top of page

પક્ખી વગેરે પ્રતિક્રમણ અને છીંક...

  • Jan 22
  • 5 min read
P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explaining the rules of Sneezing during Pratikraman and the importance of Acharna (Tradition).


પ્રશ્ન : પક્ખી વગેરે પ્રતિક્રમણમાં છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરાય છે. આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે છીંક આવે તો પ્રતિક્રમણ ફરી કરવાનું ?

ઉત્તર : શાસ્ત્રવચન જણાવતાં પૂર્વે એ જણાવવું છે કે તમારો પ્રશ્ન જ ખોટો છે.

વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો ખુરશી પર બેસે છે. મને એ જણાવો કે ‘ખુરશી પર બેસીને વ્યાખ્યાન સાંભળી શકાય’ એવું કયા શાસ્ત્રમા લખ્યું છે ?

એવું કોઈ શાસ્ત્રવચન મળવાનો સંભવ જ નથી. આજથી ૩૦-૩૫ વર્ષ પૂર્વે વ્યાખ્યાનમાં ખુરશી હતી જ નહીં અને તેની જરૂર પણ નહોતી પડતી.

આ તો એક દૃષ્ટાંત જણાવ્યું. બાકી એવી સેંકડો વસ્તુઓ છે, જે શાસ્ત્રમાં જણાવી નથી, છતાં સર્વત્ર થાય છે, સ્વીકૃત છે, સકળ સંઘમાં માન્ય છે.

દીક્ષા સમયે ચડાવો બોલાવીને ઉપકરણો વહોરાય છે, તે કયા શાસ્ત્રમાં લખ્યું છે ? તે વિષયનું કોઇ શાસ્ત્રવચન નથી. છતાં સર્વત્ર સ્વીકૃત આ પરંપરા છે.

જે ઉપકરણો અમે વહોરીએ–વાપરીએ છીએ; તેમાંથી કેટલાનાં નામ શાસ્ત્રમાં છે ? ‘પોથી’ પણ શાસ્ત્રમાં બતાવી નથી. એવા બીજાં કેટલાંય છે.


સભા : શાસ્ત્રમાં નથી, તો ક્યાંથી ઘૂસી ગયું ?

એવા તુચ્છ શબ્દો ન વાપરો. પૂર્વાચાર્ય ભગવંતોએ પડતા કાળ સાથે તેની આવશ્યકતા જોઈને અથવા લાભ-નુકસાન વિચારીને તેને ઉમેર્યા છે.

શાસ્ત્રમાં ન જણાવ્યા હોય, તેવાં ઉપકરણો તો અમે વાપરીએ જ છીએ; શાસ્ત્રમાં જેનો નિષેધ કરેલો છે, તેવાં ઉપકરણો પણ હાલમાં સર્વત્ર વપરાય છે.

શાસ્ત્રમાં કહ્યું છે - ‘જેનું પેટ મોટું અને મોઢું નાનું હોય, તેવું ઉપકરણ સાધુએ ન રખાય – ન વપરાય, કારણકે તેનું પડિલેહણ વ્યવસ્થિત થઈ ન શકે.’

છતાં, અમે ઘડો-તરપણી વગેરે રાખીએ છીએ, વાપરીએ છીએ. સમસ્ત સંઘમાં એ સ્વીકૃત છે.


શાસ્ત્રમાં જ લખ્યું છે – જે શાસ્ત્રમાં ન જણાવ્યું હોવા છતાં ઘણા સમયથી લોકો આચરતાં હોય, તેને ‘ખોટું’ ન કહી શકાય.

એટલે, આચરણા (પરંપરા) પણ શાસ્ત્રમાં સ્વીકારાયેલી છે, એટલે એ પણ શાસ્ત્રરૂપ જ બની જાય છે.

શાસ્ત્રમાં જ જણાવ્યું છે કે જે આચરણાને નથી સ્વીકારતો, તે શાસ્ત્રને પણ નથી સ્વીકારતો.

એટલે, જે આચરણા સમસ્ત સંઘમાં સ્વીકૃત છે, તેના માટે ‘આવું કયા શાસ્ત્રમાં જણાવ્યું છે ?’ એવો પ્રશ્ન જ કરી શકાય નહીં.

એવો પ્રશ્ન, એ શાસ્ત્રની વફાદારી નહીં, પણ શાસ્ત્રના અજ્ઞાનનો સૂચક છે. કદાચ એ આચરણા પ્રત્યેની પોતાની અરુચિ પ્રગટ કરવા શાસ્ત્રનું ઓઠું માત્ર લેવામાં આવ્યું છે.


શાસ્ત્રમાં જે નથી જણાવ્યું, તેવી આચરણા તો આચરવાની છે જ; શાસ્ત્રમાં જેનો નિષેધ હોય, તેની પણ આચરણા હોય, તો તે આચરવાનું છે. કારણકે શાસ્ત્ર કરતાં આચરણા બળવાન્ છે.

અને શાસ્ત્ર જેની રજા આપે છે, તેનો પણ આચરણાથી નિષેધ હોય, તો તે નથી કરવાનું.


જેમ પૂર્વાચાર્યોની આચરણા હોય છે, તેમ વર્તમાનમાં પણ ગીતાર્થો ભેગાં મળીને નવી આચરણા પ્રવર્તાવી શકે છે.

દરેક આચરણા, ક્યારેક તો શરૂ થઈ જ હોય છે.


હવે તમારા મૂળ પ્રશ્નનો જવાબ – જગદ્‌ગુરુ હીરસૂરીશ્વરજી મ.સા. એ જુદા જુદા મહાત્માઓ/સંઘો/શ્રાવકોના પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા છે, તે હીરપ્રશ્ન નામના ગ્રંથમાં નોંધાયેલા છે.

તેમાં જણાવ્યું છે કે પક્ખી વગેરે પ્રતિક્રમણમાં અતિચાર સુધીમાં છીંક આવે, તો પ્રતિક્રમણ ફરી શરૂ કરવું.

આ ગ્રંથ લગભગ ૪૦૦ વર્ષ જૂનો છે, સમસ્ત સંઘમાં સ્વીકૃત છે, શાસ્ત્રરૂપ જ ગણાય છે.


સભા : વારંવાર છીંક આવે, તો ?

એવા અવસરે નિશ્રાદાતા ગુરુ ભગવંત જે નિર્ણય કરે, તેમ કરવાનું.

સંવત્સરીના દિવસે બારસા સૂત્ર વાંચીએ છીએ, તેમાં વારંવાર એક વાક્ય આવે છે – आयरिया पच्चुवायं जाणंति આચાર્ય ભગવંત લાભ-નુકસાન જાણે છે. તે જોઈને તેઓ જે નિર્ણય કરે, તે સ્વીકારી લેવાનો.

આચાર્ય ભગવંત હાજર ન હોય, ત્યારે જે વડીલ હાજર હોય, તેનો નિર્ણય આવી બાબતમાં સ્વીકારી લેવાનો.

ગુરુ ભગવંતને એમ લાગે કે વારંવાર ફરી શરૂ કરવામાં હવે ઘણો વિલંબ થશે. વૃદ્ધોને માતરું કરવાની શંકા થવા વગેરેના કારણે અસમાધિ થશે... તો તેઓ ફરી શરૂ કરવાને બદલે પાછળથી કાઉસ્સગ્ગ કરાવવાનો નિર્ણય કરી શકે.

પણ તે તત્કાલીન પરિસ્થિતિ મુજબનો નિર્ણય ગણાય, કાયમનો નિર્ણય નહીં.


સભા : ક્યાં સુધીમાં છીંક આવે, તો ફરી કરવાનું ?

આમાં અમારા વડીલો પાસેથી મળેલી પરંપરા એ છે કે શ્રાવકોના બાર વ્રતના અતિચાર પૂરા થાય, ત્યાં સુધીમાં છીંક આવે તો ફરી કરવું. બીજાની આચરણા જુદી પણ હોઈ શકે છે. જેમની જે પરંપરા હોય, તે પ્રમાણે કરે.


સભા : ફરી કરવાનું કારણ શું ?

આનો જવાબ આપતાં પૂર્વે એક વાત જણાવી દઉં કે કારણ જાણવાની જિજ્ઞાસા સારી છે, પણ દરેક વાતનું કારણ જાણવાનો આગ્રહ ન રાખવો. ક્યારેક શ્રદ્ધાથી જ સ્વીકારવાનું હોય છે – પૂર્વાચાર્યોએ આમ કર્યું છે, એટલે કરવાનું.


દેરાસરમાં ભાઈઓ (પોતાની) ડાબી બાજુથી ભક્તિ કરે છે, બહેનો (પોતાની) જમણી બાજુથી. આનું કારણ શું ? આનાથી ઊંધું કેમ નહીં ?

આવા પ્રશ્નના કોઈ જવાબ ન હોય. કોઈક વ્યવસ્થા જરૂરી છે, ત્યારે પૂર્વના જ્ઞાની ભગવંતોએ જે વ્યવસ્થા કરી છે, તે સ્વીકારવાની.

અલબત્ત, છીંક આવે, તો ફરી કરવાનું કારણ વડીલો પાસેથી એવું જાણ્યું છે કે છીંક એ ક્ષુદ્ર ઉપદ્રવની સૂચક છે. તેથી તેના વારણ માટે પ્રતિક્રમણ ફરીથી કરાય છે, અથવા કાઉસ્સગ્ગ કરાય છે.


સભા : જેને છીંક આવે, તેને કાંઇ પ્રાયશ્ચિત્ત આવે ?

પહેલી વાત તો એ કે, કોને શું પ્રાયશ્ચિત્ત આવે ? તે જાહેરમાં ચર્ચવાનો વિષય જ નથી. તે ગીતાર્થોનો અધિકાર છે.

બીજી વાત એ કે, છીંક આવે, તે કોઈ ‘પાપ’ નથી, કે તેનું કોઈ પ્રાયશ્ચિત્ત હોય.

પણ, છીંકને વિઘ્નની સૂચક માનીને, જેને છીંક આવે તેણે વિઘ્ન-નિવારણ માટે સત્તરભેદી પૂજા ભણાવવી – એવું પૂર્વમાં જણાવાતું હતું. વર્તમાનમાં કોઇ સ્નાત્ર ભણાવવાનું પણ કહે છે. આ બધી વ્યવસ્થાઓ કાળના આધારે બદલાતી પણ રહે છે.


સભા : જુદું ઠાવ્યું હોય, તેને છીંક આવે, તો પ્રતિક્રમણ ફરી ન કરવું પડે – તેનું કારણ શું ?

સાથે પ્રતિક્રમણ કરનારાઓનો જે સમૂહ છે, તેને ‘માંડલી’ કહેવાય છે. ‘માંડલી’નો અર્થ એકસરખા લોકોનો સમૂહ જ છે.

માની લો કે એક પ્રતિક્રમણ પહેલા માળે ચાલુ હોય, બીજું પ્રતિક્રમણ બીજા માળે ચાલુ હોય... બીજા માળે કોઇને છીંક આવે, તો પહેલા માળે પ્રતિક્રમણ કરનારાને (છીંકના લીધે) ફરી કરવું પડે ?

નહીં જ. કારણ બે પ્રતિક્રમણ જુદા છે, બે માંડલી જુદી છે.

એવું જ, એક જ માળ પર બે જુદા જુદા ખૂણામાં પ્રતિક્રમણ કરી રહેલા ૫-૭ શ્રાવકોના ગ્રુપ માટે પણ સમજી શકાય.

એટલે, જેઓ એક સાથે – ભેગાં પ્રતિક્રમણ કરી રહ્યા હોય, તેમનો સમૂહ – એ પ્રતિક્રમણની માંડલી છે.

હવે, એક સાથે પ્રતિક્રમણ કરનારા કોને માનવાના ?

કોઇક ૨-૪ મિનિટ મોડું આવીને સાથે થઈ ગયું હોય...

કોઈક વચ્ચે માતરું જઇને સાથે થઈ ગયું હોય... આવું બધું બને છે.

એટલે, પૂર્વાચાર્યોએ એ વ્યવસ્થા કરી છે કે જેટલા લોકો સાથે પ્રતિક્રમણ ઠાવે, તે માંડલીમાં ગણાય. (તેવું નક્કી કરવાનું કારણ એ છે કે હકીકતમાં પ્રતિક્રમણ ત્યાંથી શરૂ થાય છે, તે પૂર્વે ચાર થોયનું ચૈત્યવંદન એ મંગળરૂપ છે.)

એટલે, જેઓ સાથે ઠાવે, તે માંડલીમાં ગણાય. તેમાંથી કોઈને છીંક આવે, તો ફરી પ્રતિક્રમણ કરવું પડે (અથવા કાઉસ્સગ્ગ કરવો પડે).

જે જુદું ઠાવે, તે માંડલીમાં નથી ગણાતા. એટલે જ તેમનાં બોલેલાં સૂત્રો કલ્પતાં નથી, અને એટલે જ તેમને સૂત્રોના આદેશ અપાતા નથી.

(વસ્તુતઃ તો માંડલીમાં બોલાયેલાં સૂત્રો, જુદું ઠાવનારાને ન કલ્પે, કારણકે તેઓ જુદી માંડલીમાં છે. છતાં સકળ સંઘની આરાધના નિર્વિઘ્ને થાય, એ માટે આ પરંપરા ચાલી છે કે છીંકની શંકા હોય, તેઓ જુદું ઠાવે.)

કેટલીક જગાએ વડીલ શ્રાવકો બોલે છે – ‘જે છીંકે તે માંડલી બહાર.’ આ રીતે બોલવાથી કોઈ માંડલીની બહાર ન થઇ જાય. જેણે સાથે ઠાવ્યું, તે માંડલીમાં જ રહે. એટલે આવું બોલવું – તે અજ્ઞાન છે.


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Vinoddoshi ashirwad
Mar 03
Rated 5 out of 5 stars.

Excellent presentation

Like
bottom of page