પ્રભુએ અભવ્ય જીવો માટે શું કર્યું ?
Updated: 2 days ago

પ્રશ્ન : પ્રભુએ અભવ્ય જીવો માટે શું કર્યું ?
ઉત્તર :
જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછાયો હોય, તો જુદી વાત છે; પ્રભુની અવહેલના કરવા જ પૂછાયો હોય, તો પૂછનાર કરુણા-ઉપેક્ષાને પાત્ર છે - જવાબ આપવા યોગ્ય નથી.
એક સનાતન નિયમ છે કે જીવ પોતાના પુરુષાર્થથી જ સુખી કે દુઃખી થાય છે... બીજું કોઈ તેને સુખી કે દુઃખી કરી શકતું નથી.
હા, સુખનો ઉપાય બતાવી શકે, તેના પર ચાલવાની પ્રેરણા કરી શકે... દુઃખના કારણ બતાવી શકે, તેનાથી દૂર રહેવા ચેતવી શકે... પણ છેવટે તો જીવે સ્વયં જ સુખના માર્ગે ચાલવું પડે, દુઃખનાં કારણોથી દૂર રહેવું પડે... તો જ એ દુઃખથી મુક્ત થઈ શકે, સુખી થઈ શકે.
પ્રભુ ‘સર્વ જીવો સુખી થાય’ તેવી ભાવનાના સ્વામી હતા... એ ભાવના જ તેમને તીર્થંકર બનાવે છે.
પણ પ્રભુ કોઈને સુખી કરી શકતા નથી. (યાદ રહે, અન્ય દર્શનોની જેમ જૈન દર્શન ઈશ્વરને જગત્કર્તા માનતું નથી.) કરી શકતા હોત, તો કોઈને દુઃખી શા માટે રહેવા દેત ?
પ્રભુ ‘સુખ ક્યાં છે ? તે પ્રાપ્ત કરવાનો ઉપાય શું ? દુઃખ શેમાં છે ? તેનાથી મુક્ત થવાનો ઉપાય શું ?’ તે સહુ જીવને બતાવે છે. એ જ (માર્ગદર્શકપણું) પ્રભુનો ઉપકાર છે.
એ ઉપકાર નાનોસૂનો નથી, કારણકે એ જ્ઞાન ન હોવાના કારણે જ અનંત કાળ આપણે દુઃખી થયા છીએ.
ધંધો શીખવાડીને ૨૫-૩૦ વર્ષ સુખી થવાનો ઉપાય બતાવનારનો ઉપકાર પણ ખાનદાન વ્યક્તિ જીવનભર ભૂલતો નથી...
તો સદાને માટે સુખી થવાનો ઉપાય બતાવનાર પ્રભુના ઉપકારની વાત શી કરવી?
પ્રભુએ તો માર્ગ બતાવી દીધો.
પણ ભારેકર્મી (અભવ્ય કે દૂરભવ્ય) જીવો, પ્રભુની વાત સ્વીકારતા નથી... પ્રભુએ બતાવેલા માર્ગે સુખ મળશે – તેવું તેમને લાગતું જ નથી... તેથી તે માર્ગે ચાલતા નથી... પોતે માની લીધેલા સુખના માર્ગે ચાલે છે, જે હકીકતમાં દુઃખનો માર્ગ હોવાથી દુઃખી થાય છે. તેમાં પ્રભુ શું કરી શકે ?
એટલે, ‘પ્રભુએ અભવ્ય જીવો માટે શું કર્યું ?’ એ પ્રશ્ન જ, જૈન શાસન વિશેના અજ્ઞાનની નીપજ છે.
પ્રભુએ સહુને સુખી કરવાની ભાવના કરી અને તેનો માર્ગ બતાવ્યો... તેમાં કોઈ ભેદ નથી કર્યો.
એ જુદી વાત છે કે જે જીવ માનવાનો જ નથી, તેને પ્રભુ સાક્ષાત્ ઉપદેશ નથી કરતા; જેમ કે જમાલિ... પણ પ્રભુની કરુણામાંથી કોઈ બાકાત નથી હોતું.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments