પદાર્થ-વાક્યાર્થ...
- Jun 8
- 5 min read

પદાર્થ
પદોના સમૂહરૂપ વાક્યનો અર્થ, તે પદાર્થ છે. પદાર્થ જ્ઞાન થયા પછી બે સંભાવના છે 🡺
૧. વાક્યાર્થજ્ઞાન થાય છે.
૨. વાક્યાર્થજ્ઞાન નથી થતું.
વાક્યાર્થજ્ઞાન ન થવાનાં બે કારણ સંભવે છે 🡺
1. જે પદાર્થજ્ઞાન થયું છે, તેની પક્કડ છે, અભિનિવેશ છે. એનાથી વિરોધી વાતને અસત્ જ માની લે.
આ મિથ્યાત્વીને થાય, મિથ્યાજ્ઞાન રૂપ છે.
2. જે પદાર્થજ્ઞાન થયું છે, તેનાથી વિરોધી વાત જણાવતાં શાસ્ત્રો ભણ્યો નથી, કે તેની ઉપસ્થિતિ નથી, કે તેવી તર્કશક્તિ નથી.
આમાં પણ બે સંભાવના છે 🡺
1. ‘કોઇપણ વાત, નયવિશેષથી હોય છે; નયવિશેષથી તેનાથી જુદી વાત સંભવી શકે છે..
કોઇપણ વિધિ-નિષેધ, દ્રવ્ય- ક્ષેત્રાદિ ને આશ્રયીને હોય; દ્રવ્ય-ક્ષેત્રાદિ બદલાય, તો વિધિ-નિષેધ બદલાઇ શકે..’
આવી સામાન્ય સમજ સંસ્કાર રૂપે સ્થિર થયેલી હોય.
આ સ્યાદ્વાદ-પરિણતિ છે. એટલે એને થતું પદાર્થજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ છે.
એને વાક્યાર્થજ્ઞાન ન થવાનું કારણ, બુદ્ધિની મંદતા કે અભ્યાસ-ઉપસ્થિતિના અભાવરૂપ અનાભોગ જ છે.
વાક્યાર્થજ્ઞાન ન થવાથી, જે પદાર્થજ્ઞાન થયું છે, તેને જ સત્ય માની લેવા રૂપ પક્ષપાત હોય, પણ સ્યાદ્વાદ-પરિણતિ સંસ્કારરૂપે પડી હોવાથી પક્કડ ન હોય. વિરોધી વાત કોઇ ઉપસ્થિત કરે, તો તરત જ વાક્યાર્થજ્ઞાન થાય.
2. ઉપરોક્ત સ્યાદ્વાદ-પરિણતિ નથી, કારણકે સ્યાદ્વાદ ભણ્યો નથી. તેવો સંયોગ નથી કે ક્ષમતા નથી કે હજુ
અભ્યાસની પ્રારંભિક કક્ષા છે. પણ, ગીતાર્થ પ્રત્યે સમર્પણ છે.
એટલે, જે પદાર્થજ્ઞાન થયું છે, તેને જ સત્ય માની લેવા રૂપ પક્ષપાત હોય, પણ ગીતાર્થ તેની વિરોધી વાત કરે, તો તરત જ સ્વીકારી લે.. (કે નયવિશેષથી અથવા જુદા દ્રવ્ય-ક્ષેત્રાદિમાં જુદી વાત હોઇ શકે.)
અહીં સાક્ષાત્ સ્યાદ્વાદ-પરિણતિ નથી, પણ ગીતાર્થની પરતંત્રતાના કારણે ફળથી છે.
એને થતું પદાર્થજ્ઞાન પણ શ્રુતજ્ઞાન રૂપ છે.
વાક્યાર્થ
વિરોધી પદાર્થની ઉપસ્થિતિ તે વાક્યાર્થજ્ઞાન છે.
વસ્તુતઃ, વાક્યાર્થજ્ઞાન પ્રશ્નરૂપ છે, જ્ઞાનરૂપ નથી.
પણ, તે મહાવાક્યાર્થજ્ઞાનમાં પરિણમવાને અભિમુખ હોવાથી (ચિંતા)જ્ઞાનરૂપ કહેવાય છે; જેમ અપાયમાં પરિણમતી ઇહાને જ્ઞાનરૂપ કહેવાય છે.
વાક્યાર્થ એ વસ્તુતઃ જ્ઞાનરૂપ ન હોવાથી જ, પદાર્થજ્ઞાનને શ્રુતજ્ઞાનરૂપ કહ્યા પછી, સીધા મહાવાક્યાર્થજ્ઞાનને જ ચિંતાજ્ઞાનરૂપ કહ્યું છે.
વાક્યાર્થ થયા પછી બે સંભાવના છે 🡺
1. મહાવાક્યાર્થજ્ઞાન થાય છે.
2. મહાવાક્યાર્થજ્ઞાન નથી થતું.
મહાવાક્યાર્થજ્ઞાન ન થાય, ત્યારે ત્રણ સંભાવના છે 🡺
1. પદાર્થ-વાક્યાર્થ પરસ્પર વિરોધી જણાવાથી, શાસ્ત્રવચનોની પ્રમાણભૂતતા પર જ શંકા થઇ જાય છે.. યાવત્
શાસ્ત્રવચનો પ્રમાણભૂત નથી – એવો નિર્ણય કરી લે છે. આ સ્પષ્ટપણે મિથ્યાત્વ છે.
2. ઉપરોક્ત સ્યાદ્વાદ-પરિણતિ હૃદયસ્થ હોવાથી, ‘જે પદાર્થ અને વાક્યાર્થ વિરોધી જણાય છે, તેની પાછળ કોઇ
નયવિશેષ કે જુદાં જુદાં દ્રવ્ય-ક્ષેત્રાદિ કારણરૂપે હોવા જ જોઇએ.. મારો પ્રજ્ઞાપરાધ છે કે એ નયવિશેષ કે દ્રવ્ય- ક્ષેત્રાદિ શું ? તે મને સમજાતું નથી..’ આવું વિચારે છે.
અહીં, વ્યક્તપણે મહાવાક્યાર્થ નથી, પણ ઐદંપર્યાર્થ તો હૃદયસ્થ છે જ. એટલે પ્રગટપણે સમન્વય ન કરી શકવા
છતાં, ‘આનો કોઇક સમન્વય હશે જ..’ એવો અવ્યક્ત મહાવાક્યાર્થ થાય છે.
3. સ્યાદ્વાદ-પરિણતિ પણ હૃદયસ્થ નથી (કારણકે તેવા અભ્યાસાદિ નથી).. અને શાસ્ત્રવચનો પ્રમાણ હોવામાં કોઇ
શંકા પણ નથી.. ત્યારે, બે વિરોધી પદાર્થોમાં સત્ય શું ? તેનો નિર્ણય કરી શકતો નથી.. ‘જ્ઞાની જાણે..’ એવી રીતે
અધૂરું મૂકે છે. અહીં વાસ્તવમાં ઐદંપર્યજ્ઞાન નથી, પણ જ્ઞાની કહે, તો સ્વીકારવા રૂપ પરતંત્રતા છે (કારણકે તેમના
પર શ્રદ્ધા છે), તેથી ફળથી ઐદંપર્યજ્ઞાન છે. અને એટલે, યોગ્યતા રૂપે મહાવાક્યાર્થ પણ છે.
મહાવાક્યાર્થ
પદાર્થ-વાક્યાર્થનો નયવિશેષ કે જુદાં જુદાં દ્રવ્ય-ક્ષેત્રાદિની વિવક્ષાથી સમન્વય – તે મહાવાક્યાર્થ છે.
મહાવાક્યાર્થજ્ઞાન બે રીતે થાય છે 🡺
1. ઉપરોક્ત સ્યાદ્વાદપરિણતિ હૃદયસ્થ છે. એટલે, વાક્યાર્થજ્ઞાન થયા પછી, વિરોધી વાતોનો સમન્વય વિચારે છે. અને પ્રજ્ઞાની સૂક્ષ્મતા પણ હોવાથી સમન્વય શોધી કાઢે છે. એને સ્યાદ્વાદ-પરિણતિ વધુ દૃઢ થાય છે.
2. સ્યાદ્વાદ-પરિણતિ હૃદયસ્થ નથી (કારણકે અભ્યાસાદિ નથી). પણ, જ્ઞાની તેને મહાવાક્યાર્થ સમજાવે છે.. અથવા
સ્વયં જ પ્રજ્ઞાના બળે મહાવાક્યાર્થ સ્ફુરે છે. આ વ્યક્તિ સ્યાદ્વાદ-પરિણતિને અભિમુખ બને છે.
વારંવાર, જુદા જુદા વિષયોમાં મહાવાક્યાર્થજ્ઞાન થાય, એટલે સ્યાદ્વાદ-પરિણતિ હૃદયસ્થ થાય છે.
જેને મહાવાક્યાર્થ નથી થતો, તેનામાં જો જ્ઞાનીની પરતંત્રતા હોય, તો ફળથી મહાવાક્યાર્થ છે જ.
એટલે જ, શાસ્ત્રમાં જ્ઞાનીને પરતંત્રને પણ જ્ઞાની જેટલી જ નિર્જરા કહી છે.. બંનેને સાથે જ મોક્ષમાં પહોંચનારા કહ્યા છે. (ઉપદેશ રહસ્ય)
એટલે જ, ‘જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં.. પંક્તિમાં જ્ઞાની કોણ ?’ ના જવાબમાં પૂ. જયઘોષસૂ. મ. એ લખ્યું છે – સંયમની કાળજીવાળો, જ્ઞાનીને પરતંત્ર હોય તે પણ જ્ઞાની કહેવાય.
ઐદંપર્યાર્થ
સ્યાદ્વાદ એ જ ઐદંપર્યાર્થ છે.
શાસ્ત્રમાં ‘જિનાજ્ઞા એ જ સાર..’ એવો ઐદંપર્યાર્થ બતાવ્યો છે.
પણ, ચરણકરણાનુયોગમાં જિનાજ્ઞા એક જ છે – तह तह पयट्टियव्वं, जह जह रागद्दोसा लहुं विलिज्जंति..
णवि किंचि अणुन्नायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं.. વિધાન, કોઇ નિશ્ચિત જિનાજ્ઞા ન હોવાનું, સ્યાદ્વાદ એ જ જિનાજ્ઞા હોવાનું જણાવે છે.
કયા દ્રવ્યાદિમાં કઇ જિનાજ્ઞા ? તેનો નિર્ણય, तह तह पयट्टियव्वं.. રૂપ જિનાજ્ઞાથી જ થાય છે. એટલે ‘રાગ-દ્વેષ ઘટવા જોઇએ’ એ જ જિનાજ્ઞા છે. અને તેની પ્રધાનતા (સારભૂતતા) એ જ ઐદંપર્યાર્થ છે.
જેને સ્યાદ્વાદ-પરિણતિ હૃદયસ્થ છે, તેને સદા ઐદંપર્યાર્થનું જ્ઞાન – ભાવનાજ્ઞાન છે જ.
જ્યારે જ્યારે મહાવાક્યાર્થજ્ઞાન થાય, ત્યારે તે ઉપયોગ રૂપે વ્યક્ત થાય છે, પરિણતિ દૃઢ પણ થાય છે.
જેને સ્યાદ્વાદ-પરિણતિ હજુ હૃદયસ્થ નથી, તેને મહાવાક્યાર્થજ્ઞાન થાય, તે સ્યાદ્વાદ-પરિણતિનું (ઐદંપર્યાર્થજ્ઞાનનું) કારણ બને છે. વારંવાર મહાવાક્યાર્થજ્ઞાન થવાથી સ્યાદ્વાદ-પરિણતિ હૃદયસ્થ થાય છે.
ઉપસંહાર
સિદ્ધસેન દિવાકરસૂરિજીના મતે, જેની સ્યાદ્વાદ-પરિણતિ અને સૂક્ષ્મપ્રજ્ઞા-અભ્યાસ એવા છે કે સર્વત્ર વ્યક્ત રૂપે મહાવાક્યાર્થ થાય, તેને જ ભાવ-સમ્યક્ત્વ છે.
જેને સ્યાદ્વાદ-પરિણતિ હોવા છતાં પ્રજ્ઞાદિના અભાવે વ્યક્ત મહાવાક્યાર્થ થતો નથી, તેને..
અને જેને અભ્યાસાદિના અભાવે વ્યક્ત સ્યાદ્વાદ-પરિણતિ ન હોવા છતાં ગીતાર્થ-પરતંત્રતા છે, જ્ઞાની પર શ્રદ્ધા છે, તેને..
દ્રવ્ય-સમ્યક્ત્વ છે.
મહો. યશોવિ. મ. એ ઉપદેશ રહસ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટતા કરી છે કે ઉપરોક્ત દ્રવ્ય-સમ્યક્ત્વ પણ, ભાવ-સમ્યક્ત્વ જેટલી જ નિર્જરાનું કારણ છે. અર્થાત્ તે પણ ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિનું કારણ છે.
હરિભદ્રસૂ. મ. એ ષોડશકાદિ ગ્રંથોમાં, અને મહો. યશોવિ. મ. એ ઉપદેશ-રહસ્યાદિ ગ્રંથોમાં, જેને મહાવાક્યાર્થ નથી થતો, તેવા પદાર્થજ્ઞાનને પણ શ્રુતજ્ઞાન કહ્યું છે, તે સમકિતીને બતાવ્યું છે, મિથ્યાત્વીને તેનાથી ભિન્ન પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે.
એટલે મહાવાક્યાર્થ જ્ઞાન ન હોય, તેને પણ સમ્યગ્દર્શન હોવું શાસ્ત્રકારોને સંમત છે – એમાં સંદેહ નથી.
જ્યાં સ્યાદ્વાદ-પરિણતિ કે ગીતાર્થ-પરતંત્રતા છે, ત્યાં મોહનીયનો ક્ષયોપશમ છે. મહાવાક્યાર્થ ન થવાનું કારણ પ્રજ્ઞાપરાધ છે – સામગ્રી-સંયોગ કે ક્ષમતાનો અભાવ છે. તે કોઇ આધ્યાત્મિક અવગુણ નથી કે જે નિર્જરાને પ્રતિબંધક બને.
મોહનીયનો ક્ષયોપશમ એ જ આધ્યાત્મિક ગુણ છે.
હા, સૂક્ષ્મ પ્રજ્ઞા, શ્રદ્ધાને નિર્મળ કરે છે. પણ જેની પ્રજ્ઞા સૂક્ષ્મ ન જ હોય, તેની શ્રદ્ધા તેવી નિર્મળ ન જ હોય – તેવું કહી શકાય નહીં.
શ્રીપાળ રાસ (૧૩મી ઢાળ)માં મહો. યશોવિ. મ. એ જે અનુભવથી સમ્યક્ત્વ રૂપી સૂર્યોદય જણાવ્યો છે, તે ભાવનાજ્ઞાન (ઐદંપર્યાર્થજ્ઞાન)થી થતાં (સિદ્ધસેન દિવાકરસૂરિજી કથિત) ભાવસમ્યક્ત્વ રૂપ જ જણાય છે.
પદાર્થાદિ ચાર, પ્રધાનપણે ચરણકરણાનુયોગનાં વચનોમાં જ લાગુ પડે છે. કારણકે ત્યાં વિરોધી જણાતાં વચનોનો જુદાં જુદાં દ્રવ્ય-ક્ષેત્રાદિથી અવશ્ય સમન્વય હોય જ.
દ્રવ્યાનુયોગનાં વચનો, જિનવચન છે; જિનાજ્ઞા નથી. (કારણકે તેમાં હાન-ઉપાદાન નથી.) એટલે ‘જિનાજ્ઞા એ જ સાર..’ એવું ઐદંપર્ય ત્યાં હોતું નથી.
વળી, વિરોધી જણાતાં વચનોમાં સમન્વય હોય જ – તેવું જરૂરી નથી. મતાંતર પણ હોઇ શકે છે, જેમાંથી સત્ય કોઇ એક જ હોય છે.
જેમ કે, રત્નપ્રભાથી સૌધર્મ દેવલોકનું અંતર, એક રાજ અને દોઢ રાજ – એવા બે પાઠ મળે છે. એનો સમન્વય થઇ શકે નહીં, મતાંતર જ માનવો પડે. જ્ઞાની જાણે છે કે ‘શું સત્ય છે ?’ આપણે જાણતા નથી, તેથી મતાંતર રૂપે ઊભું રાખીએ છીએ, પણ સત્ય તો એક જ છે. એટલે, તેમાં મહાવાક્યાર્થ સંભવિત જ નથી.
છતાં કેટલીકવાર દ્રવ્યાનુયોગનાં વચનોમાં નયવિશેષથી સમન્વય કરાય છે, તેથી ઉપચરિત રીતે પદાર્થાદિનો સંભવ માની શકાય.
પદાર્થાદિ ચાર અર્થની વાત સૌ પ્રથમ (પ્રાયઃ) હરિભદ્રસૂ. મ. ના ઉપદેશપદ – ષોડશક વગેરે ગ્રંથોમાં જોવા મળે છે.
ઉપદેશપદમાં તેને પ્રકારાંતરે વ્યાખ્યાનવિધિ રૂપે બતાવ્યા છે. (મૂળ વ્યાખ્યાન વિધિ सुत्तत्थो खलु पढमो.. રૂપ બતાવ્યો છે.)
તેનાથી પ્રાચીન ગ્રંથોમાં આ ચાર અર્થની વાત પ્રાયઃ જોવા મળતી નથી.
આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે પ્રાચીન ગ્રંથોમાં અનુયોગનું વિસ્તૃત વર્ણન છે, છતાં પદાર્થાદિ ચારનો ઉલ્લેખ નથી.
એટલું જ નહીં, વિશેષાવશ્યક ભાષ્યના ટીકાકાર મલધારી હેમચંદ્રસૂ. મ., હરિભદ્રસૂ. મ. ના પશ્ચાદ્વર્તી હોવા છતાં, પદાર્થાદિ ચારનો ઉલ્લેખ કરતાં નથી.
તે એવું માનવા પ્રેરે છે કે પદાર્થાદિ ચાર, મૂળે તો અન્ય દર્શનની પરિભાષા છે. (હરિભદ્રસૂ. મ. એ આવી ઘણી પરિભાષાનો ઉપયોગ પોતાના ગ્રંથોમાં કર્યો હોવાનું સુપ્રસિદ્ધ છે.)
મલધારી હેમચંદ્રસૂ. મ. વગેરેએ, સ્વગુરુપરંપરામાં આ પદાર્થાદિ ચારની પરિભાષા પ્રસિદ્ધ-પ્રચલિત ન હોવાથી, પોતાની ટીકામાં તેનો ઉલ્લેખ ન કર્યો હોય – તેવું કલ્પી શકાય છે.
પ્રાયઃ તો ઉપદેશપદના ટીકાકાર મુનિચંદ્રસૂ. મ. અને ષોડશકના ટીકાકાર યશોભદ્રસૂ. મ. ને છોડીને, હરિભદ્રસૂ. મ. ની પછી મહો. યશોવિ. મ. પૂર્વે કોઇએ પદાર્થાદિ ચારનો ઉલ્લેખ કરેલો જોવામાં આવ્યો નથી.
વસ્તુતઃ, વાક્યાર્થ-મહાવાક્યાર્થ, સંહિતાદિ વ્યાખ્યાનવિધિમાં આવતા ચાલના-પ્રત્યવસ્થાનના નામાંતર જ છે. એટલે, એ એક નવી પરિભાષા માત્ર છે. ઉપદેશ પદ ની ટીકામાં તેવું જણાવ્યું પણ છે જ.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments