top of page

નવકાર-લેખન...

  • May 8
  • 2 min read

Updated: May 10


પ્રશ્ન : નવકાર લખવામાં શું લાભ ?

ઉત્તર :

નવકાર ગણવામાં-બોલવામાં શું લાભ છે ? તે કહો. તેમાં લાભ માનતા હો, તો ‘લખવામાં શું લાભ ?’ તેવો પ્રશ્ન કેમ થાય ?


પ્રશ્નકાર : પાછળથી પરઠવવામાં આશાતના થાય...

પરઠવવામાં આશાતનાના ભયે લખવાની આરાધના ન કરવી – તે તો ‘જૂ’ના ભયથી કપડાં કાઢી નાખવા જેવી વાત છે. જગતમાં જેનું સર્જન હોય છે, તેનું વિસર્જન હોય જ છે. સર્જનનો વિધિ હોય છે, તેમ વિસર્જનનો ય વિધિ હોય છે.


પ્રભુભક્તિમાં અષ્ટમંગળ આલેખાતાં હોય છે. પછી તેનું વિસર્જન કરાય, ત્યારે તેમાં દોરેલા માછલી વગેરે આકારોનું વિસર્જન પણ કરવું જ પડે છે. પણ તે વિરાધના નથી કહેવાતી, પ્રભુભક્તિની વિધિનો તે એક ભાગ જ બને છે.


બાકી, વિસર્જનના ભયે સર્જનનો વિરોધ કરાય, તો શાસ્ત્ર, જિનાલય, પ્રતિમા... કશાનું સર્જન નહીં થઈ શકે, કારણકે બધાનું ક્યારેક તો વિસર્જન કરવું જરૂરી બનવાનું જ છે.


એટલે, જેના સર્જનથી ઘણો લાભ છે, તેના વિધિપૂર્વકના વિસર્જનમાં કોઈ આશાતના કે વિરાધના માનવાની નથી. હા,વિસર્જન વિધિ-જયણાપૂર્વક કરવું જોઇએ. નવકાર ગણવા અને બોલવા કરતાં, લખવામાં ચિત્તની એકાગ્રતા ઘણી વધુ જોઈએ. ગણતાં-ગણતાં ચિત્ત આડું-અવળું જાય, તો ધ્યાન ન રહે. લખવામાં તો લખવાની ક્રિયા જ ચિત્તને આડું-અવળું જવા ન દે; ગયું હોય, તો પાછું લાવે. ઉપયોગ વિના લખી શકાય નહીં. લખવાના એ વિશિષ્ટ લાભ સામે, વિસર્જનમાં થતી વિરાધના ગૌણ છે; અને વિધિપૂર્વકના વિસર્જનમાં કોઈ આશાતના હોતી નથી.


અમે પુસ્તકો લખીએ, તે છપાય પછી હાથે લખેલ પાનાંઓનું વિસર્જન કરવું જ પડે છે. ૩/૪ પ્રૂફ થાય, એ બધાનું પણ વિસર્જન કરવું જ પડે છે. છતાં પુસ્તકથી વાચકોને થતા લાભની સામે એને નગણ્ય ગણીને સહુ એ કાર્ય કરે છે, સ્વીકારે છે.


પ્રશ્નકાર : પરઠવતી વખતે અમને એવું લાગે છે કે ‘આશાતના કરી રહ્યા છીએ.’

એ વિકૃત બુદ્ધિ છે અથવા ભ્રમિત બુદ્ધિ છે. વિધિપૂર્વકનું વિસર્જન પણ નિર્જરાનું જ કારણ છે. નહીં તો, આવશ્યકતા ઊભી થાય, ત્યારે શાસ્ત્રો-પ્રતિમા વગેરેનું વિસર્જન કરવા કોઈ તૈયાર નહીં થાય. ગોચરી પરઠવતાં ઢંઢણકુમાર કેવળજ્ઞાન પામ્યા છે – તે યાદ રાખવા જેવું છે.


સામાયિક લેવાનો વિધિ છે, તેમ પારવાનો પણ વિધિ છે. એ એક પ્રકારનું વિસર્જન જ છે. અમારા ગુરુદેવ કહેતા હતા – એક શ્રાવક મળેલા. એ કહે - ‘હું કદી સામાયિક પારવાનો આદેશ લેતો નથી – બધાને અવિરતિમાં લઈ જવાનું પાપ મને લાગે!’ આને શું કહેશો ? જો આદેશ લેનારને પાપ લાગે, તો તેવો વિધિ બતાવનારા શાસ્ત્રકારોને કેટલું લાગે ? એટલે, આ વિકૃત બુદ્ધિ છે. તેવું જ વિસર્જન વખતે ‘આશાતના કરી રહ્યો છું’ તેવી બુદ્ધિ માટે સમજવું.

વિવેક કેળવવાથી એવી બુદ્ધિ નહીં થાય.

તો નવકાર લખવામાં વિસર્જનના નામે વિરોધ શી રીતે થઈ શકે ?




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page