top of page

સૂર્યાસ્ત પછી ૨-૫ મિનિટ સુધી ખાધું હોય, ત્યારે અજવાળું હોય; તો ચોવિહાર કરેલો ગણાય ? તેનું પચ્ચક્ખાણ લેવાય ?...

Oct 3
2 min read

Updated: 5 days ago

A spiritual diagram or illustrative representation of Mithyatva (wrong belief) versus Samyag (right belief) concerning the soul's journey toward liberation in Jainism


પ્રશ્ન : સૂર્યાસ્ત પછી ૨-૫ મિનિટ સુધી ખાધું હોય, ત્યારે અજવાળું હોય; તો ચોવિહાર કરેલો ગણાય ? તેનું પચ્ચક્ખાણ લેવાય ?

ઉત્તર :

અજવાળામાં ખાધું હોય (અંધારામાં ન ખાધું હોય), તો ચોવિહાર ગણાય – એવો નિયમ કરવામાં આવે, તો ઘણા પ્રશ્ન ઊભા થશે.

અજવાળું-અંધારું સાપેક્ષ શબ્દો છે. સૂર્યાસ્ત પછી ૧૫ મિનિટ પછી પણ થોડું અજવાળું હોય છે... ‘અજવાળું પણ છે, અંધારું પણ છે’ – એમ પણ કહી શકાય છે.

તો ત્યારે ખાનાર માટે શું માનવું ?


નિશ્ચય (વાસ્તવિકતા) જુદી હોય, વ્યવહાર જુદો હોય – તે સાર્વત્રિક વ્યવસ્થા છે.

‘કોને મત આપવો ?’ તે વિચારવાની ક્ષમતા આવે, પછી મતાધિકાર અપાય છે. હવે એવું તો નથી કે ૧૭ વર્ષ ૩૫૯ દિવસ સુધી તેવી ક્ષમતા ન આવે; અને એક રાતમાં આવી જાય. એ ક્ષમતા ક્રમશઃ વિકસતી ચીજ છે.

પણ, વ્યવહાર માટે કોઈ ‘કટ ઑફ’ તારીખ નક્કી કરવી પડે... તે ૧૮ વર્ષની કરાઈ, કેમકે ૧૮ વર્ષે (મોટે ભાગે) તેવી ક્ષમતા આવી જ જાય...


ફળ સુધાર્યા પછી ૪૮ મિનિટે અચિત્ત મનાય છે. એમાં પણ એવું તો નથી કે ૪૭ મિનિટ ૫૯ સેકન્ડ સુધી સચિત્ત હોય, અને ૧ સેકન્ડમાં અચિત્ત થાય... ૪૮ મિનિટ સુધીમાં ગમે ત્યારે અચિત્ત થાય છે. પણ વ્યવહાર માટે ‘કટ ઑફ’ ટાઈમ નક્કી કરવો પડે... તે ૪૮ મિનિટ કરાયો, કેમકે ત્યાં સુધીમાં અચિત્ત થઈ જ જાય.


એ રીતે, અંધારામાં જીવોત્પત્તિ હોવાથી ખાવાનો નિષેધ છે.

નિશ્ચયથી જીવોત્પત્તિ ક્યારે થાય ? તે આપણે જાણી શકતા નથી... વ્યવહારથી તેના માટે ‘કટ ઑફ’ ટાઈમ સૂર્યાસ્ત નક્કી કરાયો છે. તો તેનું ઉલ્લંઘન ન જ થાય.

કદાચ જીવોત્પત્તિ નથી જ થઈ - એવું કોઈ જ્ઞાનથી જણાય, તો પણ વ્યવહારથી તેનું ઉલ્લંઘન ન જ થાય... જેમ તલ અચિત્ત હોવાનું જ્ઞાનથી જાણવા છતાં પ્રભુ વીરે તે વાપરવાની રજા ન આપી, કારણકે વ્યવહારથી તે સચિત્ત જ ગણાય.


વાસ્તવમાં તો સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાંથી ખાવાનું છોડવાનું છે. (ઘણા સાધુ-સાધ્વી ભગવંતો ત્યારે પાણી પણ છોડી દે છે.) છેલ્લી ૫-૧૦ મિનિટ તો છોડવાની જ છે. તે સમયે ખાવામાં ‘લગભગ વેળા’ અતિચાર બતાવાયો છે.

તો સૂર્યાસ્ત પછી વાપરવાનો પ્રશ્ન જ ક્યાં છે ?

‘અજવાળું હોવાનો’ કુતર્ક લગાડીને પાપને ઢાંકવાનો પ્રયાસ તો ‘ચોરી પર શિરજોરી’ જેવું છે.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Oct 03
Rated 5 out of 5 stars.

Insightful

Like
bottom of page