સંયમનો અનુરાગ...
- Shraman Books
- Dec 27, 2025
- 2 min read
Updated: Dec 30, 2025

સંસાર માંડયા પછી મોટા ભાગે લોકો પસ્તાય છે. દીક્ષા લીધા પછી પસ્તાવો થતો હોય, તેવા સાધુ તો કો'ક જ મળશે. ઊલ્ટું જેમણે દીક્ષા લીધી છે, તે પોતાના માતા-પિતાને પણ દીક્ષા લેવાની પ્રેરણા આપતા હોય છે.
તે જ બતાવે છે કે અહીં આવ્યાનો ખરો આનંદ છે.
સંસારમાંથી સંયમ લીધા વિના છૂટકારો થવાનો નથી, એ નિશ્ચિત હકીકત છે. તો પછી આ ભવમાં જ સંયમ કેમ ન લેવું ? જો ઇચ્છા કરશો, તો બધી અનુકૂળતા થઈ પણ શકે છે. જે ઇચ્છા જ ન કરે, તેને કદી અનુકૂળતા મળવાની નથી...
સભા : અમે એવું વિચારીએ છીએ કે આવતા ભવે, મહાવિદેહ ક્ષેત્રમાં જઈને દીક્ષા લઈશું…
પહેલી વાત તો એ છે કે આવતા ભવે મનુષ્યભવ, આર્યદેશ-કુળ, મહાવિદેહ ક્ષેત્ર, જૈનશાસન-સદ્ગુરુ... બધી સામગ્રી મળશે તેની કોઈ ગેરંટી નથી. આ બધી વસ્તુઓ અત્યંત દુર્લભ છે, અને અનંત પુણ્યરાશિ ભેગી થાય, ત્યારે જ મળે છે.
તમારું વર્તમાન જીવન વિચારશો, તો ખ્યાલ આવી જશે કે આવતા ભવે આટલું બધું મળે, તેવું પુણ્ય તમે ઉપાર્જિત કર્યું છે કે નહીં ?
બીજી વાત, કદાચ માની લો કે તમને બધું મળ્યું. તો ત્યારે પણ આ ભવની જેમ એવું જ વિચારશો, કે ‘આવતા ભવે લઈશું’ – એવું નહીં બને, તેની શી ખાતરી ? જો આ ભવમાં બધી સામગ્રી મળ્યા છતાં, તમે એવું વિચારો છો, તો આવતા ભવે પણ એ જ વિચારશો.
શેત્રુંજયના રામપોળ સુધીના લગભગ ૩૩૦૦ પગથિયાં છે, ત્યાર પછી ૧૫૦-૨૦૦ પગથિયાં હશે. કોઈ રામપોળ સુધી પહોંચે. પછી અત્યંત થાકી જાય, અને એટલે કહે કે ‘હવે હું આગળ જઈ જ શકું તેમ નથી. અહીંથી ઊતરી જ જઈશ, કાલે ઉપર ચડીશ.’ તો તમે શું કહો ? એ જ ને કે, ‘અરે ભાઈ, આજે તો ૧૫૦-૨૦૦ જ બાકી રહ્યા છે. કાલે તો ૩૫૦૦ ફરી ચડવા પડશે. વળી કાલે એટલું ચડી શકશો કે નહીં, તેની શું ખાતરી ?’
તે રીતે અમારું પણ એ જ કહેવું છે કે…
આ ભવમાં તમે બધું મેળવી ચૂક્યા છો, હવે એક કૂદકો જ મારવાનો બાકી છે.
તેને જો ચૂક્યા, તો આવતાં ભવે તો એકડે એકથી શરૂઆત કરવી પડશે, તો આ ભવમાં જ કેમ કૂદકો ન મારવો ?
Extract from Book Samkit Nu Mul Janiye Jee written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

🙏🙏