top of page

ઉજમણું...

Sep 7
3 min read
An illustration explaining the three types of Hinsa in Jainism as taught by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


પ્રશ્ન : તપશ્ચર્યાનું ઉજમણું શી રીતે કરવું જોઇએ ?

ઉત્તર :ઉજમણું(ઉદ્યાપન) કરવાનું શા માટે ? એ પહેલાં સમજવું જોઇએ...

તપશ્ચર્યા (કે કોઇપણ આરાધના), દેવ-ગુરુની કૃપા અને અનેક આરાધકો-કાર્યકરોની સહાયતા-પ્રેરણા-માર્ગદર્શન-આલંબન વગેરેથી થાય છે.

જેમના થકી આરાધના થઈ શકી, તે સહુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમની ભક્તિ – એ ઉજમણાનું પ્રયોજન સમજાય છે. એટલે, આરાધક 🡺

❖  પ્રભુની અંગરચના, પ્રભુભક્તિની સામગ્રી અર્પણ કરવી, વિશિષ્ટ પ્રકારે પૂજા, તીર્થયાત્રા... વગેરે રૂપે પ્રભુની ભક્તિ કરે.

❖  ગુરુ ભગવંતોને સંયમમાં સહાયક ઉપકરણો વહોરાવવા, જ્ઞાનસાધનામાં સહાયક ગ્રંથો છપાવવા, વર્તમાન વ્યવસ્થા મુજબ વિહારમાં તેમની ભક્તિ કરવી, તેમને ભણવા માટે ઉચિત વ્યવસ્થા કરવી... વગેરે રૂપે ભક્તિ કરે.

શ્રાવક-શ્રાવિકાઓને આરાધનાની સામગ્રી આપવા રૂપ ભક્તિ કરે... સંઘૂપજા કરે... સાધર્મિક-વાત્સલ્ય કરે... યાત્રા વગેરે આરાધના કરાવે...

આ ઉજમણાનું નક્કર સ્વરૂપ હોઇ શકે.

  • વર્તમાનકાળમાં ઉજમણું એટલે કોઇક કાર્યક્રમ (એ પછી પૂજન હોય કે ભાવયાત્રા કે અભિષેક...) અને સ્વજનો(સગાંવહાલાંઓ)ને જમાડવા – તેવો વ્યવહાર થઇ ગયો છે.

    સ્વજનોને જમાડવા – એને તો ધર્મ માની શકાય નહીં જ. સકળ સંઘની ભક્તિ કરે કે પધારેલ સહુ સાધર્મિકોની ભક્તિ કરે; તો જુદી વાત છે. માત્ર સ્વજનોને જમાડવા – તે શી રીતે ધર્મ બને ? એવું માનો, તો લગ્નના જમણવારને પણ સાધર્મિક ભક્તિ રૂપ ધર્મ માનવો પડે.

    અને જે કાર્યક્રમો કરાય છે, તે મોટે ભાગે કરવા ખાતર કરાય છે... તેમાં પ્રભુભક્તિ-ગુરુભક્તિ કે સંઘભક્તિ હોય – તેવું દેખાતું નથી...

  • જેના કેન્દ્રમાં દેવ-ગુરુ અને સંઘ હોય, તેમની ભક્તિ હોય... સ્વજનો ન હોય... તેને વાસ્તવિક ઉદ્યાપન કહી શકાય.

    ધર્મને સાચી રીતે સમજનારે, સાચી રીતે કરવા ઇચ્છનારે... એ રીતે જ ઉદ્યાપન કરવું જોઇએ.

  • ક્યારેક, બે પ્રકારની વાત આવે છે 🡺

    1.આ રીતે દેવ-ગુરુ વગેરેની ભક્તિ તો કરીએ... પછી વ્યવહાર માટે પણ સ્વજનોને તો બોલાવવા તો પડે જ છે...

    ત્યારે શું કરવું જોઇએ ?

    2.અમે જો કોઇ કાર્યક્રમ ન કરીએ, તો સ્વજનો શાતા પૂછવા માટે અલગ-અલગ આવે, તેના કારણે બીજી ઘણી

    મુશ્કેલીઓ ઊભી થાય છે. તેનાથી બચવા એક કાર્યક્રમ રાખીને બધાને એક સાથે બોલાવવા સારા પડે છે. ત્યારે શું

    કરવું ?

    આનો જવાબ આપતાં પૂર્વે એક વાત કરી દોહરાવીશ કે મૂળભૂત રીતે દેવ-ગુરુ-સંઘની ભક્તિ, એ જ ઉજમણું છે – એ વાત પહેલાં હૃદયસ્થ કરવાની અને સારી રીતે અમલમાં મૂકવાની હોય, તેના આ પ્રશ્નનો જવાબ આપી શકાય.

    જેને સાચું ઉજમણું કરવું જ નથી, સ્વજનોનો વ્યવહાર જ સાચવવો છે, તેને શું માર્ગદર્શન આપીએ ?

  • એટલે, જેને સાચી રીતનું ઉજમણું કર્યા પછી (કે કરવાનું આયોજન કર્યા પછી)નો પ્રશ્ન છે; તેના માટે કેટલીક વિચારણા જણાવું છું 🡺

    ❖  વર્તમાન વ્યવસ્થાઓમાં, સ્વજનોનો જમણવાર કેટરરને સોંપાય છે, તેમાં જે ઘોર અજયણાઓ થાય છે, તેનું વર્ણન

    કરવા પુસ્તક લખવું પડે.

    પ્રભુની આજ્ઞા–જયણા પ્રત્યેની બેદરકારી-ઉપેક્ષાથી થતી આવી વિરાધનાનું પાપ, કદાચ આરાધનાથી કરેલા કર્મક્ષય

    કરતાં વધી જતું હોય, તો નવાઇ નહીં !

    (એવી વિરાધનાનું જે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે જોતાં તો એમ જ લાગે કે આરાધના કરતાં પ્રાયશ્ચિત્ત મોટું થઇ જાય.) એટલે, જમણવારમાં જયણાની મહત્તમ કાળજીનો પ્રયત્ન હોવો જોઇએ. જયણા વિના ધર્મનો જન્મ પણ થતો નથી – એમ શાસ્ત્રમાં કહ્યું છે.

    ❖  કાર્યક્રમ પ્રભુભક્તિનો હોય, તો તેમાં ભક્તિ પૂરેપૂરી થવી જોઇએ... પ્રભુનાં કામ પૂજારી કરે... સંગીતકારો ભક્તિના

    બદલે મનોરંજન કરે... રિસેપ્શન જેવા ફોટોસેશન થાય... વસ્ત્ર વગેરેની મર્યાદાઓ જળવાય નહીં... તે બધી ઘોર

    અનાદર જનિત અવિધિઓ જોતાં પણ એ જ પ્રશ્ન થાય કે આમાં સરવાળે લાભ છે કે નુકસાન ?

    મને તો ઘણીવાર એવું લાગે છે કે કોઇ સંગીતકાર–વિધિકાર રાખ્યા વગર, આરાધક સપરિવાર સ્નાત્ર ભણાવે... ઠાઠથી અષ્ટપ્રકારી પૂજા કરે... તો ઘણી-ઘણી વધારે સારી આરાધના થાય...

    ❖  શક્ય હોય, તો આવેલા સહુ એક કલાક ગુરુ ભગવંતનું પ્રવચન સાંભળે – એવું આયોજન અવશ્ય કરવું...

    ❖  ધંધાદારી વિધિકારો–પંડિતોમાં બહુ ઓછા પાસે સાચું જ્ઞાન છે... તેઓ જ ઉપદેશ આપે  - તેવા કાર્યક્રમો ટાળવા.

    ❖  આવેલાએ (પ્રવચન સિવાયના કાર્યક્રમમાં) માત્ર બેસીને સાંભળવાનું ન હોય, સ્વયં આરાધનામાં જોડાવાનું હોય – તેવું આયોજન કરવું.

    (હાલ તો વિચિત્ર વ્યવસ્થા એવી છે કે પૂજનાદિમાં જ્યારે સહુએ જાપ કરવાના હોય છે, ત્યારે કાન ફાડી નાખતા

    અવાજે સંગીત ચાલતું હોય છે ! એમાં જાપ શી રીતે થઇ શકે ?)

    ❖  ધર્મસ્થાનમાં બિરાજમાન ગુરુ ભગવંતોના સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ ન થાય... ગ્લાનાદિને અસમાધિ ન થાય... તેનું

    અવશ્ય ધ્યાન રાખવું...

    ❖  સંઘની નિયત આરાધનાઓ – ખાસ કરીને વ્યાખ્યાન-પાઠશાળા વગેરેને હાનિ ન પહોંચે – તેનું પણ ધ્યાન રાખવું.

    ❖  માઇક અને રસોડાની ગંદકી (અને પાર્કિંગ) થી આસપાસના લોકોને જિનશાસન પ્રત્યે દુર્ભાવ ઊભો ન થાય – તેની

    કાળજી અવશ્ય કરવી.

    આવા બધા વિવેકપૂર્વક કાર્યક્રમ થાય, તો તે આરાધનાને સાનુબંધ બનાવી શકે.

    બાકી, જયણાનો ભોગ લઇને, પ્રભુની આશાતના કરીને, ગુરુ ભગવંતોના સ્વાધ્યાયમાં વિક્ષેપ કરીને, આસપાસના લોકોને જિનશાસન પર દુર્ભાવ કરાવવા દ્વારા દુર્લભબોધિ બનાવીને થતા કાર્યક્રમનું ફળ શું હશે ? તે જ્ઞાની જાણે.




Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page