top of page

ગીતાર્થ ગુરુ...

Aug 24
4 min read

Updated: Aug 26

An illustration explaining the three types of Hinsa in Jainism as taught by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


પ્રશ્ન : ગીતાર્થ ગુરુ કોને કહેવાય ?

ઉત્તર :આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં, એક વાત સ્પષ્ટ કરી દઉં – ગુરુતત્ત્વના બે વિભાગ કરવાના છે.

1.   જેમના દર્શન-વંદન-ભક્તિ કરવાના...

2.   જેમનું માર્ગદર્શન લેવાનું...

દર્શન-વંદનાદિ માટે ગુરુમાં ગીતાર્થતા જોવાની હોતી નથી, આચારસંપન્નતા વગેરે જોવાના હોય છે.

એટલે, કદાચ અગીતાર્થ હોય, તેટલા માત્રથી દર્શન-વંદનાદિ કરવા યોગ્ય નથી – એવું ન માનવું.

  • જેમનું માર્ગદર્શન લેવાનું છે, તે ગુરુ ગીતાર્થ (જ્ઞાની) હોવા જરૂરી છે.

    રોગથી મુક્ત થવા એવા વૈદ/ડોક્ટરનું જ માર્ગદર્શન લેવાય, જેને એ વિષયનું જ્ઞાન હોય.

    રસ્તો પૂછવો હોય, તો એને જ પૂછાય, જેને પોતાને રસ્તો ખબર હોય.

    જેને પોતાને જ જ્ઞાન નથી, તે બીજાને શું માર્ગદર્શન આપી શકે ?

    એટલે, જે અગીતાર્થ છે, જેમને પોતાને જ પ્રભુએ બતાવેલ માર્ગનું વ્યવસ્થિત જ્ઞાન નથી, તેમનું માર્ગદર્શન ન લેવાય... ભલે તે ઉગ્ર તપસ્વી હોય કે ચુસ્ત સંયમી હોય કે તમારા ઉપકારી હોય...

    શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે અગીતાર્થ પાસે જિનવાણી સાંભળવામાં પણ અહિત થવાની ઘણી મોટી સંભાવના છે.

  • હવે મૂળ પ્રશ્ન પર આવું. ગીતાર્થ કોને કહેવાય ?

    શાસ્ત્રમાં કહ્યું છે - ‘ચૌદ પૂર્વ ભણ્યા હોય, તે ઉત્કૃષ્ટ ગીતાર્થ છે.’ આવા તો અત્યારે કોઈ મળવાના નથી.

    તો જઘન્ય (નાનામાં નાના) ગીતાર્થ કોને કહેવાય ?

    તે માટે શાસ્ત્રમાં કહ્યું છે - ‘છેદગ્રંથોનો અમુક હદ સુધીનો અભ્યાસ જેણે કર્યો હોય, તે જઘન્ય ગીતાર્થ છે.’

  • આ છેદગ્રંથો શું છે ? તે તમારો વિષય નથી, એટલે મેં નામ ન કહ્યું. એટલું કહીશ કે છેદગ્રંથોમાં ઉત્સર્ગ અને અપવાદ – એમ બંને પ્રકારના માર્ગનું નિરૂપણ છે. એને જે ભણ્યો હોય, તે જ ગીતાર્થ કહેવાય.

  • અહીં ‘ભણવું’ શબ્દનો અર્થ શું કરવાનો ?

    વાંચી જવું કે ગોખી નાખવું – તે ‘ભણવું’ શબ્દનો અર્થ નથી. પણ ગ્રંથના પદાર્થો સમજવા, અને તેને આત્મસાત્ કરવા – તેનું નામ ‘ભણવું’ છે.

    ગોખીને પટ-પટ બોલી જાય, તે તમને આશ્ચર્યજનક લાગે છે, તેને તમે વિદ્વાન્ માની લો છો.

    હકીકતમાં પદાર્થનું તલસ્પર્શી જ્ઞાન હોય, તે સાચી વિદ્વત્તા છે. તેણે કદાચ સૂત્રો ગોખ્યા ન હોય, પટ-પટ બોલી ન શકે, તે સંભવિત છે. પણ, તે વિષયના કોઇપણ પ્રશ્નનો દરેક એંગલથી વિચાર કરીને વ્યવસ્થિત ઉત્તર આપી શકે.

  • ગ્રંથની રચના કરનારના મનમાં કોઇક પદાર્થ હોય છે. એ પદાર્થ, વાચકને જણાવવા માટે તે ગ્રંથના શબ્દોનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે.

    તે શબ્દોના માધ્યમે, ગ્રંથકારના મનમાં રહેલા પદાર્થને જાણવો-સમજવો, તે સાચો અભ્યાસ છે.

    તેને જ તાત્પર્યનો બોધ કહેવાય છે.

    તેવા તાત્પર્યના બોધ વિના, શબ્દો ગોખી લેવા કે ઉપલકિયા અર્થ કરી જવા – તે સાચી વિદ્વત્તા નથી.

  • તમારી બધાની સમજણ બહુ છીછરી હોય છે. સંસ્કૃતમાં નિપુણ હોય, તેને તમે વિદ્વાન્ માની લો છો. ખરેખર તો એ માત્ર ભાષાની નિપુણતા છે. જિનવચનમાં કહેલા પદાર્થોનો બોધ તો તેમાં છે જ નહીં. તેના વિના સાચા જ્ઞાની શી રીતે કહેવાય ?

    એ રીતે, સંસ્કૃત જેવી ભાષામાં લેખન કે કાવ્યરચના કરે, તેને તમે વિદ્વાન્ માની લો છો.

    હકીકતમાં તો એ પણ ભાષાની જ વિદ્વત્તા છે. પદાર્થબોધ તો આખી જુદી જ વસ્તુ છે. તે ન હોય, તો તેને જ્ઞાની શી રીતે કહી શકાય ?

    એટલે, એ યાદ રાખો કે પદાર્થોનો તલસ્પર્શી બોધ હોવો – એ સાચું જ્ઞાન છે. ભાષાનું જ્ઞાન તેમાં કિંચિત્ સહાયક બની શકે, પણ માત્ર ભાષાનું જ્ઞાન હોવાથી ‘જ્ઞાની’ ન માની લેવાય કે કહી ન દેવાય.

  • તાત્પર્યનો બોધ કોને કહેવાય ? તે સમજવા માટે એક દૃષ્ટાંત છે.

    માતા બહાર જતી વખતે દીકરાને કહીને ગઇ - ‘રસોડામાં દહીં પડ્યું છે. ધ્યાન રાખજે, કાગડા ખાઇ ન જાય.’ 

    કલાક પછી પાછી આવેલી માતાએ જોયું, તો દહીં સફાચટ હતું. દીકરાને પૂછ્યું - ‘દહીં ક્યાં ગયું ?’ દીકરાએ કહ્યું - ‘બિલાડી ખાઈ ગઈ.’ માતાએ પૂછ્યું - ‘તેં તેને અટકાવી નહીં ?’ દીકરાએ કહ્યું - ‘તમે કાગડો ખાઈ ન જાય – તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. બિલાડી ખાઈ જાય – તેનો ક્યાં વાંધો હતો ?’

    અહીં માતાના શબ્દો ભલે કાગડાને જણાવે છે, તાત્પર્ય તો એ જ હતું કે દહીં સુરક્ષિત રહેવું જોઇએ. દીકરાએ તાત્પર્ય પકડવાના બદલે શબ્દો પકડ્યા, તો નુકસાન થયું.

  • આ દૃષ્ટાંત તો લૌકિક છે, પણ આવું ઘણીવાર બને છે કે શાસ્ત્રના શબ્દો પકડી લેવામાં આવે છે, તાત્પર્ય સમજવાનો પ્રયાસ જ નથી હોતો.

    એ સાચી ગીતાર્થતા નથી, ભલે ગમે તેટલા શાસ્ત્રો વાંચ્યા હોય અને યાદ હોય.

    ઘણીવાર તો તાત્પર્ય સમજ્યા વિના શબ્દો પકડી રખાય, તો મહા-અનર્થ સર્જાય. એ સમજવા માટે એક વાત જણાવું.

    જંગલના વિહારમાં મહાત્મા બિમાર પડે, તો તેમને ગાડામાં નજીકના શહેર/ગામે લઇ જવા – તેવું શાસ્ત્રમાં જણાવ્યું છે.

    હવે વર્તમાનમાં કોઇ સાધુને રસ્તામાં એક્સિડન્ટ થવાના કારણે નજીકના શહેરમાં લઇ જવાના હોય, ત્યારે કોઇ શાસ્ત્ર ભણેલો (?) સાધુ, શાસ્ત્રપાઠ ટાંકીને એમ કહે કે ‘ગાડામા લઇ જાવ.’ તો તે શાસ્ત્ર ભણેલો ન કહેવાય, કારણકે શાસ્ત્રના તાત્પર્યને તે સમજ્યો નથી.

    ગ્રંથકારના મનમાં શું વાત છે ? વહેલી તકે સાધુની ચિકિત્સા કરાવવાનું મહત્ત્વ છે, ગાડાનું કોઈ મહત્ત્વ નથી. તે કાળે, તેના માટે ઉપલબ્ધ વાહન ગાડું હોવાથી તેનું નામ લખ્યું છે. તે શબ્દ પકડી રાખે, ‘ગ્રંથકારના મનમાં શું છે ?’ તે સમજે જ નહીં, તે શાસ્ત્ર ભણેલો ન કહેવાય.

    જે ગ્રંથકારના મનમાં રહેલા પદાર્થને સમજીને વર્તમાનકાળે ઉપલબ્ધ વાહન (એમ્બ્યુલન્સ)માં લઇ જવાની રજા આપે, તે ખરો જ્ઞાની કહેવાય, કારણકે શાસ્ત્રના તાત્પર્યને સમજ્યો છે.

    એ પંચમકાળની બલિહારી છે કે શાસ્ત્રના તાત્પર્યને અવગણીને શબ્દોને પકડી રાખનારા, શાસ્ત્રના વફાદાર અને શાસ્ત્રચુસ્ત ગણાય છે (કારણકે તેઓ તેવો પ્રચાર કરે છે), અને તાત્પર્યને સમજીને તેને અમલમાં મૂકનારા, શાસ્ત્રલોપી કહેવાય છે (કારણકે તેવો પ્રચાર તેમના વિરોધીઓ કરે છે).

  • સાર એ છે કે છેદગ્રંથ સુધીના શાસ્ત્રોનો અભ્યાસ કરીને, તેના તાત્પર્યને સમજીને, ‘કઇ પરિસ્થિતિમાં શું કરવાથી આત્માનું હિત થાય ?’ તે જાણી શકે અને કહી શકે – તે ગીતાર્થ છે.

  • સાથે એક વાત ધ્યાનમાં રાખવી – કેટલીક વસ્તુનું જ્ઞાન, અનુભવથી જ થાય.

    ‘ચાલવાથી થાક લાગે’ એ શબ્દોથી થતું જ્ઞાન, અને સ્વયં ચાલવાથી થાકનો જે અનુભવ થાય, તેનું જ્ઞાન – એ બે જુદી જ વસ્તુ છે.

    એટલે, ગીતાર્થતા માટે જેમ શાસ્ત્રનો તલસ્પર્શી બોધ જરૂરી છે, તેમ પોતાના જીવનમાં આરાધના વગેરેનો અને અન્યોના યોગક્ષેમનો અનુભવ પણ જરૂરી છે.

    અનુભવ વિનાનો તર્ક, ક્યારેક શેખચલ્લીના તુક્કા જેવો પુરવાર થતો હોય છે.



Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Kashmira
Aug 24
Rated 5 out of 5 stars.

Explained logically 🙏

Like
bottom of page