સ્વસમયપ્રજ્ઞાપક...

ઉપદેશ પદમાં, આજ્ઞાયોગ પર અત્યંત ભાર મૂક્યો છે. બધા જ ઉપદેશમાં અંતે ‘આજ્ઞાયોગ જ સારભૂત છે’ – તેવું પુનઃ પુનઃ પ્રતિપાદન કર્યું છે.
એ આજ્ઞાયોગ જાણવાનો કોની પાસે ? તો જણાવ્યું છે – ગીતાર્થ ગુરુ પાસે.
એ ગુરુ કેવા હોવા જોઇએ ? તેના ઉત્તરમાં ઘણા વિશેષણો જણાવ્યા છે, તેમાં એક છે – સ્વસમયપ્રજ્ઞાપક. એ વિશેષણ પર કેટલીક વિચારણા પ્રસ્તુત છે.
શું એનો અર્થ એ થાય, કે ગુરુ પરસમયની પ્રજ્ઞાપના ન જ કરે ?
એવો તો ન જ કરી શકાય, કારણકે સ્વસમયની સિદ્ધિ માટે પરસમયનું ખંડન, અને તેના માટે પરસમયની પ્રજ્ઞાપના પણ કરવી તો પડે જ.
એટલે આ વિશેષણનું તાત્પર્ય આ છે 🡺
1. ગુરુ પ્રધાનપણે સ્વસમયની જ પ્રરૂપણા કરે.
2. પરસમયની પ્રરૂપણા, બે કારણે કરે 🡺
a. ખંડન માટે.
ત્યાં તો તેનું પરસમય રૂપે જ સ્થાપન હોય – તે સ્વાભાવિક છે.
b. સ્વસમયના પદાર્થની પુષ્ટિ માટે.
ત્યાં પણ ‘પદાર્થ સ્વસમયનો જ છે, તે જ વાત પરસમયમાં પણ કહી છે’ – એ રીતે પ્રરૂપણા હોય.
એટલે,
a. પદાર્થની સિદ્ધિ તો સ્વસમયથી જ થાય.
પરસમય, કોઇ પદાર્થની સિદ્ધિ કરવા સ્વતંત્ર રીતે સક્ષમ નથી, સ્વસમયથી નિરપેક્ષ રીતે પ્રમાણભૂત જ નથી.
b. પરસમયની પ્રરૂપણા, तीर्थान्तरीयैः अपि उक्तं.. उक्तं चान्यैः अपि.. એ રીતે જ હોય.‘શાસ્ત્રમાં કહ્યું છે..’ કે ‘શાસ્ત્રકારે કહ્યું છે..’ એ રીતે નહીં, કારણકે પરસમય એ ‘શાસ્ત્ર’ નથી.
(કારણકે આપ્તનું વચન એ જ શાસ્ત્ર છે, અને સંવિગ્ન-ગીતાર્થ એ જ આપ્ત છે.)
પરસમયમાં તેમની પરિભાષાથી કોઇ પદાર્થની પ્રરૂપણા હોય, તો તે સ્વસમયની પરિભાષાને પ્રધાન રાખીને, તેને સંગત થાય, તે રીતે જ તેની પ્રજ્ઞાપના કરાય.
સ્વસમયની પરિભાષાનો પદાર્થ બાધિત થાય, તે રીતે પરસમયની પરિભાષાના પદાર્થની પ્રરૂપણા ન કરાય.
અહીં એ પણ ધ્યાનમા રાખવું કે સાંખ્યાદિ દર્શનના ગ્રંથો જેમ પરસમય છે, તેમ દિગંબરાદિ મતના ગ્રંથો પણ પરસમય જ છે.
એટલે સમયસાર વિ. ગ્રંથોને ‘શાસ્ત્ર’ કહી શકાય નહીં.. તે ગ્રંથથી (સ્વસમયથી નિરપેક્ષ રીતે) કોઇ પદાર્થ સિદ્ધ થઇ શકે નહીં.. અને એટલે તે ગ્રંથોના આધારે વ્યાખ્યાનાદિ કરવા પણ ઉચિત નથી..
પ્રશ્ન : અન્ય દર્શનમાં પણ સ્વસમયને અનુસારી હોવાથી જે પદાર્થ આપણને સ્વીકાર્ય છે, તેના પર વ્યાખ્યાન કરવામાં શો વાંધો ?
ઉત્તર : ‘સ્વસમયને અનુસારી હોવાથી માન્ય છે..’ તેવો નિર્ણય, તમે જે સ્વસમયના આધારે કર્યો, તે સ્વસમયના આધારે જ વ્યાખ્યાન કરવામાં શી આપત્તિ છે ? કે પરસમયના આધારે વ્યાખ્યાન કરવું ?
સ્વસમયનો આધાર લઇને વ્યાખ્યાન કરાય, તેની પુષ્ટિમાં ‘પરસમયમાં પણ આમ કહ્યું છે..’ એવું કહી શકાય છે.. તેમાં સ્વસમયની પ્રધાનતા જળવાય છે.. ‘સ્વસમય નિરપેક્ષ પ્રમાણભૂત છે.. અને પરસમય, તેને સાપેક્ષ રહીને જ પ્રમાણભૂત છે..’ એ વાત શ્રોતાને હૃદયસ્થ થાય છે, રહે છે.
પ્રશ્ન : પદાર્થ જો માન્ય જ હોય, તો પરસમયને આધાર બનાવીને વ્યાખ્યાન કરવામાં વાંધો શો છે ?
ઉત્તર : પરસમય, તે ગ્રંથ કે ગ્રંથકાર માટે ‘તે નિરપેક્ષ પ્રમાણભૂત છે’ એવી શ્રોતાને મિથ્યા પ્રતીતિ થવાની સંભાવના – એ જ વાંધો છે.
આવા કારણથી જ, અન્યતીર્થિકના કબજામાં રહેલ જિનપ્રતિમાને વંદનાદિનો નિષેધ છે ને ?
એ જ પ્રતિમા, આપણા કબજામાં હોય, તો વંદનીય છે.. બીજાના કબજામાં હોય તો વંદનીય નથી..
એ જ રીતે, ‘એક જ પદાર્થ, સ્વસમયના વાક્યોથી પ્રજ્ઞાપનીય છે.. પરસમયના વાક્યોથી પ્રજ્ઞાપનીય નથી..’ એવું કહી જ શકાય છે.
હા, સ્વસમયથી પ્રજ્ઞાપના કર્યા પછી, તેની પુષ્ટિ માટે પરસમયના વાક્યો કહેવાની ના નથી જ.
સમયસારાદિ પરસમયના ગ્રંથો પર વ્યાખ્યાન ન કરવાનું એક કારણ એ પણ છે જ, કે તેમાંનાં બધાં વચનો આપણને માન્ય નથી..
‘ગ્રંથ’ પર વ્યાખ્યાન કરાય, ત્યારે શ્રોતાને તો તે ‘શાસ્ત્ર’ અને ‘સર્વાંશે પ્રમાણભૂત..’ એવી જ પ્રતીતિ થાય.. તે શી રીતે ઉપાદેય મનાય ? શ્રોતા તે ગ્રંથ વાંચવા લલચાય.. ‘આમાં શું સ્વસમયમાન્ય છે ? શું નથી ?’ તે વિવેક કરવાની પ્રજ્ઞા ન હોય.. તેથી મિથ્યા માન્યતા સત્ય તરીકે પકડાઇ જાય.. એ શું સંભવિત નથી ?
(અન્યતીર્થિકના કબજામાં રહેલ પ્રતિમાની વંદનીયતાનો નિષેધ એટલે જ છે ને ? કે તેમ કરવાથી અન્યતીર્થિકના સ્થાનમાં જવાનો વ્યવહાર પ્રવર્તે.. અને તેથી ત્યાં ગયેલા પછી અવીતરાગને પણ દેવરૂપે પૂજે..)
એટલે, જો સ્વસમયાનુસારી પદાર્થ જ કહેવો છે, તો સ્વસમયનો જ આધાર લેવો ઉચિત છે.
પ્રશ્ન : પ્રભુએ જ કહેલી, પણ આપણી પાસે ન બચેલી (લુપ્ત થયેલી) નિશ્ચયનયની માન્યતાઓ સમયસારાદિ દિગંબર ગ્રંથોમાં છે – એટલે તેમના આધારે વ્યાખ્યાન કરવામાં વાંધો શું છે?
ઉત્તર : જે પદાર્થો આપણા ગ્રંથોમાં નથી, અને સમયસારાદિ ગ્રંથોમાં છે.. તેના માટે બે મુખ્ય સંભાવના છે 🡺
a. આપણને તે અમાન્ય છે.
b. આપણે ત્યાં લુપ્ત થયા છે.
સમયસારાદિ ગ્રંથોના નિશ્ચય નયના પદાર્થો, યથાતથ તો આપણને માન્ય નથી જ – એમાં કોઇ સંદેહ નથી. મહો. યશોવિ. મ. એ, અધ્યાત્મ-મત-પરીક્ષા, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા વગેરે અનેક ગ્રંથોમાં આ ગ્રંથોના પદાર્થોનું આકરું ખંડન કર્યું છે.
(આ વિશે એક વાત ખાસ કરીશ.. આ ગ્રંથોના વાંચન વખતે એવું અનેક વાર અનુભવાયું છે કે જે વાત શાસ્ત્રકાર પૂર્વપક્ષ રૂપે મૂકી રહ્યા હોય, તે વર્ષોથી આપણી જ માન્યતા હોય.. પણ શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું હોય.
અર્થાત્ ઘણી બધી દિગંબર માન્યતાઓ, જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય નથી, તે શ્વેતાંબર સંપ્રદાયમાં ઘૂસી ગયેલી છે.
જેમ કે, અતિ પ્રચલિત માન્યતા છે કે કેવલિને ઇચ્છા ન હોય. મહો. યશોવિ. મ. એ તેને દિગંબરોનો કુતર્ક કહીને તેનું સામાચારી પ્રકરણ ગાથા- ૯૧ ની ટીકામાં ખંડન કરેલું છે.)
એટલે, આ ગ્રંથોના પદાર્થો યથાતથ તો માન્ય નથી જ. તો પછી, તેમાંનો કોઇપણ પદાર્થ, સ્વસમયને માન્ય છે - તેવો ચોક્સાઇપૂર્વકનો નિર્ણય કર્યા વિના, તેની પ્રરૂપણા શી રીતે થઇ શકે ?
અને તેવી ચોક્સાઇ કરવા માટે પર્યાપ્ત દાર્શનિક અભ્યાસ જોઇએ.. વિશેષથી જેમાં તે પદાર્થોની ચર્ચા હોય, તેવા ગ્રંથોનો..
દિગંબર મતનું ખંડન જે ગ્રંથોમાં છે (અધ્યાત્મ-મત-પરીક્ષા, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા વગેરે); તેનો તલસ્પર્શી અભ્યાસ અને દૃઢ સ્મૃતિ વિના, દિગંબર ગ્રંથમાંના કોઇપણ પદાર્થને સ્વસમયમાન્ય માની લેવો, તે દુઃસાહસ જ થશે.
આ ગ્રંથો મેં જોયા છે. એના આધારે એટલું કહીશ કે સમયસારાદિ ગ્રંથમાં કહેલ નિશ્ચય નયનો કોઇ પદાર્થ, જો સ્વસમયના ગ્રંથોમાં ન મળતો હોય, તો ૯૦% કે ૯૯% સંભાવના એ છે કે તે સ્વસમયાનુસારી ન હોય.
તર્કો બધા એક સાથે સંકળાયેલા હોય છે. કેટલીક વાતોનું ખંડન આપણા પૂર્વાચાર્યોએ કર્યું છે, તો બાકીની વાતો મિથ્યા હોવાની કલ્પના કરવી જ વધુ ઉચિત છે.
મેં તો એવું અનુભવ્યું છે કે શ્વેતાંબર ગ્રંથોમાં ન મળતી દિગંબરોની માન્યતાઓ સાચી માની લેવાય, તો પરિણામે કેવલિભુક્તિ નહીં માનવાની આપત્તિ આવવી લગભગ અપરિહાર્ય છે; કારણકે તેમની બધી માન્યતાઓ લગભગ એમાંથી ઊભી થયેલી છે. (જુઓ અધ્યાત્મ-મત-પરીક્ષા)
આ બધાનો સાર એટલો જ છે કે સ્વસમયમાં ન મળતા પદાર્થો સમયસારાદિ ગ્રંથોમાં મળે, તો તે સ્વસમયવિરોધી હોવાની જ કલ્પના કરવી ઉચિત છે.. આપણે ત્યાં લુપ્ત થયા છે – તેવું માનવાને બદલે, આપણા પૂર્વાચાર્યોએ તે પદાર્થોને પ્રયત્નપૂર્વક દૂર રાખ્યા – તેવુ માનવું જ ઉચિત છે..
દિગંબરો પોતે એવું માને છે, કે પ્રભુનાં વચનો બધાં લુપ્ત થઇ ગયા છે.. તેમના કુંદકુંદાચાર્ય વગેરેએ સ્વબુદ્ધિથી સમયસારાદિ ગ્રંથો બનાવ્યા છે..
જ્યારે તેઓ જ એવું માનતા નથી કે તેમની પાસે પ્રભુની મૂળ પરંપરા છે, ત્યારે ‘પ્રભુનાં વચનોની પરંપરા આપણે ત્યાં લુપ્ત થઇ ગઇ અને તેમને ત્યાં બચી ગઇ..’ એવું આપણે શા માટે માનવું જોઇએ ?
સાથે એક વાત કરી દઉં 🡺
દ્રવ્યાનુયોગના વિષયમાં, કોઇ પદાર્થ પરંપરાથી ન મળ્યો હોય, તો તેની કલ્પના કરી શકાતી નથી. દા.ત. કોઇ વિમાનની ઊંચાઇ જણાવી ન હોય, તો કલ્પના ન થઇ શકે.
પણ, ચરણકરણાનુયોગમાં કોઇ વિષયનો પદાર્થ પરંપરાથી ન મળ્યો હોય, તો પણ તર્કાદિના બળે નિશ્ચિત કરી જ શકાય છે; કારણકે तह तह पयट्टियव्वं.. दोसा जेण निरुज्झंति.. વગેરે શાસ્ત્રવચનો દ્વારા, નિર્ણય કરવાની દિશા શાસ્ત્રકારોએ આપી જ છે.
આવું માનવું જરૂરી છે, નહીં તો મોક્ષમાર્ગનો જ ઉચ્છેદ થતાં, તીર્થનો ઉચ્છેદ થાય, જે માની શકાતો નથી.
એટલે, માની જ લઇએ કે વચ્ચેના વિષમ કાળમાં આપણે ત્યાં કોઇ પદાર્થની પરંપરા લુપ્ત થઇ ગઇ હોય.. તો પણ, તે પછી થયેલા જ્ઞાની પૂર્વાચાર્યોએ તર્કાદિના બળે તેને પુનર્જીવિત કરી જ હોય.
સેંકડો ગ્રંથો લખનારા પૂર્વાચાર્યોની પ્રજ્ઞા તેવી નિર્મળ અને સૂક્ષ્મ હતી જ.
એટલે મોક્ષમાર્ગમાં આવશ્યક એવા ચરણકરણાનુયોગના કોઇ પદાર્થની પરંપરા આપણે ત્યાં સર્વથા લુપ્ત થઇ ગઇ હોવાનું માની શકાય તેમ જ નથી.
બીજી એક વાત 🡺
મેં સમયસારાદિ બધાં ગ્રંથો જોયા નથી.
(મારે જોવાની જરૂર પડી નથી. અને જોવાની ઇચ્છા પણ નથી, સિવાય કે તેનું ખંડન કરવા માટે જોવાનું આવે. આપણા પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોના અભ્યાસ અને વડીલો પાસેથી મને જે મોક્ષમાર્ગ સમજવા મળ્યો છે, તેમાં મને કોઇ અધૂરાશ દેખાતી નથી, કે જેના માટે મારે બીજે નજર દોડાવવી પડે.)
પણ, એવું જાણ્યું છે કે તેમાં પ્રધાનપણે આત્મા અંગે નિશ્ચય નયની વાતો છે, નિશ્ચય નયથી ધર્મ (મોક્ષમાર્ગ) શું છે ? તે વાતો નથી. (અથવા અલ્પ પ્રમાણમાં છે.)
આ બે નિશ્ચય નયની ભેળસેળ કરવાના કારણે જ કાનજીભાઇ જેવા કુપંથો ઊભા થયા છે, જેને નિશ્ચય-વ્યવહાર પુસ્તકમાં પૂ. ભુવનભાનુસૂ. મ. એ ‘શંભુમેળો’ કહ્યો છે.
આપણે નિશ્ચય નયથી મોક્ષમાર્ગ શું છે ? તે અવશ્ય જાણવું જોઇએ.. (અને તે શાસ્ત્રકારોએ तह तह पयट्टियव्वं.. दोसा जेण निरुज्झंति.. વગેરે દ્વારા બતાવ્યું જ છે.) પણ, દુનિયાની દરેક વસ્તુ, નિશ્ચય નયથી કેવી છે ? તે જાણવાની અનિવાર્ય જરૂર નથી.
જેમ કે, વિમાનોની ઊંચાઇનું જ્ઞાન ન હોવાથી મોક્ષ અટકી નથી પડવાનો. (એવો અભ્યાસ ન જ કરવો – તેવું કહેવાનો આશય નથી, પણ એ અનિવાર્ય તો નથી જ.)
આ વાત નીકળી જ છે, તો એ પણ જણાવવું જરૂરી લાગે છે કે જે પદાર્થ મોક્ષમાર્ગ માટે જરૂરી નથી, અત્યંત ઉપયોગી પણ નથી, તેવો પદાર્થ જાણતાં હોવા છતાં, તેનું નિરૂપણ આપણા પૂર્વાચાર્યોએ ગ્રંથમાં ન કર્યું હોય – તે પણ સંભવિત છે. (કારણકે પદાર્થો અપરિમિત છે, ગ્રંથો સીમિત છે.)
એટલે, સ્વસમયને અવિરુદ્ધ એવી કોઇ વાત પરસમયમાં હોય, સ્વસમયમાં ન હોય, તો એવું સંભવિત છે કે એ મોક્ષમાર્ગમાં અલ્પ ઉપયોગી કે નિરુપયોગી હોય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

આ લેખ લોકભોગ્ય જણાતો નથી, શાસ્ત્રીય શબ્દો ઊંચા લાગે છે, મને સમજવા ઘણા જ અઘરા પડે છે. મારો મત એવો છે કે આવા લેખ જો આ શ્રેણીમાં આપવામાં આવશે તો લોકો લેખ વાંચતા બંધ થઈ જશે,