સમર્પણ...
- Apr 13
- 2 min read
Updated: 7 days ago

સમર્પણનો અર્થ એવો કરાય છે કે ‘આપણી કોઇ ઇચ્છા જ ન હોવી.’
એ ઉચિત છે ખરો ?
➢ દોષનાશ અને ગુણપ્રાપ્તિની ઇચ્છા સદા લક્ષ્યરૂપે હોવી જરૂરી નથી ?
એ જ સંવેગ છે ને ?
તેના માટે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગે ચાલવાની ઇચ્છા હોવી પણ જરૂરી નથી ?
એ જ જિનાજ્ઞાપાલનનો પરિણામ છે ને ?
➢ ઉત્તમ સાધનાઓના મનોરથો કરવાના વિધાન શાસ્ત્રોમાં નથી ? ચારિત્રમનોરથમાળા નામનો આખો ગ્રંથ છે.
➢ બારસા સૂત્રમાં સૂત્રો છે – સાધુને તપ કરવાની ઇચ્છા થાય, તો ગુરુને પૂછીને કરવો કલ્પે. તો ત્યાં ઇચ્છાને અસમ્યગ્
તો બતાવી નથી જ ને ?
➢ ઇચ્છાશૂન્ય મન હોવું, શક્ય છે ખરું ? ઇચ્છા વિના મન હોય નહીં, મન વિના સંજ્ઞીપણું ન હોય.
વસ્તુતઃ મને સમર્પણનો આવો અર્થ સમજાય છે 🡺
અપ્રશસ્ત ઇચ્છાઓ તો જિનાજ્ઞા-વિરુદ્ધ હોવાથી જ સાધુએ કરવાની નથી.
પ્રશસ્ત ઇચ્છા કરવાની છૂટ છે. એટલું જ નહીં, કરવાની જ છે. તેના વિના અપ્રશસ્ત ઇચ્છાઓથી દૂર રહેવું સંભવ નથી.. અશુભ સંસ્કારોનો હ્રાસ, શુભ સંસ્કારોની વૃદ્ધિ સંભવ નથી.. શુભ ઇચ્છાઓને ઘૂંટવાથી જ તેવો ક્ષયોપશમ થાય છે, સામર્થ્ય મળે છે, સંયોગો સાનુકૂળ બને છે, અને પ્રવૃત્તિ થાય છે.
હા, એ પ્રશસ્ત ઇચ્છાઓ કરતી વખતે, ‘ગુરુની સહર્ષ અનુજ્ઞા હશે, તો જ આ વિષયમાં આગળ વધવાનું છે.. ગુરુ નિષેધ કરે, તો આ કાર્ય મારા માટે અહિતકર છે’ – એવો નિર્ણય કરીને, તેની ઇચ્છા અપ્રશસ્ત (મારા માટે, વર્તમાન દ્રવ્યાદિમાં) માનીને, તેનો નિરોધ કરવાનો છે.. અને ‘ગુરુની રજા વિના તો કશું કરવાનું નથી જ..’ એવી પરિણતિ દૃઢ-સ્થિર રૂપે અંદર કેળવેલી રાખવાની છે. એ જ સમર્પણભાવ છે.
સંમૂર્ચ્છિમ-અસંજ્ઞી-ઇચ્છાશૂન્ય બની જવું – એ કદી સમર્પણભાવનો અર્થ હોઇ શકે નહીં.
ઇચ્છાશૂન્ય બનવા દ્વારા હકીકતમાં પ્રશસ્ત ઇચ્છાઓ ન કરવાનું જ કહેવાય છે, (કારણકે અપ્રશસ્ત ઇચ્છા તો જિનાજ્ઞાથી જ નિષિદ્ધ હોવાથી તેના માટે ગુર્વાજ્ઞાની જરૂર નથી.) તે આત્મઘાતી પગલું છે.
પ્રશસ્ત ઇચ્છાનો નિરોધ કરીએ, એટલે અપ્રશસ્ત ઇચ્છાઓ મનને ઘેરી જ વળવાની છે. મન ઇચ્છાશૂન્ય રહેવાનું નથી. અનાદિકાલીન અપ્રશસ્ત સંસ્કારો જાગ્રત થવાના છે.
પ્રશસ્ત ઇચ્છાઓને ઘૂંટ્યા વિના, અપ્રશસ્ત સંસ્કારો નિર્મૂળ થવાના નથી.
એટલે, અસંજ્ઞી વગેરે થવાની વાતો, અતિશયોક્તિ જ નથી, આત્મઘાતી પણ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે 🡺
ગુરુની પાસે સમય કેટલો હોય ? કે જે દરેક શિષ્યનું ૨૪ કલાક નિરીક્ષણ કરીને, તેના સામર્થ્યને ઉચિત યોગોમાં અવશ્ય પ્રવર્તાવે ? એ પ્રાયઃ અસંભવ જણાય છે.
સામાન્ય આસેવનશિક્ષા-યોગક્ષેમ-અધ્યાપન.. આટલું પણ માંડ થતું હોય છે. ત્યારે વધુ અપેક્ષા શી રીતે રખાય ?
ત્યારે જો શિષ્ય ઇચ્છાશૂન્ય બનશે, તો શક્તિ-નિગૂહન થવાનું અનિવાર્ય છે.
શિષ્ય ઇચ્છા રજૂ કરે અને ગુરુ સહર્ષ અનુજ્ઞા આપે – એ રીતે જ આરાધનામાં વૃદ્ધિ થાય છે; ગુરુ ઇચ્છા જણાવે – આજ્ઞા કરે, તેની રાહ જોવાથી નહીં.
એટલે ઇચ્છાશૂન્ય બનવામાં વિકાસ સ્થગિત જ થવાનો, કે અધોમુખી ગતિ થવાની, એ નક્કી છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments