top of page

અનુબંધ...

  • Jan 20
  • 3 min read


પ્રશ્ન : પુણ્યાનુબંધ અને પાપાનુબંધ કહેવાય છે, તેમાં અનુબંધ એટલે શું ?

ઉત્તર : પહેલાં આપણે અનુબંધનું ફળ સમજીશું, કારણકે ફળના આધારે જ પુણ્યાનુબંધ-પાપાનુબંધ એવા ભેદ અને નામ પડેલા છે.


જે કર્મમાં પુણ્યનો અનુબંધ હોય, તે કર્મના ઉદયમાં જીવને સદ્બુદ્ધિ મળે છે. પુણ્યકર્મના ઉદયે અનુકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર આસક્તિ નથી કરતો; પાપકર્મના ઉદયે પ્રતિકૂળ સામગ્રી મળી હોય, તો પણ તીવ્ર દુર્ધ્યાન નથી કરતો.

શાલિભદ્રને પુણ્યકર્મના ઉદયે અપાર સંપત્તિ મળી. સાથે અનુબંધ પુણ્યનો હતો, તે એક ધડાકે બધું છોડીને નીકળી જવાની – ચારિત્ર લેવાની સદ્બુદ્ધિ મળી.

શ્રેણિકને કોણિકે જેલમાં પૂર્યા, રોજના ૧૦૦ હંટર ફટકારવાની સજા કરી. એ પાપકર્મનો ઉદય હતો, પણ સાથે અનુબંધ પુણ્યનો હતો, તો કોણિક પર દુર્ભાવ કે દુર્ધ્યાન નથી કર્યું. (છેલ્લી ઘડીમાં દુર્ધ્યાન કર્યું, તેથી નરકે ગયા.)


જે કર્મમાં પાપનો અનુબંધ હોય, તે કર્મના ઉદયમાં જીવને દુર્બુદ્ધિ મળે છે. પુણ્યકર્મના ઉદયે અનુકૂળ સામગ્રી મળી હોય, તો તીવ્ર આસક્તિ કરે; પાપકર્મના ઉદયે પ્રતિકૂળ સામગ્રી મળી હોય, તો તીવ્ર દુર્ધ્યાન કરે.

મમ્મણને પુણ્યકર્મના ઉદયે અપાર સંપત્તિ મળી, પણ સાથે અનુબંધ પાપનો હતો, એટલે તીવ્ર મૂર્ચ્છા રૂપ દુર્બુદ્ધિ મળી.

કાલસૌરિક કસાઇને શરીરમાં રોગ વગેરે દુઃખો તો પાપકર્મના ઉદયે આવ્યા; સાથે અનુબંધ પણ પાપના હતા, તેથી તેમાં તીવ્ર દુર્ધ્યાન કરીને સાતમી નરકે ગયો.


એટલે અનુબંધનું ફળ બુદ્ધિ છે.

પુણ્યનો અનુબંધ સદ્બુદ્ધિ આપે,

પાપનો અનુબંધ દુર્બુદ્ધિ આપે.


જેમ ગરમ પાણીનો થેલી શેક કરો, ત્યારે ગરમી હોય છે પાણીની, પણ તેને આપવા માટે થેલી રૂપી માધ્યમની જરૂર પડે છે.

તેમ અનુબંધને પોતાનું ફળ (સદ્બુદ્ધિ/દુર્બુદ્ધિ) આપવા કર્મના ઉદયની જરૂર પડે છે.

એ કર્મ પુણ્ય પણ હોઈ શકે, પાપ પણ હોઈ શકે.

પુણ્ય હોય તો સામગ્રી અનુકૂળ મળે.

પાપ હોય તો સામગ્રી પ્રતિકૂળ મળે.


એટલે, કર્મ સામગ્રી આપે, અનુબંધ બુદ્ધિ આપે,

પુણ્યાનુબંધી પુણ્ય 🡺 અનુકૂળ સામગ્રી આપે, પણ તેમાં તીવ્ર આસક્તિ ન થાય.

પાપાનુબંધી પુણ્ય 🡺 અનુકૂળ સામગ્રી આપે, તેમાં તીવ્ર આસક્તિ થાય.

પુણ્યાનુબંધી પાપ 🡺 પ્રતિકૂળ સામગ્રી આપે, પણ તેમાં તીવ્ર દુર્ધ્યાન ન થાય.

પાપાનુબંધી પાપ 🡺 પ્રતિકૂળ સામગ્રી આપે, તેમાં તીવ્ર દુર્ધ્યાન થાય.


આ વાત અનુબંધના ફળની થઈ.

મહત્ત્વની વાત તો એ છે કે અનુબંધ બંધાય શી રીતે ? કારણકે આપણે અશુભ અનુબંધથી બચવાનું છે, શુભ અનુબંધ બાંધવાના છે.

અનુબંધની વાત આવે, ત્યાં ફળની વાત સર્વત્ર થાય છે, કારણકે એ રીતે જ તેની વ્યાખ્યા છે.

પણ શુભ કે અશુભ અનુબંધ બંધાય શી રીતે ? તેની વાત ક્વચિત્ જ થતી હોય છે.


અનુબંધનું કારણ વિચારતાં પૂર્વે, કર્મના બંધનું કારણ વિચારી લઈએ.

શુભ ભાવથી પુણ્ય બંધાય, અશુભ ભાવથી પાપ બંધાય – એ તમે જાણો છો.

જો કે સામાન્યથી શુભ ભાવ, શુભ પ્રવૃત્તિથી યુક્ત જ હોય. પણ ક્યાંક તેવું નથી પણ હોતું.

પારધિની દાણા નાખવાની પ્રવૃત્તિ દેખીતી રીતે શુભ છે, છતાં તેની પાછળનો ભાવ અશુભ છે.

ચા ઢાંકવાની પ્રવૃત્તિ ગૃહસ્થની અને સાધુની સરખી હોય છે, પણ ભાવ જુદો હોય છે. ગૃહસ્થનો ભાવ સ્વાદ જાળવવાનો હોય, જે અશુભ છે. સાધુનો ભાવ જીવોની રક્ષાનો હોય, જે શુભ છે.


કર્મબંધનું કારણ ભાવ છે.

અનુબંધનું કારણ તે ભાવ પાછળ રહેલી ભાવના છે.

અભવ્ય (કે અચરમાવર્તી) જીવ ચારિત્ર પાળે, ત્યારે મહાવ્રતપાલન વગેરે ભાવ તો શુભ હોય છે, પણ તેની પાછળનો આશય દેવલોકના સુખો મેળવવાનો હોય છે, જે અશુભ છે.

એટલે કર્મબંધ શુભ (પુણ્યનો) થવા છતાં અનુબંધ અશુભ (પાપનો) પડે છે.


સભા : અવંતીસુકુમાલનો પણ આશય તો દેવલોક મેળવવાનો જ હતો. તેમને તો શુભ અનુબંધ બંધાયા. તેવું કેમ બન્યું ?

સરસ પ્રશ્ન છે. અવંતીસુકુમાલનો ચારિત્રપાલનનો ભાવ શુભ હોવાથી પુણ્ય બાંધ્યું – સ્વર્ગે ગયા.

તેમનો આશય દેવલોક મેળવવાનો હતો – તે વાત પણ સાચી જ છે. પણ તેમને એ સમજ આત્મસાત્ થયેલી હતી કે દેવલોકમાં જે સામગ્રીનું સુખ છે, તે સાચું સુખ નથી. સાચું સુખ તો મોક્ષમાં જ છે – સમતામાં જ છે. તેથી અનુબંધ અશુભ નથી પડ્યા.


સભા : જો દેવલોકનું સુખ સાચું નથી – તેવું માનતા હોય, તો તેની ઇચ્છા કેમ થાય ?

તત્કાલ તો તેમાં સુખનો અનુભવ થતો હોવાથી તેનું આકર્ષણ તોડવું સહેલું નથી...

સમકિતીની ભૂમિકા એ જ હોય છે કે સંસારનું સુખ આભાસિક હોવાનું માનવા છતાં તેનું આકર્ષણ તૂટતું નથી.

જો કે અવંતીસુકુમાલ તો વિરતિધર હતા, છતાં આંશિકપણે તેમની પણ એવી ભૂમિકા હતી.


સમકિતીને કદી અશુભ અનુબંધ પડતા નથી, સદા શુભ અનુબંધ જ પડે છે. તેનું કારણ એ જ છે કે તેઓની સમજ દૃઢ હોય છે કે સંસારની સામગ્રીનું સુખ આભાસિક જ છે, સાચું સુખ મોક્ષમાં છે.

એટલે, નિર્ણય એ થયો કે સામગ્રીમાં જ સુખની માન્યતા (અને તેનું જ લક્ષ્ય), અશુભ અનુબંધ ઊભા કરે. મોક્ષમાં-સમતામાં સુખની માન્યતા (અને સાક્ષાત્ કે પરંપરાએ પણ તેનું લક્ષ્ય) શુભ અનુબંધ ઊભા કરે.


એવું જણાય છે કે...

‘સામગ્રીમાં જ સુખ’ એવા સંસ્કાર – એ જ અશુભ અનુબંધ છે,

જે અનુકૂળ સામગ્રીમાં તીવ્ર આસક્તિ અને પ્રતિકૂળ સામગ્રીમાં તીવ્ર દુર્ધ્યાન કરાવે છે.

‘સાચું સુખ મોક્ષમાં-સમતામાં જ છે, સામગ્રીનું સુખ આભાસિક છે’ એવા સંસ્કાર – એ જ શુભ અનુબંધ છે,

જે અનુકૂળ સામગ્રીમાં તીવ્ર આસક્તિ કે પ્રતિકૂળ સામગ્રીમાં તીવ્ર દુર્ધ્યાનથી બચાવે છે.

તે તે સંસ્કાર, તેવી તેવી ભાવનાથી દૃઢ બને છે.

Related Posts

See All
પ્રશસ્ત કષાય - અપ્રશસ્ત કષાય...

Download PDF પ્રશ્ન : કયો કષાય પ્રશસ્ત કહેવાય ? કયો અપ્રશસ્ત કહેવાય ? ઉત્તર : પ્રશ્ન સરસ છે. ઉત્તર થોડો વિસ્તારથી આપવો પડશે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય 🡺 હેતુ, સ્વરૂપ અને ફળથી. ચારિત્રના ઉ

 
 
 

5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
MINA HARSH SHAH
Feb 12
Rated 5 out of 5 stars.

MINA HARSH

Like

Guest
Jan 22
Rated 5 out of 5 stars.

Pujya shree ni samjavani style & knowledge adbhut chhe koti Koti Vandan 🙏🏻

Like

Guest
Jan 20

Haji thodu deeply samjavo to vadhare saru 🙏

Like

Guest
Jan 20

Haji thodu deeply samjavo to vadhare saru 🙏

Like

ARUN Shah
Jan 20
Rated 5 out of 5 stars.

હજુ વધુ જાણવા મળે તો વધુ ઉપયોગી થશે.

Edited
Like
bottom of page