જિનપૂજામાં હિંસા...
- May 4
- 5 min read

પ્રશ્ન : પરમાત્માની પૂજામાં પાણી-ફૂલ વગેરે જીવોની હિંસા કરીએ, તેનું પાપ ન લાગે ?
ઉત્તર :આનો જવાબ આપતાં પૂર્વે એક પ્રશ્ન કરવો છે. જ્યાં જ્યાં હિંસા હોય-થાય, ત્યાં પાપ લાગે - એવો નિયમ છે ?
જો હા પાડશો, તો એવો કોઈ ધર્મ નથી કે જેમાં બિલકુલ હિંસા ન થતી હોય.
હું વ્યાખ્યાન કરું છું, તેમાં મારા મોઢામાંથી નીકળતા શબ્દના પુદ્ગલો ચાર સમયમાં આખા ચૌદ રાજલોકમાં ફેલાઈ
જાય છે. અને માર્ગમાં જે જીવોને અથડાય છે, તે બધાને પીડા કરે છે. એટલે વ્યાખ્યાન કરવામાં ય હિંસા થાય છે.
તમે વ્યાખ્યાન સાંભળવા વાહન પર આવો – તેમાં તો હિંસા છે જ; ચાલતા આવો તો પણ રસ્તામાં તમને ન દેખાતાં જીવોની વિરાધના થાય છે, વાયુકાય વગેરેની વિરાધના થાય છે.
સામાયિક કરવા માટે હાથ-પગ શુદ્ધ કરો, વસ્ત્ર બદલો.. અરે ! ખમાસમણ આપો, તેમાં ય જીવોની હિંસા છે.
ગુરુને વંદન કરશો, તો ય જીવોની હિંસા થશે.
ઉપવાસ કરો, તો પણ પેટમાં રહેલા આહાર પર જીવતા કીડા મરી જાય છે. તેમાં પણ હિંસા છે.
એવો એકપણ ધર્મ નહીં મળે કે જેમાં હિંસા બિલકુલ ન થતી હોય.
જો નિયમ કરાય કે - જ્યાં હિંસા, ત્યાં પાપ; તો પછી દુનિયામાં ધર્મ નામની ચીજ જ નહીં રહે – બધું પાપ જ બની જશે.
એટલે એવો નિયમ તો માની શકાય જ નહીં !
આશ્ચર્ય છે ને ! હિંસાને નામે પ્રભુપૂજાનો વિરોધ કરનારાઓ પણ, બીજા બધા ધર્મો, જેમાં હિંસા થાય જ છે, તેને ધર્મ તરીકે સ્વીકારે છે !
જિનાલય બનાવવામાં હિંસા માનીને પાપ કહેનારા પણ, ગુરુને રહેવા માટેના - પ્રવચન માટેના સ્થાન બનાવવાને ધર્મ માને છે. હિંસા તો બંનેમાં સરખી જ છે ને ? ભગવાનના વરઘોડામાં હિંસા કહીને પાપ કહેનારા પણ ગુરુનાં સામૈયાં કરે છે !
ભગવાનની પૂજામાં જળ-વનસ્પતિની હિંસા કહીને પાપ માનનારા પણ, રસોઈ બનાવીને સાધર્મિકોની ભક્તિ કરે જ છે, જેમાં અનેક ગણી હિંસા છે ! નથી લાગતું કે ભગવાનની પૂજાનો જે ‘હિંસા’ માનીને વિરોધ કરાય છે, તે ખરેખર ‘હિંસા’ નો નથી, ‘પૂજા’નો જ છે ?
સભા : તો શું હિંસા એ પાપ છે જ નહીં ?
એવું મેં નથી કહ્યું.
હિંસા હોય એટલે પાપ લાગે જ એવો નિયમ નથી. જે હિંસા રાગ-દ્વેષથી થાય છે, તેમાં પાપ લાગે છે. જે હિંસા તેવી નથી, તેમાં પાપ લાગતું નથી. પ્રભુની ભક્તિ, પ્રભુ વીતરાગ હોવાથી તેમની ભક્તિ દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવા માટે કરાય છે; રાગ-દ્વેષને ઘટાડવા માટે કરાય છે અને ઘટાડે પણ છે. એટલે પ્રભુપૂજા વગેરેમાં થતી હિંસા, પાપનું કારણ નથી બનતી.
જૈનોમાં મૂર્તિપૂજા-વિરોધી પંથો છેલ્લા ૫૦૦ વર્ષમાં જ થયા છે તેમની પાસે ૫૦૦ વર્ષથી જૂનો કોઈ ઈતિહાસ નથી, કોઈ ગુરુપરંપરા નથી, કોઈ પ્રાચીન શાસ્ત્રો નથી.
આપણી પાસે પ્રભુ વીરથી ચાલી આવતી અખંડ ગુરુપરંપરા છે, સળંગ ઈતિહાસ છે... ૨૫૦૦ વર્ષ સુધી સતત ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન છે, જેમાં નિરંતર નવસર્જન પણ થયું છે..
મૂર્તિપૂજાનો વિરોધ કરાનારાઓએ, ૨૦૦૦ વર્ષ સુધી થયેલ મહાપુરુષોને ‘શિથિલાચારી’ કહી દીધા છે ! તે બધા દ્વારા રચાયેલા ગ્રંથોને અપ્રામાણિક કહી દીધા છે ! ગણધર ભગવંતોએ રચેલા આગમોમાંના કેટલાક ઊડાવી દીધા છે ! કેટલાકના પાઠ બદલી દીધા છે ! અર્થ બદલી દીધા છે !
‘પૂજા’ માં પાપ છે – એવું માની લીધું, પછી તેને સત્ય સાબિત કરવા કેટ-કેટલું કરવું પડ્યું ?
આપણે મૂળ વાત પર આવીએ.
શાસ્ત્રકારોએ હિંસાના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
૧.હેતુહિંસા ૨.સ્વરૂપહિંસા ૩.અનુબંધહિંસા.
સ્વરૂપહિંસાનો અર્થ છે – જીવની વિરાધના થવી અથવા જીવને પીડા થવી.
સ્વરૂપહિંસા તો દરેક કાર્યમાં થાય છે - તે પૂર્વે બતાવ્યું.
જો સ્વરૂપહિંસાને પાપ માની લેઈએ તો કોઈ કાર્ય ધર્મ રહે જ નહીં !
‘મૂર્તિપૂજામાં પાપ છે’ એવું બોલવામાં પણ સ્વરૂપહિંસા હોવાથી, એ બોલવું પણ પાપ જ થશે ને ? એટલે સ્વરૂપહિંસા ને પાપ માનીને પૂજા ન કરનારે, આવું બોલવું પણ બંધ કરવું પડે !
એટલે સ્વરૂપહિંસાને પાપ માની શકાય નહીં જ.
સ્વરૂપહિંસા તો કેવલિ ભગવંતથી પણ થાય છે. કેવલિ ભગવંત નદી ઉતરે, તેમાં અપ્કાયની હિંસા થાય. તેમના શરીરને અડવાથી વાયુના જીવો મરે. વિહાર કરે ત્યારે બીજા પણ જીવો મરી શકે. દેશના આપે ત્યારે પણ હિંસા થાય. છતાં કેવલિ ભગવંતને પાપ લાગતું નથી જ.
એટલે માત્ર સ્વરૂપહિંસા એ પાપનું કારણ નથી.
હેતુહિંસા એટલે અજયણા.
તે સમજવા પહેલા જયણા સમજીએ.
જયણા એટલે શું ?
સભા : જીવહિંસા ન કરવી અથવા ઓછી કરવી.
તો પછી તો સ્વામિવાત્સલ્યમાં મીઠાઈ ન કરવી, રોટલી-દાળ જ કરવા - એ જયણા બનશે.
ભગવાનની પુષ્પપૂજા એક જ ફૂલથી કરી લેવી પડશે, વધારે ફૂલમાં હિંસા થશે – અજયણા થશે !
જયણાનો બધે આ અર્થ ન થાય.
જયણાનો અર્થ છે – રાગ-દ્વેષથી રહિત, આજ્ઞાનુસારી પ્રયત્ન. પિંડનિર્યુક્તિ નામના આગમમાં આ અર્થ મળે છે.
એટલે, સ્વામિવાત્સલ્યમાં જયણા શું ?
રાત્રે રસોઈ ન બનાવવી, પાણી ગાળીને વાપરવું વગેરે; જે ભગવાનની આજ્ઞા છે.
પ્રભુની પૂજામાં જયણા શું ?
અભિષેકનું પાણી ગાળીને લેવું, પગમાં ન આવે તેવી રીતે પરઠવવું વગેરે.
હા, ઘણાં સ્થાને જયણાનો અર્થ એ છે કે હિંસા ઘટાડવી.
જેમ કે રસોઈમાં જયણા એટલે ચૂલા પૂંજવા, લોટ ચાળવો વગેરે.
નહાવામાં પાણી ગાળવું, ઓછું વાપરવું વગેરે.
જયણા ન હોય, ત્યાં સ્વરૂપહિંસા ન હોય ; તો પણ હેતુહિંસા કહેવાય.
જેમ કે જોયા વિના ચાલે, પછી જમીન પર હમણાં જ પોતું માર્યું હોવાથી જીવો ન હોય અને ન મરે, તો પણ હેતુહિંસા કહેવાય જ.
પાણી ગાળે નહીં, પછી કદાચ પાણીમાં તેવા ત્રસ જીવો ન હોય કે જે ન ગાળવાથી મરી જાય, તો પણ હેતુહિંસા કહેવાય જ.
અનાજ વીણ્યા વિના દળે, પછી તેમાં જીવાત હોય કે નહીં, હેતુહિંસા કહેવાય જ.
અનુબંધહિંસા એ કે જે રાગ-દ્વેષ વધારે, દુર્ગતિમાં લઈ જાય, દુઃખ આપે, સંસાર વધારે.
પ્રભુપૂજામાં થતી હિંસામાં સ્વરૂપહિંસા છે, પણ અનુબંધહિંસા નથી. કારણકે તે રાગ-દ્વેષ ઘટાડવા માટે થાય છે.
સંસારના સર્વ કાર્યોમાં પ્રાયઃ અનુબંધહિંસા હોય છે. કારણકે તે કાર્યો રાગ-દ્વેષ વધારનારાં હોય છે. તેમાં જેટલા અંશે જયણાનું પાલન થાય, તેટલી અનુબંધ હિંસા ઓછી થાય.
ધર્મના કોઈ કાર્યમાં અનુબંધહિંસા હોતી નથી. કારણકે તે કાર્યો રાગ-દ્વેષ ઘટાડનારા હોય છે. જો તેમાં જયણાનું પાલન ન થાય, તો અને તેટલા અંશમાં પુણ્યબંધમાં ઘટાડો થાય.
સભા : હેતુહિંસા અને અનુબંધહિંસા વચ્ચે તફાવત શું ?
સંસારના સર્વકાર્યોમાં તો હેતુહિંસા અનુબંધહિંસામાં પરિણમે જ છે. એટલે કે હેતુહિંસા હોય તો અનુબંધહિંસા હોય જ છે.
ધર્મકાર્યોમાં અજ્ઞાન-પ્રમાદ વગેરેના કારણે થતી અજયણારૂપ હેતુહિંસા, તે અનુબંધહિંસા છે - એવું ન કહેવાય, કારણકે પાપ નથી બંધાતું. પણ અવિધિના કારણે ધર્મનું ફળ ઘટે છે.
હા, ધર્મકાર્યમાં પણ ઉપેક્ષા-બેદરકારી-નિષ્ઠુરતાથી અજયણા કરે, તો તે હેતુહિંસા અનુબંધહિંસામાં પરિણમી પણ શકે.
ધર્મકાર્ય અને સંસારકાર્યમાં આવો ભેદ કેમ ? કારણકે ધર્મકાર્યો રાગ-દ્વેષ ઘટાડનારાં છે, સંસારકાર્યો રાગ-દ્વેષ વધારનારાં છે.
મને કેરીનો રસ ખાવાની ઇચ્છા થાય અને રસ બનાવડાવું, તો તે રાગથી કરતો હોવાથી અનુબંધહિંસા છે.
કોઇ મહાત્માને વૈદે અનુપાન રૂપે કેરીનો રસ વાપરવા કહ્યું હોય, અને રસ બનાવડાવું ; તો ત્યાં રાગ નથી, પણ સંયમના સાધક એવા શરીરને સ્વસ્થ કરીને સ્વાધ્યાય-વૈયાવચ્ચ વગેરે આરાધના વધારવાનું – રાગ-દ્વેષ ઘટાડવાનું લક્ષ્ય હોવાથી અનુબંધહિંસા નથી.
આજ્ઞાના પાલનમાં હિંસા થાય તો તે સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી.
અને આજ્ઞાનો ભંગ કરીને હિંસાથી બચે તો ય અનુબંધહિંસા છે.
ગુરુ શિષ્યને ગોચરી લઇ આવવા કહે, રસ્તામાં પાણી હોય, તેના પર ચાલવામાં સ્વરૂપહિંસા તો થાય. પાપ લાગે કે નહીં ?
નહીં. કારણકે ગુરુની આજ્ઞાથી ગયો છે.
તેમ, પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં સ્વરૂપહિંસા થાય, તો પણ પાપબંધ નથી.
કારણકે પ્રભુની આજ્ઞા રાગ-દ્વેષ ઘટાડનારી જ હોય છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.

Comments