનો કરવાનો છે. રાગ-દ્વેષાદિથી મિશ્રિત અશુદ્ધ પર્યાયને બદલીને તેનાથી રહિત શુદ્ધ પર્યાય લાવવાનો છે. તો તેના માટે વિચાર પણ પર્યાયનો જ કરવાનો હોય – ‘કયા રાગ-દ્વેષ મારા પર્યાયને અશુદ્ધ કરે છે ? કેવી રીતે તેને ઘટાડીને પર્યાયની અશુદ્ધતા ઘટાડી શકાય ? અથવા તેનો નાશ કરીને પર્યાયને શુદ્ધ કરી શકાય ?’ એટલે, મોક્ષ માટે વિચાર આત્માના પર્યાયનો જ કરવાનો છે, આત્મદ્રવ્યનો નહીં.
શાસ્ત્રકારોએ આરાધનાનું એકમેવ લક્ષ્ય રાગ-દ્વેષનો નાશ હોવાનું બતાવીને એ જ વાત કરી છે. વાસ્તવમાં દ્રવ્યદૃષ્ટિ – માત્ર દ્રવ્યના વિચારની વાત, આત્માને એકાંત નિત્ય માનનારા સાંખ્ય દર્શનની છે, જૈન દર્શનની નહીં - એમ પૂ. ભુવનભાનુસૂ. મ. લખે છે.
કોઇ કર્મરહિત આત્મદ્રવ્યને શુદ્ધ કહેતું હોય તો, તે પણ એક પર્યાય જ છે. અને કર્મરહિત થવા માટે, રાગ-દ્વેષથી મુક્ત થવું અનિવાર્ય છે; કારણકે રાગ-દ્વેષ જ કર્મબંધના કારણ છે. પહેલી વીતરાગતા આવે, પછી જ સર્વ કર્મથી મુક્તિ આવે છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments