top of page

પ્રશસ્ત કષાય - અપ્રશસ્ત કષાય...

  • Feb 18
  • 4 min read

Updated: Mar 8


પ્રશ્ન : કયો કષાય પ્રશસ્ત કહેવાય ? કયો અપ્રશસ્ત કહેવાય ?

ઉત્તર : પ્રશ્ન સરસ છે. ઉત્તર થોડો વિસ્તારથી આપવો પડશે.

કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય 🡺 હેતુ, સ્વરૂપ અને ફળથી. ચારિત્રના ઉદાહરણથી આ વાત સમજીએ.

ચારિત્ર મોહનીય(પ્રત્યાખ્યાનાવરણ કષાય)નો ક્ષયોપશમ એ ચારિત્રનો હેતુ છે.

પાંચ મહાવ્રતની પરિણતિ – એ તેનું આંતરિક સ્વરૂપ છે.

પાંચ મહાવ્રતનું પાલન – એ તેનું બાહ્ય સ્વરૂપ છે.

કર્મનિર્જરા–સ્વર્ગ–કુસંસ્કારનાશ–મોક્ષ... આ બધાં તેનાં ફળ છે.

આ દૃષ્ટાંતમાં બાહ્ય-આંતરિક બંને સ્વરૂપ બતાવ્યાં, પણ સામાન્યથી સ્વરૂપ તરીકે બાહ્ય સ્વરૂપની જ વિચારણા

થાય છે.

  • ભરત ચક્રવર્તીને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું, ત્યારે ચારિત્રના હેતુ અને ફળ હતાં, બાહ્ય સ્વરૂપ નહોતું.

    અભવ્ય (કે અચરમાવર્તી) જીવ ચારિત્ર પાળીને સ્વર્ગે જાય, ત્યારે ચારિત્રનું બાહ્ય સ્વરૂપ હોય છે; આંતરિક સ્વરૂપ, હેતુ અને મુખ્ય ફળ (દોષનાશ-મોક્ષ) હોતા નથી.

  • વ્યવહાર નય, બાહ્ય સ્વરૂપ (આચરણ)ને જુએ છે.

    નિશ્ચય નય, આંતરિક સ્વરૂપ (પરિણતિ)ને પ્રધાન કરે છે. પણ તે તો દેખાતું નથી. એટલે, નિશ્ચય નય ફળને જુએ છે, કારણકે જ્યાં આંતરિક સ્વરૂપ (પરિણતિ) હોય, ત્યાં ફળ અવશ્ય હોય છે.

  • ભરત ચક્રવર્તીને વ્યવહારથી ચારિત્ર નહોતું, નિશ્ચયથી હતું.

    અભવ્યને વ્યવહારથી ચારિત્ર હોય છે, નિશ્ચયથી નથી હોતું.

  • હવે પ્રશસ્ત-અપ્રશસ્ત કષાયને આ દૃષ્ટિકોણથી વિચારીએ. 

    જેનું બાહ્ય સ્વરૂપ પ્રશસ્ત છે, તે કષાય વ્યવહારથી પ્રશસ્ત કહેવાશે.

    એટલે, દેવ-ગુરુ-ધર્મ-ધર્મસામગ્રી વગેરે પરનો રાગ, અને તે રાગના કારણે ઉત્પન્ન થતા કષાયો – એ પ્રશસ્ત છે. (જેમ કે, ગુરુ પર રાગ હોય, તો ગુરુની નિંદા કરનાર પર રોષ જાગે, તે વ્યવહારથી પ્રશસ્ત ક્રોધ છે.)

    સંસારની સામગ્રી-સંપત્તિ-સ્વજનો વગેરે પરનો રાગ, અને તેમાંથી ઉત્પન્ન થતા કષાયો – એ વ્યવહારથી અપ્રશસ્ત છે.

  • આમ વ્યવહારથી કષાયની પ્રશસ્તતા-અપ્રશસ્તતાનો આધાર, તે કષાયના મૂળમાં રહેલા રાગનો વિષય શું છે ? તેના આધારે નક્કી થાય છે.

    જો તે રાગનો વિષય (દેવ-ગુરુ-ધર્મ વગેરે) પ્રશસ્ત હોય, તો કષાય વ્યવહારથી પ્રશસ્ત કહેવાશે.

    જો તે રાગનો વિષય (સંપત્તિ વગેરે) અપ્રશસ્ત હોય, તો કષાય વ્યવહારથી અપ્રશસ્ત કહેવાશે.

  • નિશ્ચયથી પ્રશસ્ત કષાય તે છે, જે ગુણ પરના રાગમાંથી ઊભો થયો છે.

    આ પદાર્થ દૃષ્ટાંતથી સમજાશે.

    કોઈ જિનાલય અત્યંત આકર્ષક–સુંદર હોવાથી તમને ગમી ગયું.

    આ રાગ, વ્યવહારથી પ્રશસ્ત કહેવાશે, કારણકે તેનો વિષય(જિનાલય) પ્રશસ્ત છે.

    હકીકતમાં, તેનું મૂળ ચક્ષુરિન્દ્રિયનું આકર્ષણ હોવાથી એ રાગ નિશ્ચયથી પ્રશસ્ત નથી.

    પણ, જિનાલય ગમી જવાથી ત્યાં વારંવાર આવવાના કારણે, પ્રભુએ બતાવેલો માર્ગ સમજાય અને તે પણ ગમી જાય, તો ગુણ પરનો રાગ ઊભો થાય છે, જે નિશ્ચયથી પ્રશસ્ત છે.

    આ નિશ્ચયથી પ્રશસ્ત કષાય ઉત્પન્ન કરવાની સંભાવના હોવાથી જ, જિનાલય પરના (ચક્ષુરિન્દ્રિયના આકર્ષણથી ઊભા થયેલા) રાગને વ્યવહારથી પ્રશસ્ત કહેવાય છે.

    સર્વત્ર, નિશ્ચયને લાવવાની જેનામાં સંભાવના-શક્તિ છે, તેને જ વ્યવહાર કહેવાય છે.

  • જેને પરમાત્માએ બતાવેલો માર્ગ ગમેલો જ છે, અને એટલે જ એ પરમાત્માનું જિનાલય (કદાચ તેવું આકર્ષક ન હોય, તો પણ) ગમે છે; તેનો જિનાલય પરનો રાગ નિશ્ચયથી પણ પ્રશસ્ત જ છે.

  • ધાર્મિક ગીત-સંગીત મધુર હોવાથી તમને ગમી જાય, તો તે રાગ વ્યવહારથી પ્રશસ્ત કહેવાશે, કારણકે તેનો વિષય (ધાર્મિક ગીત) પ્રશસ્ત છે.

    (અહીં ધ્યાનમાં લેવું 🡺 સંગીતમાં ધાર્મિક-બિનધાર્મિક કશું હોતું નથી. ગીતના શબ્દો જે પદાર્થને કહેતાં હોય, તેના આધારે ગીતને ધાર્મિક (કે બિનધાર્મિક) કહેવાય છે. અને ગીતની ધાર્મિકતાના આધારે, તેમાં ભળેલા સંગીતને ધાર્મિક કહેવાય છે.)

    હકીકતમાં તેનું મૂળ કર્ણેન્દ્રિયનું આકર્ષણ જ હોવાથી એ રાગ નિશ્ચયથી પ્રશસ્ત નથી.

    પણ, સંગીત ગમવાથી તે ગીત વારંવાર સાંભળે, તે ગીતના શબ્દો પરથી અર્થ વિચારે અને તે અર્થ વિચારવાથી વૈરાગ્યાદિ ગુણોને પ્રાપ્ત કરવાની ઇચ્છારૂપ ગુણનો રાગ ઊભો થાય, તો તે નિશ્ચયથી પ્રશસ્ત છે.

    આ નિશ્ચયથી પ્રશસ્ત કષાય ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવાથી જ, ધાર્મિક સંગીત પરના (કર્ણેન્દ્રિયના આકર્ષણથી ઊભા થયેલા) રાગને વ્યવહારથી પ્રશસ્ત કહેવાય છે.

    જો માત્ર સંગીત જ ગમે, ગીતના શબ્દો પર ધ્યાન જ ન રાખે, તેનો અર્થ વિચારે જ નહીં... તો નિશ્ચયથી પ્રશસ્ત કષાય ઉત્પન્ન થવાનો સંભવ જ નથી. અને ત્યારે તે કષાય સ્વરૂપથી પ્રશસ્ત જણાતો હોવા છતાં વાસ્તવમાં પ્રશસ્ત નથી, માત્ર કર્ણેન્દ્રિયના રાગ રૂપ અપ્રશસ્ત છે.

    ગુજરાતીનો કક્કો ય ન જાણનાર દક્ષિણ ભારતીય વ્યક્તિ ગુજરાતી ધાર્મિક ગીત-સંગીત સાંભળે અને તેને કદાચ ગમી જાય, તો તે માત્ર કર્ણેન્દ્રિયનો રાગ જ હોય છે, તેમાં ગુણ-દોષની કશી વિચારણાનો સંભવ જ નથી.

  • આ બે દૃષ્ટાંતના આધારે તમે નિશ્ચયથી પ્રશસ્ત–અપ્રશસ્ત કષાયના ભેદને સ્પષ્ટ સમજી શકશો.

  • એક દૃષ્ટાંત વધુ આપું.

    કોઈના દીકરાએ દીક્ષા લીધી હોય... પુત્ર પરના રાગના કારણે પુત્રમુનિ પર રાગ થાય... તો તે વ્યવહારથી પ્રશસ્ત છે, કારણકે તેનો વિષય (સાધુ) પ્રશસ્ત છે. તેનું મૂળ પુત્ર પરનો રાગ હોવાથી એ નિશ્ચયથી પ્રશસ્ત નથી.

    પણ, પુત્રમુનિ પરના રાગના કારણે વારંવાર તેમના દર્શન-વંદન કરે, તેમની વાત સાંભળે... અને તેમ કરતાં પ્રભુના માર્ગ પ્રત્યે આદર જાગે... તો તે નિશ્ચયથી પ્રશસ્ત કષાય છે.

    બીજી કોઈ વ્યક્તિને, તે જ મુનિ ભગવંત પ્રત્યે, તેઓ અત્યંત ગુણવાન્ હોવાથી બહુમાન હોય; તો તે નિશ્ચયથી પણ પ્રશસ્ત છે.

  • જે કષાય નિશ્ચયથી પ્રશસ્ત છે, તે અપ્રશસ્ત કષાયોનો નાશ કરે છે, અને પછી સ્વયં નષ્ટ થઇ જાય છે, તેનો નાશ કરવા પુરુષાર્થ કરવો પડતો નથી.

    એટલે, તે કદી મોક્ષમાં પ્રતિબંધક બનતો નથી. 

    જે કષાય માત્ર વ્યવહારથી જ પ્રશસ્ત છે, નિશ્ચયથી પ્રશસ્ત નથી; તે મોક્ષમાં પ્રતિબંધક બને છે.

  • સભા : પ્રભુ વીર પરનો ગૌતમ સ્વામીનો રાગ તેમને કેવળજ્ઞાનમાં પ્રતિબંધક બનેલો ને ?

    ગૌતમ સ્વામીનો પ્રભુ વીર પરનો રાગ, બે પ્રકારનો હતો 🡺

    1. પ્રભુ વીરના ત્રીજા (મરીચિના) ભવથી ચાલ્યો આવતો સ્નેહરાગ. (ત્યારે ગૌતમ સ્વામીનો જીવ કપિલ હતો.) એ

    વ્યવહારથી પ્રશસ્ત છે.

    2. પ્રભુ વીર મોક્ષમાર્ગના ઉપદેશક હોવાથી, ઉપકારક હોવાથી, ગુણવાન્ હોવાથી ઊભો થયેલો રાગ. એ નિશ્ચયથી

    પ્રશસ્ત છે.

    ગૌતમ સ્વામીને મોક્ષમાં જે પ્રતિબંધક બન્યો, તે પ્રથમ પ્રકારનો રાગ હતો, બીજા પ્રકારનો નહીં.

  • અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે.

    ગુણ પરનો રાગ, અને તેના કારણે ગુણવાન્ વ્યક્તિ પર થતો રાગ નિશ્ચયથી પ્રશસ્ત છે.

    પણ, આપણી છદ્મસ્થતા એવી છે કે કોઈ વ્યક્તિ ગુણવાન્ હોવાથી તેમના પ્રત્યે આકર્ષાયા. (જે નિશ્ચયથી પ્રશસ્ત કષાય છે)... પછી તેમના ઘનિષ્ઠ પરિચય વગેરેથી, તેમના પ્રત્યે, ગુણોથી નિરપેક્ષ એવો વ્યક્તિ પ્રત્યેનો સ્નેહરાગ પણ ઊભો થઇ જાય છે, જે નિશ્ચયથી પ્રશસ્ત નથી.

    ગૌતમ સ્વામીને પ્રભુ વીર પ્રત્યે એવો જે રાગ હતો અને જે છેલ્લા ભવમાં ફરી દૃઢ થયો, તે જ મોક્ષમાં પ્રતિબંધક બન્યો છે.

  • જે કષાય નિશ્ચયથી પ્રશસ્ત છે, તે કદાપિ ત્યાજ્ય નથી. તે અપ્રશસ્ત કષાયોનો નાશ કરીને સ્વયં નષ્ટ થાય છે.

    જે કષાય નિશ્ચયથી પ્રશસ્ત નથી, તેવો વ્યવહારથી પ્રશસ્ત કષાય, અમુક ભૂમિકા સુધી ઉપાદેય છે, કારણકે તે નિશ્ચયથી પ્રશસ્ત કષાયને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.

    સાતમાથી ઉપરના ગુણસ્થાનકોની (શ્રેણિની) પ્રાપ્તિમાં તે પ્રતિબંધક બને છે, એટલે ત્યારે તે ત્યાજ્ય છે.


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
મૌનાંક શાહ
Mar 10
Rated 5 out of 5 stars.

આટલો ગહન પદાર્થ ને આટલી સરળ શૈલી માં આજે સમજવા મળ્યો....


પ્રભુ વીર પરનો ગૌતમ સ્વામી નો રાગ વિશે આજે સાચું રહસ્ય જાણ્યું...

Like

Guest
Feb 19
Rated 5 out of 5 stars.

Jai Jinshasasn Jay Mahaveer Dhan Dhan Munivara

Like

Guest
Feb 19
Rated 5 out of 5 stars.

Very useful to clear content

Like
bottom of page