top of page

સાધર્મિક ભક્તિ અને ઉપધાનાદિ અનુષ્ઠાનો...

  • 11 hours ago
  • 2 min read
An illustration or photograph depicting a Jain donor being honored for their Daan-dharma, emphasizing the support for religious infrastructure while maintaining the superior rank of ascetics and practitioners


ભ્રમણા : કેટલાય સાધર્મિકોને જીવન-નિર્વાહના સાંસા છે, ત્યારે ઉપધાનાદિ અનુષ્ઠાનોમાં લાખો-કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો યોગ્ય નથી.


વાસ્તવિકતા : ઉપલક દૃષ્ટિએ ખૂબ સારી જણાતી આ વાતની અંદર ઊતરીએ, ત્યારે આવો વિચાર કરનારાનું જિનશાસનનું વરવું અજ્ઞાન છતું થાય છે.


દુઃખી જીવો પ્રત્યેની કરૂણા શાસ્ત્રકાર બે પ્રકારની બતાવે છે


  • 1. દ્રવ્ય-કરૂણા --> દુન્યવી દુઃખ દૂર કરવા, દુન્યવી સુખની સામગ્રી આપવી... જેમ કે અનાજ, કપડાં, ઘર વગેરે આપવા..

  • 2. ભાવ-કરૂણા --> ધર્મ સમજાવવો, તેની પ્રેરણા કરવી, તેમાં સહાયક બનવું...

  • વસ્તુતઃ ભાવ-કરૂણા એ જ સાચી કરૂણા છે, કારણકે તેનાથી દુઃખ કાયમ માટે દૂર થાય છે; સાચું સુખ મળે છે.

દુન્યવી સુખ માટે તો શાસ્ત્રકાર એમ કહે છે કે હકીકતમાં તો તેની સામગ્રી, સંસારનાં બધાં દુઃખોનું મૂળ છે. એટલે, તેનાથી તો પરિણામે જીવ વધુ દુઃખી જ થવાનો છે; સિવાય કે એક વાર દુન્યવી દુઃખથી મુક્ત કર્યા પછી તેને ધર્મની સામગ્રી

આપવામાં આવે, ધર્મ સમજાવવામાં-કરાવવામાં આવે, અને તેના દ્વારા સાચું સુખ આપવામાં આવે.

  • એટલે, દ્રવ્ય-કરૂણા પણ ભવિષ્યમાં ભાવ-કરૂણાને લક્ષ્યમાં રાખીને જ કરવાની છે.

વસ્તુતઃ આપણે હિંતચિંતક હોવાની શ્રદ્ધા ઊભી થાય... આપણા દ્વારા અપાતા ધર્મના ઉપદેશને જીવ સ્વીકારે... અને

ધર્મ-આચરણ માટે અનુકૂળતા ઊભી થાય... તેના માટે જ દ્રવ્ય-કરૂણા કરવાની હોય છે. (ક્વચિત્ આપણા હૈયાને

નિષ્ઠુર બનતા અટકાવવા માટે પણ દ્રવ્ય-કરૂણા ઉપાદેય બને છે.)

  • પ્રશ્નકારના પ્રશ્નમાં પણ ‘સાધર્મિક’ની જ વાત કેમ છે ? મનુષ્યમાત્રની કેમ નહીં ? કારણ એ જ છે કે સાધર્મિકમાં આગળની ભાવ-કરૂણા સફળ બનવાની સંભાવના ઘણી મોટી છે. (તેનું પણ કારણ એ છે કે વ્યવહારથી તે જીવ સાચો ધર્મ પામેલો જ છે.) જે ભાવ-કરૂણા માટે જ દ્રવ્ય-કરૂણા કરવાની છે, તે ભાવ-કરૂણાને ‘ધૂમાડો’ કહીને તેની નિંદા કરીને દ્રવ્ય-કરૂણાને જ ઉપાદેય માનવી – તે જિનશાસનનું ઘોર અજ્ઞાન નથી ?

  • ઉપધાનાદિ અનુષ્ઠાનો, એ ધર્મની સામગ્રી છે... ધર્મમાં જોડાવાનું માધ્યમ છે... કેટલાય જીવો એના માધ્યમે ગુરુ ભગવંત સાથે જોડાય છે, જિનવાણી સાંભળે છે, ધર્મ સમજે છે, પામે છે, આરાધે છે... યાવત્ દીક્ષા પણ લે છે...

તેમાં થતા ખર્ચને ‘ધૂમાડો’ કહેવો, તે તો નાસ્તિકતાવાદનું અનુકરણ છે... સુધારા(બગાડા ?)વાદી બુદ્ધિજીવીઓની

વકીલાત છે.

  • ધર્મસામગ્રી, ધર્મની સમજણ વગેરે આપવા રૂપ ભાવ-કરૂણાની નિંદા કરીને માત્ર દુન્યવી સુખ-સામગ્રી આપવી, તે તો હકીકતમાં જીવના રાગ-દ્વેષાદિ દોષો વધારીને અનંત કાળ સુધી દુઃખી કરવાનું કામ છે. તે દેખીતી રીતે ધર્મ લાગતો હોય, તો ય અનુબંધમાં ધર્મ નથી.

  • હા, ભાવ-કરૂણા સાથે યથાયોગ્ય દ્રવ્ય-કરૂણા પણ ઉપાદેય છે જ – એમાં પ્રશ્ન નથી. દ્રવ્ય-કરૂણાની સર્વથા ઉપેક્ષા પણ યોગ્ય તો નથી જ... પણ ભાવ-કરૂણાને ધર્મ રૂપે જ નહીં સમજનાર તો હકીકતમાં જિનશાસનને સમજ્યો જ નથી – એમાં પ્રશ્ન જ નથી.

  • જે જીવો ભાવ-કરૂણાને યોગ્ય જ નથી, તેવા પશુ-પક્ષી વગેરે પર દ્રવ્ય-કરૂણા જ કરી શકાય છે. તે આપણા હૈયાને કઠોર બનતા રોકવા-કોમળ બનાવવા માટે છે... તેનાથી શાસન-પ્રભાવના પણ થાય છે...




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page