કયું જ્ઞાન મોક્ષસાધક ?...

અતત્ત્વ : આત્મસ્વરૂપનું જ્ઞાન જ મોક્ષનું કારણ છે.
તત્ત્વ : જેવું આત્મસ્વરૂપ શ્વેતાંબરો માને છે, તેવું જ દિગંબરો માને છે.
એટલે આત્મસ્વરૂપનું જ્ઞાન તો બંનેનું સમાન છે.
જો તે જ મોક્ષનું કારણ હોય, તો દિગંબરોને સમ્યક્ત્વી માનવા પડે. જ્યારે શાસ્ત્રોમાં તો તેમને નિહ્નવ (મિથ્યાત્વી) કહ્યા છે.
હકીકતમાં આત્મસ્વરૂપના જ્ઞાન કરતાં, ‘આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? શું નહીં કરવાનું ?’ તેનું જ્ઞાન વધારે જરૂરી છે... મોક્ષનું કારણ છે.
દિગંબરોનું તે જ્ઞાન વિપરીત છે. તેથી જ તેઓ મિથ્યાત્વી છે. (એવું જ મૂર્તિપૂજા-વિરોધીઓ માટે સમજવું.)
માસતુસ મુનિવરને આત્મસ્વરૂપનું શું જ્ઞાન હતું ? પણ ‘આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની ગુરુને પરતંત્ર રહેવું જોઇએ’ એ જ્ઞાન હતું... તો એમનો એનાથી મોક્ષ થઈ ગયો છે.
શાસ્ત્રકારો પણ હેયોપાદેય (શું કરવાનું ? શું નહીં કરવાનું ?) ના જ્ઞાનને જ સાચું – પરિણતિયુક્ત જ્ઞાન કહે છે....
તે જ્ઞાનના ધણીને જ ‘જ્ઞાની’ કહે છે... તે જ્ઞાનથી જ પ્રકૃષ્ટ નિર્જરા બતાવે છે…
એ જ્ઞાન આપનારા શાસ્ત્રો (ચરણકરણાનુયોગ)ને જ સર્વોત્કૃષ્ટ જણાવે છે.
અલબત્ત, એનો અર્થ એ નથી કે આત્માના સ્વરૂપને જાણવું જ નહીં... પોતાના ક્ષયોપશમ – સંયોગો અનુસારે તેને સમજવા પુરુષાર્થ જરૂર કરવો જોઈએ.
પણ કોઈપણ કારણે તેનું જ્ઞાન ન હોય, તો મોક્ષ અટકતો નથી, જો તેની પ્રાપ્તિના ઉપાયોનું સમ્યગ્ જ્ઞાન હોય.
હા, ‘હું અત્યારે દોષભરપૂર છું (અશુદ્ધ છું) ... મારા દોષોનો નાશ થઈ શકે (હું શુદ્ધ થઈ શકું)... દોષનાશ થાય (શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય), તો જ શાશ્વત-સંપૂર્ણ-સાચું (દુઃખની ભેળસેળ વિનાનું) સુખ મળે...’
આટલું આત્મસ્વરૂપનું જ્ઞાન અનિવાર્યપણે જરૂરી છે. તે પણ એટલા માટે, કે તે જ્ઞાન ન હોય, તો શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પુરુષાર્થ જ ન કરે.
એટલે, શક્તિ-સંયોગ હોય, તો આત્મસ્વરૂપને જાણવા જરૂર પુરુષાર્થ કરી શકાય; પણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયો જે પરમાત્માએ બતાવ્યા છે... રાગ-દ્વેષનો નાશ કરવા માટે જે આરાધના અને ભાવના બતાવી છે... તે જાણવા અને આચરવા પુરુષાર્થ પહેલાં અને વધારે કરવો જોઈએ.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments