પૂજાનાં કપડાં અને સામાયિક...
- Apr 1
- 2 min read

પ્રશ્ન : પૂજાનાં કપડાંમાં સામાયિક કરી શકાય?
આનો જવાબ એ છે કે, સામાયિક કરવી હોય તો પૂજાનાં કપડાં ન પહેરાય, સામાયિકનાં વસ્ત્રો અલગ રાખવા જોઇએ.
પણ પૂજાનાં કપડાં પહેર્યા જ હોય, તો સામાયિક કરવાની ના નથી.
સભા : બંનેમાં ફરક શું ?
કોઈ મને પૂછે કે ‘નવકાર ગણતાં ગણતાં ચા પીવાય ?’ તો હું તેને ‘ના’ જ પાડું. ‘નવકાર ગણવા છે ? તો શુદ્ધ વસ્ત્રો પહેરીને, સામાયિક લઈને, એક સ્થાને બેસીને ગણવા જોઈએ.. ત્યારે ચા ન પીવાય.’
પણ કોઈ મને પૂછે કે – ‘ચા પીતાં પીતાં નવકાર ગણાય ?’ તો ‘હા’ જ પાડું.
ફરક એ છે કે – પહેલી વ્યક્તિ નવકાર ગણવાની છે, તે નક્કી છે; ‘ચા પીવી કે નહીં ?’ એમ પૂછે છે. તેનો જવાબ ‘ના’ જ હોય.
બીજી વ્યક્તિ ચા પીવાની છે, એ નક્કી છે. ‘નવકાર ગણવા કે નહીં ?’ તેમ પૂછે છે. તેને ‘ના’ પાડવાનું કોઈ કારણ નથી.
તે રીતે કોઈ સામાયિક કરવા માંગે છે, તે પૂછે - ‘પૂજાનાં વસ્ત્રો પહેરું ?’ તો ના જ પાડીએ. સામાયિકનાં વસ્ત્રો અલગ રાખવાનું જ કહીએ. પણ કોઈ વ્યક્તિ પૂજાનાં વસ્ત્રોમાં જ વ્યાખ્યાનમાં આવી છે, અને પૂછે – ‘આ વસ્ત્રોમાં સામાયિક કરું ?’ તો ના ન પાડીએ.
વસ્તુતઃ, પૂજાનાં કપડાંને સામાયિક સાથે કોઈ વિરોધ નથી, હોઈ પણ ન શકે.
‘પૂજાનાં કપડાંમાં સામાયિક ન કરાય’ આવું જે કહેવાય છે, ત્યાં હકીકતમાં એમ કહેવું જોઈએ કે, ‘પૂજાનાં કપડાંમાં પૂજા સિવાયનું કોઈ જ કાર્ય ન કરાય.’ પૂજાનાં કપડાં માત્ર પૂજા માટે જ રાખવાના. તે કપડાંમાં બીજું કાંઈપણ કરો, તો તેમાં પરસેવો થાય, દુર્ગંધ આવે. પછી તે પહેરીને પૂજા કરવામાં ભગવાનની આશાતના થાય. એટલે પૂજાનાં કપડાંમાં બેંકમાં પણ ન જવાય, વ્યાખ્યાનમાં પણ ન બેસાય, પેઢીમાં પણ ન બેસાય.
તમારો પૂજાનો અને વ્યાખ્યાનનો સમય લગોલગ હોય, વચ્ચે ઘરે જવાનો સમય ન હોય; અથવા ઘરે જઈને પાછા આવવાનો કંટાળો આવતો હોય; તો બીજાં વસ્ત્રો અહીં લઈને આવવું જોઈએ અને બદલાવીને વ્યાખ્યાનમાં બેસવું જોઈએ.
પણ તેવો કડક આગ્રહ રાખવા જતાં તમે વ્યાખ્યાન સાંભળવાનું જ બંધ કરી દેશો - તેવું લાગે; તો તેમાં મોટું નુકસાન છે. એટલે મોટા લાભ માટે થોડું નુકસાન ચલાવી લેવા માટે વ્યાખ્યાનમાં પણ પૂજાનાં કપડાંમાં બેસવા દઈએ.
હવે જો તમે પૂજાનાં કપડાંમાં જ વ્યાખ્યાનમાં બેસવાના હો, તો સામાયિક કરવામાં કોઈ વાંધો નથી. કારણકે, સામાયિકને પૂજાનાં કપડાં સાથે વિરોધ નથી. વિરોધ તો બીજું કામ કરવાનો હતો, અને તે તો તમે કરવાના જ છો.
સભા : વ્યાખ્યાન પછી ઘરે જઈને કપડા ધોઈ નાખીએ તો ?
તમે બેસવાના જ હો, તો બીજે દિવસે પૂજા કરતા પહેલાં શુદ્ધ કરો, તે જરૂરી છે - સારું છે. પણ ધોવાના હોવાથી તે કપડાંમાં બીજું કામ કરવાની છૂટ ન લેવાય – ન અપાય.
હકીકતમાં તો પૂજા કરીને પણ વસ્ત્ર રોજ શુદ્ધ કરવાનું વિધાન છે.
બીજાને જઈને એમ ના કહેતાં કે ‘મહારાજ સાહેબે પૂજાના કપડાંમાં સામાયિક કરવાની છૂટ આપી.’ મેં જે રીતે સ્પષ્ટ કર્યું છે - તે રીતે કરજો.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments