મિથ્યાત્વ કોને કહેવાય ?
- Jul 30
- 2 min read
Updated: Aug 1

પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉત્તર :
મિથ્યા’ શબ્દનો અર્થ છે - ‘ખોટું’. ખોટી માન્યતાને મિથ્યા માન્યતા કહેવાય.
આત્મામાં રહેલો એવો દોષ કે જે મોટા ભાગની અથવા મહત્ત્વની માન્યતાઓને મિથ્યા (ખોટી) કરે – તેનું નામ મિથ્યાત્વ.
જેની બધી માન્યતા ખોટી હોય, એવું તો લગભગ કોઈ ન મળે. મૂર્ખ વ્યક્તિ પણ, દિવસને દિવસ જ માને, રાતને રાત જ માને.
જેની બધી માન્યતા સાચી હોય, તેવા તો કેવલજ્ઞાની જ મળે. કેવલજ્ઞાની સિવાય દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક બાબતનો ભ્રમ હોઈ શકે છે, કોઇક ને કોઇક માન્યતા મિથ્યા હોઈ શકે છે. (કેવળજ્ઞાન-પ્રાપ્તિની પૂર્વક્ષણે પણ અસત્ય વચનયોગ હોઈ શકે છે – એમ શાસ્ત્ર કહે છે.)
એટલે પ્રશ્ન થાય – કઈ માન્યતાઓ ખોટી હોય, તો મિથ્યાત્વ નામનો દોષ માનવાનો ? એનો જવાબ છે ‘આત્માને હિતકર શું ? અહિતકર શું ?’ એ વિષયની માન્યતા જેની ખોટી હોય, તેનામાં મિથ્યાત્વ દોષ માનવાનો.
રાગ-દ્વેષ આત્માના શત્રુ છે, કારણકે બધા દુઃખોનું મૂળ છે...એટલે, જે રાગ-દ્વેષ ઘટાડે, તે આત્માને હિતકર છે. રાગ-દ્વેષ વધારે, તે આત્માને અહિતકર છે.
આવી માન્યતા સમ્યગ્ છે. આનાથી વિપરીત માન્યતા મિથ્યા છે. તેવી માન્યતા હોય, તેનામાં મિથ્યાત્વ નામનો દોષ છે.
જે રાગ-દ્વેષ ઘટાડનાર છે, તે હિતકર હોવાથી આચરવા જેવું (ઉપાદેય) છે.
જે રાગ-દ્વેષ વધારનાર છે, તે અહિતકર હોવાથી છોડવા જેવું (હેય) છે....
જેમણે રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કર્યો છે, તે જ સર્વોત્કૃષ્ટ હિતને પામી ચૂકેલા પરમાત્મા છે. જે રાગ-દ્વેષનો નાશ કરવા માટે પ્રયત્નશીલ છે, અને બીજાને રાગ-દ્વેષનો નાશ કરવાનો ઉપદેશ આપે છે, તે જ સાચા ગુરુ છે.
રાગ-દ્વેષના નાશનો માર્ગ – એ જ સાચો ધર્મ છે.
આવી બધી માન્યતા સમ્યગ્ છે. તેમાં ઉપાદેયમાં ઉપાદેય, હેયમાં હેય, સાચા દેવ-ગુરુ-ધર્મમાં જ દેવ-ગુરુ-ધર્મની રુચિ (લાગણી) હોવાથી તેને તત્ત્વરુચિ કહેવાય છે. એનાથી વિપરીત લાગણી – તત્ત્વમાં અરુચિ કે અતત્ત્વમાં રુચિ – એ મિથ્યાત્વ છે.
અહીં એ ધ્યાનમાં રાખવું કે જ્ઞાનનો ક્ષયોપશમ ન હોવા વગેરે કારણે હિતકરને અહિતકર માની લે... પણ જો જ્ઞાનીની વાત સ્વીકારવાની (પોતાની વાત છોડવાની) તૈયારી હોય, તો કોઈક માન્યતા મિથ્યા હોવા છતાં, મિથ્યાત્વ નામનો દોષ નથી. કારણ એ છે કે માન્યતા સમ્યગ્ બનવાની યોગ્યતા (જ્ઞાની પર શ્રદ્ધા) પડી છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments