નકામા પંચાંગ વગેરેનું શું કરવું ?
- Mar 25
- 2 min read

પ્રશ્ન : પત્રિકા-પંચાંગ વગેરે કામના ન હોય, તેનું શું કરવું ?
દીવાળીમાં સાફસફાઈ કરો, ત્યારે જૂનાં પંચાંગ-પત્રિકા વગેરે દેરાસર-ઉપાશ્રયમાં મૂકી જતા હો છો - તે સર્વથા અનુચિત છે.
તમે માનો છો કે બીજે ક્યાંય આપવામાં જ્ઞાનની આશાતના થાય. તો અહીંયાં મૂકવામાં શું થાય ? કેટલાય દિવસો રખડે, તેમાં પણ આશાતના થાય. અને છેવટે વ્યવસ્થાપકો એ જ કાર્ય કરે, જે તમે કરવાના હો. એટલે એ આશાતના પણ થાય તો ખરી જ. ઉપરાંત ઘરની નકામી-વધારાની વસ્તુઓ દેરાસરમાં મૂકવી, તે તો દેરાસરની ઘોર આશાતના છે. એટલે અહીં મૂકવામાં તો વધુ આશાતના જ થવાની છે.
સભા : તો કરવું શું ?
જ્ઞાનના વિસર્જનનો ઉપાય એ છે કે ખાડો ખોદીને દાટી દેવું, જેથી આશાતના ન થાય. જ્ઞાનનું વિસર્જન પાણીમાં ન કરાય. તેમાં તો કાગળ તરતાં તરતાં પાછા આવે, ગંદકીમાં જાય - તે આશાતના જ છે.
સભા : ખાલી કૂવામાં થાય ?
તેમાં પણ નિગોદ, કરોળિયાનાં જાળાં, પંખીના માળા વગેરે હોવાની સંભાવના હોવાથી વિચારણીય છે.
સભા : ખાડો ખોદીને દાટવાનું શક્ય ન હોય તો ?
અત્યારે એ સમસ્યા જ છે. એટલું બધું છપાય છે કે દાટવા માટે કાંકરિયા તળાવ ખોદવું પડે. ત્યારે બીજા કોઈ ઉપાય કરતાં રિસાઈક્લિંગમાં આપવામાં કદાચ ઓછી આશાતના-વિરાધના હશે. તેમાં બંને છે તો ખરા જ, પણ કદાચ બીજા કરતા ઓછા હશે.
તમારી પાસે પડેલા ધાર્મિક પુસ્તકો પ્રાચીન-મૂલ્યવાન્ હોય કે સાધુ ભગવંતોને અભ્યાસમાં ઉપયોગી અને સારી કંડિશનમાં હોય તો જુદી વાત, બાકી તેને જ્ઞાનભંડારમાં પણ ન મૂકાય. જો વાંચનના બધા પુસ્તકો જ્ઞાનભંડારમાં રખાય તો એટલો ઢગલો થાય કે જ્ઞાનભંડાર નાનો પડે. એટલે તેનું વિસર્જન તમારે જ કરવું જોઈએ.
જે મોકલનાર હોય - પ્રકાશક હોય, તેને પાછું પણ મોકલાય.
સભા : લોકો મૂકી જતાં હોય તો ટ્રસ્ટીઓએ શું કરવું ?
બોર્ડ મૂકવું – ‘અમારી પાસે જ્ઞાનના વિસર્જનની કોઈ વ્યવસ્થા નથી. છતાં કોઈ પુસ્તક વિગેરે મૂકી જશે તો અમારે ન છૂટકે પસ્તીમાં જ આપવા પડશે. અને તેમાં થનાર આશાતના વગેરેની જવાબદારી મૂકનારની રહેશે.’ તે પછી પણ કોઈ મૂકી જાય તો જે ઉપાય થઇ શકે તે કરવો, તેમાં અનિવાર્યપણે જે આશાતના/વિરાધના થાય, તેની જવાબદારી ટ્રસ્ટીઓની નથી.
કોઈ વિસર્જનની સામૂહિક વ્યવસ્થા કરતું હોય તો ઉત્તમ છે...
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments