top of page

પરમાત્માની સર્વજ્ઞતા...

  • Dec 18, 2025
  • 2 min read
An illustration of the connection between Jain omniscience and modern science, featuring Einstein's equation E=mc2 and ancient Jain mathematics.


  • જે આત્મા કે પરલોકનો સ્વીકાર જ નથી કરતું, તેવા વિજ્ઞાનના માપદંડથી, આત્માના અસ્તિત્વના પાયા પર ઊભેલા ધર્મની ચકાસણી એ ફૂટપટ્ટીથી દરિયાને માપવાની વ્યર્થ ચેષ્ટા છે.

    છતાં, જે વાત આજે સંશોધનોથી પુરવાર થઇ છે, તે સેંકડો વર્ષ પૂર્વે કોઇપણ સંશોધન વિના જૈનશાસનમાં જણાવાયેલી છે – તે વાસ્તવિકતા આપણને અચંભિત કરી દે તેવી હોવાથી તેવી કેટલીક વાતો જોઇએ 

  • ધ્વનિ (અવાજ - Sound)ની દ્રવ્ય (પુદ્‌ગલ) રૂપતા.

    અન્ય સર્વ દર્શનો, ધ્વનિને આકાશ નામક દ્રવ્યના ગુણ રૂપ બતાવે છે.

    જિનશાસને સદા માટે એને દ્રવ્ય રૂપ જણાવ્યું છે.

    આઇસ્ટાઇનનાં સમીકરણ (E = mc2) ની શોધ પૂર્વે, વિજ્ઞાન પણ ધ્વનિ ને શક્તિ (Energy) રૂપ માનતું હતું, દ્રવ્ય (Matter) રૂપ નહીં.

    આઇન્સ્ટાઇને પુરવાર કર્યું કે દ્રવ્ય અને શક્તિનું એકબીજામાં રૂપાંતર થઇ શકે છે... (એ જ E = mc2 નો અર્થ છે) એટલે કે દ્રવ્ય પણ શક્તિરૂપ છે, શક્તિ પણ દ્રવ્યરૂપ છે.

    ત્યારથી વિજ્ઞાને ધ્વનિની દ્રવ્યરૂપતા સ્વીકારી, જે જિનશાસને કોઇ સંશોધન વિના સદા પ્રતપાદિત કરી છે.

    અહો ! જિનશાસનમ્ !

  • અન્ય સર્વ દર્શનો, પૃથ્વી-પાણી વગેરેના પરમાણુને અલગ અલગ માને છે. એકમાંથી બીજું બની ન શકે – એમ માને છે.

    જિનશાસન, બધાનું શરીર એક જ પુદ્‌ગલ દ્રવ્યમાંથી બનેલું હોવાનું જણાવે છે.

    આજે વિજ્ઞાન પણ માને છે કે બધા જ દ્રવ્યો છેવટે ઇલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોનમાંથી બનેલા છે, અને એકમાંથી બીજું દ્રવ્ય બનાવી શકાય છે.

    કોઇપણ ભૌતિક-રાસાયણિક પ્રયોગો વિના જિનશાસને જે જણાવ્યું છે, તે જ આજે સેંકડો પ્રયોગો પછી વિજ્ઞાન કહે છે.

    અહો ! જિનશાસનમ્ !

  • હિંદુ પંચાંગ, વરાહમિહિરના ગ્રંથના આધારે બને છે; જે ભદ્રબાહુસ્વામીના મોટા ભાઇ હતા... જૈન શાસ્ત્રમાંથી જ જ્યોતિષ ભણેલા હતા... આચાર્યપદવી ન મળવાથી સાધુપણું ત્યાગીને નૈમિત્તિક બનેલા.

    તે ગણિતના આધારે પૂનમ-અમાસ-ગ્રહણ વગેરેની જે આગાહી કરાય છે; તે ૧૦૦% સાચી પડે છે.

    કોઇ ટેલિસ્કોપ વગર આટલું સૂક્ષ્મ ગણિત જૈન શાસ્ત્રોમાં હતું... (જે આજે લુપ્ત થયું છે) એ હકીકત આનંદાશ્ચર્ય ઉપજાવે છે.

    અહો ! જિનશાસનમ્ !

  • હજુ આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ભારતીય નારી માથું પણ ઊઘાડું નહોતી રાખતી. ત્યારે ૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રભુએ ભવિષ્યવાણી ભાખી હતી કે એવો કાળ આવશે, જ્યારે સ્ત્રીઓ ખભા ખુલ્લા રહે, તેવાં વસ્ત્રો પહેરશે. એ આજે અક્ષરશઃ સાચી પડી રહી છે.

    પ્રભુની સર્વજ્ઞતાનો આથી વધુ કયો પુરાવો જોઇએ ?

    અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page