top of page

પરમાત્માની વીતરાગતા...

  • Dec 17, 2025
  • 2 min read

Updated: Mar 8



  • બીજા બધા દર્શનો કરતાં જિનશાસનમાં એક અનુપમ વિશેષતા જોવા મળે છે – જેમને પરમાત્મા માન્યા છે, તેમનામાં કોઇ દોષ જોવા મળતા નથી...

  • કેટલાક દર્શનકારોએ માનેલા ઇશ્વરને પત્ની-પુત્રાદિ પરિવાર છે... અને એટલે, તે માનેલા ઇશ્વરમાં ‘આ મારી પત્ની, મારો પુત્ર...’ એવું મમત્વ, તેમના પર આસક્તિ, માલિકીભાવ (પરિગ્રહ)... તેમને હેરાન કરનાર પર રોષ, દ્વેષ... વગેરે બધા દોષો સંભવે છે. જિનશાસન જેમને પરમાત્મા માને છે, તે બધાએ પરિવારનો ત્યાગ કરી, સાધના દ્વારા પોતાના દોષોનો નાશ કર્યો છે. પરિવાર વગેરે પર આસક્તિ-મમત્વ તેમનામાં લેશમાત્ર જોવા મળતા નથી.

  • બીજા દર્શનકારોએ માનેલા ઇશ્વર, પોતાની ભક્તિ કરનાર પર પ્રસન્ન થઇને તેમને ઇચ્છિત વસ્તુઓ આપનારા કહેવાય છે...

    પોતાનો પ્રતિકાર કરનારાને હણનારા કહેવાય છે...

    જિનશાસને માનેલા પરમાત્મા, પોતાની ભક્તિ કરનાર પર પ્રસન્ન થતા નથી... સહુને પોતાના કર્મનું ફળ મળે છે. પ્રભુ વીરના પરમ ભક્ત શ્રેણિક મહારાજાને પણ (પૂર્વમાં કરેલાં) પાપોના પરિણામે નરકમાં જવું પડ્યું છે.

    જિનશાસનના પરમાત્મા, કોઇને પોતાના શત્રુ માનતા નથી... પોતાને પરાજિત કરવા આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમનું પણ પ્રભુએ કલ્યાણ ઇચ્છ્યું છે... તેને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા છે...

  • બીજા દર્શનકારોએ માનેલા ઇશ્વર, પોતે સ્થાપેલ પંથ પર મમત્વ ધરાવતા હોવાનું દેખાય છે... તેના પ્રસાર માટે પ્રયત્ન કરે છે.. તેનો પરાભવ સહન કરી શકતા નથી...

    જિનશાસનના પરમાત્મા, જીવમાત્રનું કલ્યાણ ઇચ્છે છે... જે માર્ગે તેનું કલ્યાણ થતું હોય, તે તેમને ઇષ્ટ છે... પોતાના સ્થાપેલા શાસન દ્વારા જ કલ્યાણ થાય – તેવો તેમનો આગ્રહ નથી.

    (હકીકતમાં જે માર્ગે કલ્યાણ થતું હોય, તે માર્ગને તેઓ પોતાના શાસનની અંતર્ગત જ માને છે.)

    એટલે આદિધાર્મિક જીવને તેમના ઇશ્વરની માન્યતા છોડાવીને પોતાની વાત કરવાનું તેઓ કહેતા નથી...

  • જિનશાસનના પરમાત્માની પ્રતિમા પણ પ્રશાંત હોય છે... તેમને રોષ-દ્વેષ રૂપી દોષના સૂચક કોઇ શસ્ત્રો હોતા નથી... રાગ રૂપી દોષના સૂચક કોઇ સ્ત્રી કે મોદક વગેરે સામગ્રી હોતી નથી... કોઇ વાહન હોતું નથી...


    જેટલાં પાસાંઓનો વિચાર કરવામાં આવે,

    તે દરેક પાસામાં જિનશાસનના પરમાત્માની દોષરહિતતા આંખે ઊડીને વળગે છે...


અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page