top of page

ધર્મમાં ધનવાનોનું મહત્ત્વ...

Jun 9
2 min read

Updated: Jul 22

An illustration or photograph depicting a Jain donor being honored for their Daan-dharma, emphasizing the support for religious infrastructure while maintaining the superior rank of ascetics and practitioners


ભ્રમણા : આપણા ધર્મમાં ધનવાનોને સર્વત્ર આગળ કરાય છે તે યોગ્ય નથી. ધર્મમાં ધનનું મહત્ત્વ ન હોવું જોઇએ.


વાસ્તવિકતા : લીલા ચશ્મા પહેર્યા હોય, તેને બધું લીલું દેખાય. સમ્યગ્ દર્શન માટે દૃષ્ટિ સમ્યક્ જોઇએ.


આપણા ધર્મમાં ધનવાનોનું (તમને દેખાતું) જેટલું મહત્ત્વ છે, તેના કરતાં આરાધકોનું મહત્ત્વ ઘણું ઘણું વધારે છે, કરાય છે.

  1. સર્વત્ર વિરતિધર મહાત્માઓ, જે અકિંચન છે, તેમનું સ્થાન સૌથી ઊંચું હોય છે... તેમનું નામ સર્વત્ર પહેલું લખાય છે.. પાછળથી આવેલા મહાત્માઓને પણ સર્વત્ર આગળ આવવા મળે છે... બધા જ તેમને વંદન કરે છે...

  2. શ્રાવકોમાં પણ, પૌષધધારી–સામાયિકધારી શ્રાવકોનું સ્થાન સૌથી આગળ હોય છે... અબજોપતિ પણ તેમની પાછળ બેસે છે... વ્યાખ્યાનમાં મહાત્માને વંદન પણ તેઓ કરાવે છે... સામાયિક લેવાની હોય, તો કરેમિ ભંતે તેમની પાસે ઉચ્ચરાવાય છે...

  3. દીક્ષા પ્રસંગમાં દીક્ષાર્થીનું મહત્ત્વ ધનવાનો કરતાં ઘણું વધારે હોય છે - એ સુપ્રતીત છે.

  4. તપશ્ચર્યાનાં પારણાં હોય, તો તપસ્વીઓનું મહત્ત્વ ધનવાનો કરતાં વધુ હોય છે... તેમનું બહુમાન કરવા ધનવાનો ચડાવા બોલીને લાભ લે છે..

આવાં બીજાં પણ અઢળક દૃષ્ટાંતો આપી શકાશે. એટલે સર્વત્ર ધનવાનોને આગળ કરાય છે – એ વાત જ સાચી નથી. બીજી વાત એ છે કે ધનવાનોને આગળ નથી કરાતાં, દાન આપનારાઓને આગળ કરાય છે.

→ એ ધનનું મહત્ત્વ નથી, દાનધર્મનું બહુમાન છે.

→ જેમ તપધર્મના કારણે તપસ્વીનું બહુમાન થાય...

→ જેમ શીલધર્મના કારણે વિરતિધરનું બહુમાન થાય...

→ તેમ દાનધર્મના કારણે દાનવીરનું બહુમાન થાય... તો તેમાં ખોટું શું છે ?

યાદ રહે, અબજો રૂપિયા હોવા છતાં જે સંઘમાં કોઇ લાભ ન લેતો હોય, તેને કદી આગળ કરાતો નથી... બીજાની અપેક્ષાએ સંપત્તિ ઓછી હોવા છતાં જે સારો લાભ લેતો હોય, તેને જ આગળ કરાય છે...એ સ્પષ્ટપણે દાનધર્મનું જ બહુમાન છે, ધનનું નહીં.

  • જેમ સંઘ-શાસન ચલાવવા આરાધના-આરાધકો જરૂરી છે, તેમ આરાધનાનાં સ્થાનો-સામગ્રી પણ જરૂરી છે જ. તેના વિના આરાધના શી રીતે થશે ? એ આરાધનાનાં સ્થાનો-સામગ્રી, ઊભા કરવા-ટકાવવા માટે સંપત્તિ અનિવાર્ય છે. તેથી જ શાસ્ત્રકારોએ ધર્મદ્રવ્યની વ્યવસ્થાઓ બતાવી છે. શાસન ચલાવવા જે અનિવાર્ય છે, તેવાં સ્થાનોને ટકાવવામાં જેમનો સિંહફાળો હોય, તેવા દાનવીરોની ઉપેક્ષા શી રીતે કરી શકાય ? તેમને ઉચિત સ્થાન અને ઉચિત મહત્ત્વ આપવું - એ પરંપરાએ શાસનની અવિચ્છિન્ન પરંપરા ચલાવવા માટે આવશ્યક છે.

  • શાસન ટકાવવા માટે, સત્તાધારીઓનો સહકાર પણ અનિવાર્ય છે. તેથી ક્યારેક અનિચ્છાએ પણ તેમને મહત્ત્વ આપવું પડે છે. અને સત્તાધારીઓ સુધીની પહોંચ, ધનવાનોની જ હોય છે. (કારણકે સત્તા ટકાવવા ધનની જરૂર પડતી હોય છે.) એટલે, જે ધનવાનો, સત્તાધારીઓ સાથેના સંબંધને કારણે શાસન ટકાવવામાં સહાયક બને છે; તેમને ઉચિત સ્થાન અને મહત્ત્વ આપવું - તે પણ શાસનની અવિચ્છિન્ન પરંપરા ચલાવવા જરૂરી છે.

  • જેઓ ધનવાનો-દાનવીરોને ઉચિત સ્થાન નકારે છે, તેઓ હકીકતમાં પરંપરાએ શાસનના વિચ્છેદમાં નિમિત્ત બને છે. એ શાસન-ભક્તિ નથી, શાસન-દ્રોહ બની શકે છે. એટલે, અવિવેકીઓની વાતમાં આવીને દાનવીરો-ધનવાનોની ઉપેક્ષા ભૂલેચૂકે કરવા જેવી નથી.

  • પ્રભુના સમવસરણમાં પણ રાજા વગેરેનું સ્થાન નિયત હોય છે. તેમને ઉચિત સ્થાન અપાય જ છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page