top of page

પ્રધાન શું ? પુરુષાર્થ કે પુણ્ય ?...

  • Mar 2
  • 2 min read
Success vs. Luck? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the vital relationship between Purusharth (Effort) and Punya (Merit) and which one truly leads to spiritual and material victory

પ્રશ્ન : સંસારમાં પુણ્ય પ્રધાન છે, ધર્મમાં પુરુષાર્થ પ્રધાન છે – એમ કહેવાય છે. તેનું કારણ શું ?

ઉત્તર :જવાબ સાવ સરળ છે.

સંસાર સંપૂર્ણપણે બાહ્ય સામગ્રી રૂપ છે.

તેની પ્રાપ્તિ, પુણ્યથી જ થાય છે.

  • સંપત્તિ પુણ્યથી મળે.

  • સુંદર રૂપ પુણ્યથી મળે.

  • મધુર કંઠ પુણ્યથી મળે.

  • સત્તા પુણ્યથી મળે.

  • યશ પુણ્યથી મળે.

પુણ્ય હોય, તો આ બધું મળે.

પુણ્ય ન હોય તો આ બધું ન મળે, ભલે પુરુષાર્થ ગમે તેટલો કરાય.

એટલે, સંસારમાં પુણ્ય પ્રધાન છે.

ધર્મ આંતરિક પરિણતિ રૂપ છે.

તે પુરુષાર્થથી મેળવી શકાય છે, તેના માટે પુણ્યની આવશ્યકતા નથી.

તમારે ક્ષમા આત્મસાત્ કરવી હોય... તેના માટે તમે સુયોગ્ય પુરુષાર્થ કરો... તો જગતનું કોઇ પરિબળ તમને ક્ષમા પ્રાપ્ત કરતાં રોકી ન શકે.

એટલે ધર્મમાં પુરુષાર્થ પ્રધાન છે.

  • અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.

    ધર્મ, આંતરિક પરિણતિ રૂપ છે, તેમ બાહ્ય આચાર રૂપ પણ છે.

    અને બાહ્ય આચાર રૂપ ધર્મ માટે, સામગ્રીની અપેક્ષા હોય છે; અને તે પુણ્યથી મળે છે. જેમ કે, વાંચવા રૂપ સ્વાધ્યાય માટે પુસ્તકની અપેક્ષા રહે, અને તે પુણ્યથી મળે.

    પણ પુસ્તક ન હોય, તો સ્વાધ્યાય ન જ થઇ શકે – તેવું નથી. પરાવર્તન વગેરે સ્વાધ્યાય, પુસ્તક વિના પણ થઇ જ શકે.

    અને સ્વાધ્યાય દ્વારા જે પરિણતિ પ્રાપ્ત કરવાની છે, તે ભાવના વગેરેથી પણ પ્રાપ્ત થઇ શકે છે, જેના માટે પુસ્તકની જરૂર નથી.

    એટલે પ્રધાનતા પુરુષાર્થની જ રહે છે.

  • સામાયિક કરવા માટે શુદ્ધ વસ્ત્ર વગેરે સામગ્રી જોઈએ, જે પુણ્યથી મળે.

    સમતા પ્રાપ્ત કરવા માટે સામગ્રી જોઇએ જ - તેવું નથી.

  • અલબત્ત, આપણે નિમિત્તોને પરવશ છીએ.

    બાહ્ય પરિસ્થિતિ વગેરે નિમિત્તો આપણી આંતરિક પરિણતિને અસર કર્યા વિના રહેતા નથી.

    એટલે બહુધા, શુભ બાહ્ય આચારોથી જ આંતરિક પરિણતિ પ્રાપ્ત થાય છે. એટલે કંઇક અંશે, આંતરિક પરિણતિ માટે પણ સામગ્રી આવશ્યક બને છે. પણ તેનો એકાંત નિયમ ન હોવાથી પ્રધાનતા પુરુષાર્થની જ રહે છે.

  • વીતરાગતા રૂપ સર્વોચ્ચ પરિણતિને પ્રાપ્ત કરવા માટે પ્રથમ સંઘયણ વગેરે રૂપ સામગ્રી જોઈએ, જે પુણ્યથી જ મળે છે.

    એ રીતે, વિશિષ્ટ સ્તરની પરિણતિને પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ સંઘયણાદિ જોઇએ, જે પુણ્યથી મળે છે.

    એટલા અંશમાં પુણ્યની પરવશતા છે.

    પણ, પોત-પોતાના સંઘયણાદિમાં શક્ય એવી ઉત્કૃષ્ટ પરિણતિ તો પુરુષાર્થને આધીન જ છે.

  • કાર્મગ્રંથિક પરિભાષામાં સમજવું હોય, તો એમ કહેવાય કે ધર્મ, મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે; અને મોહનીયનો ક્ષયોપશમ, પુરુષાર્થને આધીન છે.

    મનને સમજાવવામાં આવે, તો ઉત્પન્ન થતા ક્રોધને શમાવી શકાય,

    અહંકાર કે લોભ ઘટાડી શકાય, માયાથી બચી શકાય. તેના માટે એવી કોઈ સામગ્રીની જરૂર નથી, જે પુણ્યને આધીન હોય.

    સંસારની બધી જ સામગ્રી, બાકીના ૭ કર્મને આધીન છે. અને તે કર્મોના ઉદય કે ક્ષયોપશમ, માત્ર પુરુષાર્થથી થઇ શકતા નથી.

    જો પુણ્ય ન હોય, તો ➔

    • કુરૂપ હોય, તે લાખ મહેનતે સુંદર ન જ થાય.

    • સ્વર ઘોઘરો હોય, તો લાખ મહેનતે પણ મધુર ન જ થાય.

    • દરિદ્ર હોય, તે લાખ મહેનતે પણ શ્રીમંત ન જ થાય.

      એટલે, સંસારમાં કર્મ પ્રધાન છે, ધર્મમાં પુણ્ય પ્રધાન છે.


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
મૌનાંક શાહ
Mar 10
Rated 5 out of 5 stars.

ખુબ જ સરળતા થી સમજાઈ જાય તેવી શૈલી....

ધર્મ ના ક્ષેત્રે પુરુષાર્થ ની પ્રધાનતા વાંચીને ચોક્કસ પણે તે બાબતે પુરુષાર્થ કરીશું.

Like
bottom of page