તપના આગલા દિવસે ચોવિહાર ફરજિયાત છે ?
- Mar 21
- 2 min read

પ્રશ્ન : બીજા દિવસે તપ કરવો હોય, તો આગલા દિવસે ચોવિહાર કરવો ફરજિયાત છે?
ઉત્તર : પહેલાં એ કહો – નવકારશી એટલે શું ?
સભા : સૂર્યોદયથી બે ઘડી સુધી ન વાપરવું તે.
એટલે સૂર્યોદયથી પાંચ મિનિટ પહેલાં વાપરે, તો ચાલે ? તેને નવકારશી કહેવાય ?
સભા : રાતના ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ.
એક વાત ધ્યાનમાં રાખો – રાતના ૧૨ વાગે દિવસ બદલાય, એ અંગ્રેજી પદ્ધતિ છે. ત્યારે તારીખ બદલાય છે. આપણે ત્યાં સૂર્યોદયે દિવસ બદલાય છે.
આજે શુક્રવાર છે. ૬:૧૫ ના સૂર્યોદય છે, તો ૬:૧૪ સુધી ગુરુવાર જ ગણાય, ગુરુવારની રાત ગણાય. (જો કે, સવારે ઊઠીને રાત્રિના છેલ્લા પ્રહરમાં કરાતાં કાર્યો, બીજા દિવસના ગણાય છે.) એટલે, ૧૨ વાગ્યા પછી ખાધેલું ન હોવું જોઈએ – એ વાત તો ન હોઈ શકે.
વાસ્તવમાં, નવકારશી પચ્ચક્ખાણ, એ રાત્રિભોજન-ત્યાગની તીરિત નામની શુદ્ધિ છે - એમ શાસ્ત્રમાં જણાવ્યું છે.
એટલે, ગઇકાલના સૂર્યાસ્ત પછી (રાત્રિ શરૂ થઇ ત્યારથી) ન ખાધું હોય, તે નવકારશી સાચી કહેવાય.
જો નવકારશી માટે પણ આ વાત હોય, તો બીજાં પચ્ચક્ખાણો માટે તો તે જરૂરી બને જ. છતાં, રાત્રિભોજન વ્યાપક બન્યું છે. જો રાત્રે ખાનારને નવકારશીનો નિષેધ કરાય, તો કદાચ ૮૦% લોકો નવકારશી કરી ન શકે – તેવી આજે હાલત છે. એટલે, જેણે રાત્રે ખાધું હોય, તેને નવકારશી વગેરે કરવાનો નિષેધ હાલમાં કરાતો નથી – તે એક આચરણા સમજવી. પણ તેનો અર્થ એવો નથી કે રાત્રે ગમે ત્યારે ખાધું હોય, તે બીજા દિવસે કોઇપણ પચ્ચક્ખાણ કરી શકે.
સૂર્યાસ્ત પછી ૧ પ્રહર (અંદાજે ૧૦ વાગ્યા) સુધી વાપર્યું હોય, તે બીજે દિવસે નવકારશી વગેરે પચ્ચક્ખાણ કરે – તે આપવાદિક આચરણા સમજવી.
વિશિષ્ટ તપ કરવો હોય, તેણે તો આગલે દિવસે રાત્રિભોજન-ત્યાગ કરવો જ જોઇએ.
વાસ્તવમાં તો ચોવિહાર એ જ સાચો રાત્રિભોજન-ત્યાગ છે. પણ હાલમાં રાત્રિભોજન-ત્યાગ કરનારા મોટા ભાગના ગૃહસ્થો રાતના પાણી તો વાપરતા જ હોય છે, અને તેમને બીજા દિવસે તપ કરવાનો નિષેધ નથી કરાતો – તે પણ એક આચરણા સમજવી.
ટૂંકમાં, તપ કરવો હોય, તેણે આગલા દિવસે રાતના ન જ ખાવું જોઈએ.
પણ, રાતના ખાધું જ હોય, તો બીજે દિવસે કોઈ પચ્ચક્ખાણ ન થઈ શકે – એવું હાલ કહેવાતું નથી.
પણ તેમાં પ્રસ્થાપિત મર્યાદાઓનો લોપ તો ન જ થવો જોઇએ.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments