top of page

આત્મજ્ઞાન...

Sep 23
2 min read

Updated: 3 days ago

A conceptual spiritual illustration representing the Jain philosophical relationship between the eternal Atma-dravya (Soul Substance) and its evolving Paryaya (States)


અતત્ત્વ : ‘આત્મજ્ઞાન’ એટલે આત્માને જોવો – આત્માનું ‘દર્શન’.


તત્ત્વ : ‘આત્મજ્ઞાન’ એટલે શું ? તે વિચારતાં પૂર્વે એના જેવા કેટલાક બીજા શબ્દોને જોઇએ.


  • ‘ધંધાનું જ્ઞાન’ એટલે શું ? ‘ધંધાને જોયા કરવો’ તે ? કે ‘કેવી રીતે ધંધો કરવાથી કમાણી થાય’ – તેનું જ્ઞાન ?

    ધંધાને જોયા કરનાર માટે કોઇ એમ નહીં કહે કે ‘તેને ધંધાનું જ્ઞાન છે.’ જેને ‘કેવી રીતે ધંધો કરવાથી કમાણી થાય ?’ તેનું જ્ઞાન હોય, તેના માટે જ એવું કોઇ કહેશે કે ‘તેને ધંધાનું જ્ઞાન છે.’

  • આવી જ વાત રસોઇના જ્ઞાન માટે છે.

    બનેલી કે બનાવાતી રસોઇને જોયા કરનારને ‘રસોઇનો જ્ઞાની’ નથી કહેવાતો, સ્વાદિષ્ટ રસોઇ બનાવવાનું આવડતું હોય (અર્થાત્ ‘કેવી રીતે રસોઇ બનાવવાથી તે સ્વાદિષ્ટ બને ?’ તે જાણતો હોય) તેને જ ‘રસોઇનો જ્ઞાની’ કહેવાય છે.

  • આ જ વાત આત્મજ્ઞાન માટે છે.

    ‘આત્માને જોયા કરવો’ કે ‘આત્માનું દર્શન’ તે આત્મજ્ઞાન નથી; ‘આત્માનું હિત શેનાથી થાય ? અહિત શેનાથી થાય ?’ તેનું જ્ઞાન એ જ આત્મજ્ઞાન છે.

  • ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મ.સા., દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથમાં મહોપાધ્યાય યશોવિજયજી મ.સા. વગેરે અનેક શાસ્ત્રકારોએ જ્ઞાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે, તેમાં બીજો પ્રકાર બતાવ્યો છે – આત્મપરિણતિમત્ જ્ઞાન.

    તે જ્ઞાનની વ્યાખ્યા કરતાં ત્યાં જણાવ્યું છે – આત્માના હિતમાં જે હેય છે, તેનું હેયરૂપે... જે ઉપાદેય છે, તેનું ઉપાદેયરૂપે... જ્ઞાન એ આત્મપરિણતિમત્ જ્ઞાન છે.

    તેના કેન્દ્રમાં આત્મા હોવાથી તેને જ આત્મજ્ઞાન કહેવાય છે.

    વળી, આત્મપરિણતિમત્ જ્ઞાન, સમકિતીને જ બતાવ્યું છે. એટલે જ્યાં સમકિતીને જ આત્મજ્ઞાન બતાવ્યું હોય, તે આત્મપરિણતિમત્ જ્ઞાન જ સમજવાનું છે; અર્થાત્ ‘આત્માનું હિત-અહિત શેનાથી થાય ?’ તેનું જ્ઞાન જ સમજવાનું છે.

  • આત્મજ્ઞાનનો આવો અર્થ કરવામાં આવે, તો જ શાસ્ત્રમાં આત્મજ્ઞાનને રત્નત્રયી રૂપ કહેવાયું છે – તે સંગત થાય ➔

    ❖  આત્મહિતમાં જે કરવા જેવું છે, તેને ઉપાદેય માને...

    આત્મહિતમાં જે ત્યાગવા જેવું છે, તેને હેય માને...

    એ જ તત્ત્વશ્રદ્ધા છે, જે સમ્યગ્દર્શન છે.

    ❖  આત્મહિત માટે શું કરવા જેવું છે ? શું ત્યાગવા જેવું છે ? તેને યથાવત્ જાણે, તે સમ્યગ્જ્ઞાન છે.

    ❖  આત્મહિત માટે જે કરવા જેવું છે, તેને આચરે...

    આત્મહિત માટે જે ત્યાગવા જેવું છે, તેને ત્યાગે...

    તે સમ્યક્ ચારિત્ર છે.

    આમ, આત્મજ્ઞાનનો જ શ્રદ્ધાંશ એ સમ્યગ્દર્શન બને, જ્ઞાનાંશ એ સમ્યગ્જ્ઞાન બને અને પ્રવૃત્તિ-અંશ એ સમ્યક્ ચારિત્ર બને – એવું યોગશાસ્ત્ર ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂ. મ. લખે છે.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page