જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ?
- Jun 4
- 2 min read

પ્રશ્ન : જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ?
ઉત્તર : નિશ્ચયનયથી જે વંદનીય હોય, તે બધા વ્યવહારથી વંદનીય નથી બનતા.
ભરત ચક્રવર્તી ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામ્યા, એટલે તેરમા ગુણસ્થાનકે પહોંચી ગયા. નિશ્ચયનયથી તો વંદનીય હતા જ. પણ જ્યાં સુધી સાધુવેશ ગ્રહણ ન કર્યો, ત્યાં સુધી વ્યવહારથી વંદનીય નથી બન્યા . સાધુવેશ લીધા પછી જ ઇન્દ્રએ તેમને વંદન કર્યા છે.
જેઓ મોક્ષે ગયા છે, તે નિશ્ચયનયથી પૂજ્ય છે - વંદનીય છે, પણ વ્યવહારથી તો સાધુ તરીકેની કે સિદ્ધ તરીકેની તેમની પ્રતિમા હોય, તે જ વંદનીય બની શકે. અન્ય ધર્મના મંદિરોમાં જે મૂર્તિ હોય છે, તે તેવી હોતી નથી, એટલે વંદનીય નથી બનતી. એથી આગળ વધીને શાસ્ત્રકારો કહે છે - અરિહંતની પ્રતિમા પણ જો અન્યોના કબજામાં હોય - અન્યોના મંદિરમાં હોય; તો તે પણ વંદનીય નથી બનતી. સમ્યક્ત્વ ગ્રહણ કરાય છે, ત્યારે જે પ્રતિજ્ઞા અપાય છે, તેમાં સ્પષ્ટ વિધાન છે - આજ પછી અન્યધર્મી દ્વારા પરિગૃહીત એવી અરિહંતની પ્રતિમાને પણ વંદન નહીં કરું. તેને વંદન કરવાનો નિષેધ કરવાના બે કારણો છે-
અન્યોના મંદિરમાં રહેલ અરિહંતની પ્રતિમાને જ હું વંદન કરવા જાઉં, તો પણ જોનારને તો એમ જ લાગે કે - ‘અન્યોના મંદિરમાં જઈ શકાય.’ પછી ત્યાં જઈને બીજાની પ્રતિમાના દર્શન-વંદન ન કરવા - એવી કંઈ બધાને ખબર પડતી નથી. આમ, ખોટું આલંબન મળે - વ્યવહાર અશુદ્ધ થાય. તેથી અન્યના મંદિરમાં જવાનું નથી.
અન્યોના મંદિરમાં અરિહંતની પ્રતિમાને વંદન કરવા જાવ, તો પણ તે લોકો પ્રચાર દ્વારા તમને આકર્ષવાના પ્રયત્ન કરવાના જ. તેના પ્રચારથી અંજાઈને ‘તેમની વાત સાચી છે - સારી છે. આપણે ત્યાં ખોટું છે’ એવા વિચારો તમને આવે તેવી શક્યતા છે જ. તેનાથી તમારું સમ્યક્ત્વ મલિન થાય. ક્યારેક તમે સમ્યક્ત્વ ગુમાવી બેસો, અન્યધર્મી થઇ જાવ - એવી પણ શક્યતા છે જ; કારણકે તમે ભણેલા નથી, જિનશાસનની શ્રેષ્ઠતા જાણતા નથી, અન્યોની વાતો કેમ ખોટી છે ? તે ખબર નથી. તેથી તમારું સમ્યક્ત્વ તેવું દૃઢ-નિશ્ચલ હોતું નથી.
વિચારવા જેવું એ છે કે, અન્ય ધર્મીઓ પોતાના મંદિરમાં અરિહંતની પ્રતિમા રાખે શા માટે ? તમને આકર્ષીને પોતાનો પ્રચાર કરવા માટે સ્તો ! આ બધા કારણોથી જ શાસ્ત્રકારોએ તેવા અન્યધર્મીઓ સાથે વધુ પડતો પરિચય-મિત્રતા કરવાનો પણ નિષેધ કર્યો છે. તેમનું સાહિત્ય પણ ન વંચાય. તેમના પ્રવચનો પણ ન સંભળાય.
સભા : જેમાં બીજાની સાથે ભગવાનની પણ પ્રતિમા હોય, તેના દૂરથી-ગાડીમાંથી વંદન કરાય ?
ના. તે વ્યવહાર પણ અશુદ્ધ છે. તેમાં પછી ‘અહીંથી નમસ્કાર થાય, તો અંદર કેમ ન જવાય ?’ એવો કુતર્ક આવવાનો જ. ‘જાવંતિ ચેઇઆઈ’ સૂત્રથી, ભાવથી તે બધી પ્રતિમાઓને નમસ્કાર કરી શકાય. અન્ય ધર્મોના સ્થાનોમાં કુતૂહલથી - જોવાલાયક સ્થળ રૂપે પણ ફરવા-જોવા ન જવાય, કારણકે તેમાં ઉપર કહ્યા તે બધા ભયસ્થાનો છે. ફરવા જ ન જવું જોઈએ. પણ મોજશોખના સ્થાને ફરવા જાવ, તો તેમાં અવિરતિ છે. અન્ય ધર્મોના સ્થાને ફરવા જાવ, તો તેમાં મિથ્યાત્વની શક્યતા પડી છે. અવિરતિ કરતા અપેક્ષાએ મિથ્યાત્વ વધુ ભયંકર છે. દેવ-દેવી સમકિતી છે, તેમની પણ આપણને માન્ય તેવા સ્વરૂપની, આપણા કબજામાં રહેલી પ્રતિમા હોય, તો જ તેમની ઉચિત (સાધર્મિક રૂપે) ભક્તિ, સ્મરણ વગેરે થઇ શકે. તે જ નામના દેવ-દેવી હોય, પણ જો બીજાના કબજામાં હોય કે અન્ય સ્વરૂપના હોય તો તેની તેવી ભક્તિ વગેરે ન થાય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments