top of page

શુદ્ધિકરણ પ્રક્રિયા...

Nov 9
5 min read
An illustration explaining the different perspectives of Naya in Jainism as taught by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




  • કોઇને ખાણમાંથી અશુદ્ધ સોનાનો – અન્ય ધાતુ વગેરેથી મિશ્રિત ટુકડો મળે, તો શુદ્ધ સોનામાં રૂપાંતર થવાની સંપૂર્ણ પ્રક્રિયા આ રીતે થાય 🡺

    1.  ‘આ હકીકતમાં સોનું છે’ તેવું તે જાણે-સ્વીકારે.

    2.  ‘અત્યારે એ અશુદ્ધ છે’ તેવું તે જાણે-સ્વીકારે.

    3. ‘એ શુદ્ધ થઇ શકે છે’ તેવું તે જાણે-સ્વીકારે.

    4. ‘એને શુદ્ધ કરવાથી આટલા લાભો છે – આટલી કિંમત મળે’ વગેરે જાણે-સ્વીકારે.

    5. તેને શુદ્ધ કરવાની (= અશુદ્ધિ દૂર કરવાની) ઇચ્છા થાય.

    6. અશુદ્ધિઓના સ્વરૂપને જાણે-સ્વીકારે.

    7. અશુદ્ધિ દૂર કરવાના ઉપાયને જાણે-સ્વીકારે.

    8. અશુદ્ધિ દૂર કરવાનો પુરુષાર્થ કરે.

    9. સોનું શુદ્ધ થાય.

  • આ સમગ્ર પ્રક્રિયામાં, જ્ઞાન (જે કોઇના શબ્દાદિથી મળે) અને તેનો સ્વીકાર (શ્રદ્ધા) જરૂરી છે; ઇચ્છા અને પુરુષાર્થ જરૂરી છે. અનુભવ જરૂરી બનતો નથી.

    હા, અશુદ્ધિ દૂર કરવાનો પુરુષાર્થ શરૂ કર્યા પછી, ‘પોતાનો પુરુષાર્થ સમ્યક્ દિશાનો છે, અશુદ્ધિ દૂર થઇ રહી છે’ – એનો અનુભવ થાય, તો તે પુરુષાર્થને તીવ્ર કરવા દ્વારા સહાયક બને - તે સંભવ છે. પણ તે અનિવાર્ય નથી જ. અશુદ્ધિ દૂર કરવાનો ઉપાય જેણે બતાવ્યો, તેમના પર તીવ્ર શ્રદ્ધા હોય, તો પણ પુરુષાર્થ તીવ્ર બની શકે છે, જે સોનાને શુદ્ધ કરી શકે છે.

  • બીજી વાત એ છે કે આ પ્રક્રિયામાં અશુદ્ધિઓના સ્વરૂપને જાણવું અનિવાર્ય છે; કારણકે તેને દૂર કરવાની છે. ‘શુદ્ધ સોનાનું સ્વરૂપ કેવું હોય ?’ તેની જાણ હોવી જરૂરી નથી. તે તો શુદ્ધ થયા પછી જ જણાય છે.

    જેનું જ્ઞાન પણ જરૂરી ન હોય, તેનો અનુભવ હોવો તો જરૂરી નથી જ; અને સોનું શુદ્ધ થયા પહેલાં તેનો અનુભવ શક્ય પણ નથી જ.

    જરૂરી એટલું જ છે કે શુદ્ધ સોનાની કિંમત ખબર હોય – શુદ્ધ હોવાથી થતા લાભો ખબર હોય, જેથી શુદ્ધ કરવાની ઇચ્છા થાય.

  • સોનું દૃષ્ટાંત રૂપ છે. કોઇપણ પદાર્થના શુદ્ધિકરણમાં આ જ પ્રક્રિયા આવશે. અંતિમ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કે પ્રત્યક્ષ પહેલેથી હોવું જરૂરી નથી; તેના લાભનું જ્ઞાન જ જરૂરી હોય છે.

  • દુનિયામાં બીજા જે પણ Target – મંઝિલ હોય છે, તેના સ્વરૂપનું જ્ઞાન તો તે પ્રાપ્ત થયા પછી જ થતું હોય છે. ત્યાં સુધી તે કદાચ સાંભળ્યું હોવાથી કિંચિદ્ જ્ઞાન હોય, પૂર્ણ નહીં. અનુભવ તો ન જ હોય.

    જરૂર માત્ર તે મંઝિલને પ્રાપ્ત કરવાના લાભોનાં જ્ઞાનની હોય છે, જેથી મંઝિલ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા થાય.

  • આત્માના શુદ્ધિકરણમાં પણ સમાન પ્રક્રિયા લાગુ પડે છે.

    1.  ‘હું આત્મા છું (માત્ર શરીરાદિ નહીં)’ એવું જાણે-સ્વીકારે. (નાસ્તિકની બાદબાકી)

    2.  ‘હું અત્યારે અશુદ્ધ(દોષયુક્ત) છું’ એવું જાણે-સ્વીકારે. (સાંખ્યની બાદબાકી)

    3. ‘હું શુદ્ધ(દોષમુક્ત) થઇ શકું છું’ એવું જાણે-સ્વીકારે. (મીમાંસકની અને બૌદ્ધની બાદબાકી)

    4. શુદ્ધ થવાના લાભો – શાશ્વત સમતાસુખની પ્રાપ્તિ વગેરે.. જાણે-સ્વીકારે. (અભવ્યની બાદબાકી)

    5. શુદ્ધ થવાની – અશુદ્ધિ દૂર કરવાની ઇચ્છા થાય.

    6. અશુદ્ધિનાં સ્વરૂપ(રાગ-દ્વેષ, કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગ) ને જાણે-સ્વીકારે.

    7. અશુદ્ધિને દૂર કરવાના ઉપાય(ભાવના અને ક્રિયા)ને જાણે-સ્વીકારે. (સમ્યગ્દર્શન- જ્ઞાન)

    8. અશુદ્ધિ દૂર કરવાનો પુરુષાર્થ કરે. (ચારિત્ર)

    9. શુદ્ધ થાય.

  • આ પ્રક્રિયામાં પણ જ્ઞાન-શ્રદ્ધા-ઇચ્છા-પુરુષાર્થ જરૂરી છે.

    શ્રદ્ધા વિનાની જાણકારી તો જ્ઞાનરૂપ બનતી જ નથી. અને ‘શુદ્ધ થવાથી શાશ્વત સુખ મળે’ એવી શ્રદ્ધા આવે તો શુદ્ધ થવાની ઇચ્છા થાય જ; કારણકે સુખની ઇચ્છા જીવને હોય જ છે. એટલે શ્રદ્ધા મહત્ત્વનો-અનિવાર્ય ગુણ છે.

    શુદ્ધિના અનુભવની ક્યાંય જરૂર પડતી નથી.

    હા, અશુદ્ધિ દૂર કરવાનો પુરુષાર્થ શરૂ કર્યા પછી, આંશિક શુદ્ધિથી થતો સુખનો અનુભવ, ‘સંપૂર્ણ શુદ્ધિથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે’ – એવી શ્રદ્ધાને દૃઢ કરવા દ્વારા... ‘અશુદ્ધિ દૂર થઇ રહી છે’ એવો અનુભવ, ‘આ જ સુખનો-શુદ્ધિકરણનો સમ્યગ્ ઉપાય છે’ - એવી ઉપાય પરની શ્રદ્ધાને દૃઢ કરવા દ્વારા.. પુરુષાર્થને દૃઢ કરવામાં સહાયક બની શકે. પણ તે અનિવાર્ય નથી. ઉપાય બતાવનાર પરની તીવ્ર શ્રદ્ધાથી પણ પુરુષાર્થ દૃઢ થઇ શકે છે.

  • આ પ્રક્રિયામાં પણ આત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાનની જરૂર નથી, અશુદ્ધિના જ જ્ઞાનની જરૂર પડે છે; કારણકે અશુદ્ધિ દૂર કરવાની છે.

    શુદ્ધ સ્વરૂપના અનુભવની જરૂર પડવાનો તો પ્રશ્ન જ નથી. એ જુદી વાત છે કે જેમ જેમ અશુદ્ધિ દૂર થાય, તેમ તેમ શુદ્ધ સ્વરૂપનો અંશ અનુભવાતો જ જાય છે, કારણકે પ્રક્રિયા પોતાના પર થાય છે. પણ ‘એ અનુભવ શુદ્ધ સ્વરૂપના અંશનો છે’ એવી ખબર હોવી જરૂરી નથી જ.

    જરૂર એટલી જ છે કે શુદ્ધ સ્વરૂપ, શાશ્વત સુખનું કારણ છે – એટલી ખબર હોય, શ્રદ્ધા હોય.

  • એટલું જ નહીં, ‘હું અશુદ્ધ છું’ એવું જ્ઞાન અનિવાર્ય છે. તો જ શુદ્ધ થવા માટે પુરુષાર્થ થાય. જો પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ થઇ જાય; તો ‘હું પૂર્ણપણે શુદ્ધ જ છું’ એવી (ભ્રમાત્મક) પ્રતીતિ તો ‘હું અશુદ્ધ છું’ એવા જ્ઞાનમાં બાધક બનીને, શુદ્ધ થવા માટેના પુરુષાર્થમાં બાધક બને.

    એટલે પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો (ભ્રમાત્મક) અનુભવ તો શુદ્ધતાની પ્રાપ્તિમાં બાધક બની શકે.

  • સોનું અને આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયામાં કેટલાક તફાવત છે 🡺

    1.  સોનાના અશુદ્ધ ટુકડાને શુદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન, બીજો શુદ્ધ સોનાનો ટુકડો વિદ્યમાન હોઇ શકે છે.

    બીજો શુદ્ધ આત્મા, અત્યારે અહીં વિદ્યમાન જ નથી.

    2.  સોનું ઇન્દ્રિયગમ્ય હોવાથી, બીજા શુદ્ધ સોનાનું પ્રત્યક્ષ થઇ શકે.

    આત્મા ઇન્દ્રિયગમ્ય ન હોવાથી, બીજો કોઇ શુદ્ધ આત્મા હોય, તો પણ એનું પ્રત્યક્ષ થતું નથી.

    3. સોનાના શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન, શુદ્ધતાની થઇ રહેલ વૃદ્ધિનો અનુભવ થાય જ - તેવો નિયમ નથી.

    પોતાના આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન, થઇ રહેલી શુદ્ધતાનો અનુભવ પોતાને થાય તો ખરો જ, કારણકે પ્રક્રિયા અંદર થાય છે. એ અનુભવને વ્યક્તરૂપે-વાચ્યરૂપે સમજી ન શકે – કહી ન શકે, એ જુદી વાત છે.

  • આત્માની અશુદ્ધતા બે રીતે છે 🡺

    1.  પરદ્રવ્ય(કર્મ-શરીરાદિ પુદ્‌ગલ)ના સંબંધ રૂપે.

    2.  1.   રાગ-દ્વેષાદિ યુક્ત અશુભ અધ્યવસાય – અશુદ્ધ પર્યાય રૂપે.

    આમાં મુખ્ય અશુદ્ધતા, અશુદ્ધ પર્યાયની જ છે, કારણકે 🡺

    1. તેના કારણે જ કર્મબંધ, તેનાથી શરીરનિર્માણ વિગેરે થાય છે.

    2. તેનો નાશ થયા વિના પરદ્રવ્યના સંબંધથી મુક્તિ શક્ય નથી.

    3. પહેલાં વીતરાગતા-જીવનમુક્તિ છે; પછી જ શરીરથી મુક્તિ રૂપ મોક્ષ છે.

    4. દોષહ્રાસ વિનાનો કર્મનાશ તો શાસ્ત્રમાં અકિંચિત્કર કહ્યો છે – મંડુકચૂર્ણવત્.

    5. અશુદ્ધ પર્યાયના નાશથી જ વીતરાગ/અરિહંતને કૃતકૃત્ય બતાવ્યા છે.

    6. દોષ કર્મજન્ય કહેવાય છે - તે ઉપચાર છે. હકીકતમાં કર્મો દોષજન્ય છે. (એટલે જ પહેલી દોષમુક્તિ; પછી કર્મમુક્તિ

    છે.)

    7. રાગ-દ્વેષનો નાશ થયા પછી કર્મનાશ-શરીરનાશ સ્વયં થઇ જાય છે.

  • પ્રશ્ન : રાગ-દ્વેષ પણ કર્મના ઉદયથી જ થાય છે ને ?

    ઉત્તર : ના. કર્મનો ઉદય તેમાં નિમિત્ત કારણ છે, જીવનો પુરુષાર્થ પ્રધાન કારણ છે. એટલે જ કર્મના ઉદયને નિષ્ફળ કરીને, રાગ-દ્વેષનો નાશ કરીને જીવ મુક્ત બની શકે છે.

    જો કર્મનો ઉદય જ રાગ-દ્વેષનું પ્રધાન કારણ હોય, તો કોઇ જીવની ક્યારેય મુક્તિ નહીં થાય, કારણકે કર્મ તો દરેક છદ્મસ્થમાં પડ્યું જ છે.

  • એટલે શુદ્ધિકરણ માટે અશુદ્ધ પર્યાયોનું જ્ઞાન અને તેને શુદ્ધ કરવાનું લક્ષ્ય; માર્ગનું જ્ઞાન-પુરુષાર્થ જ જરૂરી છે, જે શાસ્ત્રકારોએ ઠેર-ઠેર બતાવ્યા છે.

    ત્યારે પર્યાય પરથી દૃષ્ટિ હટાવીને માત્ર દ્રવ્યનું ધ્યાન ધરવાની વાત, સાધનામાર્ગ શી રીતે બની શકે ?

  • આત્માની અશુદ્ધિનો અનુભવ શી રીતે થાય ?

    1.  દુઃખનો અનુભવ થતો હોય, ‘દુઃખનું કારણ અશુદ્ધિ છે’ એવા જ્ઞાનીના વચનને સ્વીકાર્યું હોય.

    2. રાગ-દ્વેષનો અનુભવ થતો હોય, ‘રાગ-દ્વેષ એ જ અશુદ્ધિ છે’ એવા જ્ઞાનીના વચનને સ્વીકાર્યું હોય.

    એટલે સમજાશે કે સમ્યગ્ અનુભવ, જ્ઞાનીના વચન પરની શ્રદ્ધા પર અવલંબિત છે. શ્રદ્ધા વિના સમ્યગ્ અનુભવ શક્ય નથી. (શ્રદ્ધા વિનાનો અનુભવ તો સામગ્રીમાં સુખનો છે, જે આધ્યાત્મિક વિકાસમાં સહાયક નહીં – બાધક છે.) પણ શ્રદ્ધા અનુભવ પર અવલંબિત નથી. કદાચ તેમાં અનુભવ સહાયક બની શકે, પણ અનિવાર્ય નથી.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page