ગુણપૂજા, વ્યક્તિપૂજા નહીં...
- Shraman Books
- Dec 17, 2025
- 2 min read

જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે...
જિનશાસન ગુણને મહાન્ માને છે, વ્યક્તિને નહીં.
વ્યક્તિની મહાનતા પણ ગુણના કારણે જ હોય છે.
આ પદાર્થ થોડા વિસ્તારથી સમજશું.
જિનશાસન કોઇ એક ‘વ્યક્તિ’ને ભગવાન માનતું નથી.
ભગવાન કોને કહેવાય ? તેનો જવાબ જિનશાસન આ રીતે આપે છે – જે વીતરાગ છે અને સર્વજ્ઞ છે, તે ભગવાન છે.
અર્થાત્ જે પણ આત્મા પોતાના રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરીને સર્વદોષમુક્ત-સર્વગુણસંપન્ન બને છે, તે ભગવાન છે.
અન્ય ધર્મો તરફ નજર કરીએ, તો દેખાઇ આવશે કે તે બધા કોઇ એક વ્યક્તિને જ ભગવાન માનીને ચાલે છે.. કોઇ કૃષ્ણને, તો કોઇ ઇસુને, તો કોઇ પયગંબરને...
જિનશાસન કોઇ એક મહાવીરને જ ભગવાન માનતું નથી...
આજ સુધી અનંત આત્માઓ પોતાના દોષોનો નાશ કરીને પરમાત્મા થયા છે, અને ભવિષ્યમાં થશે; તેમ માને છે.
આ માન્યતાના કારણે જિનશાસનમાં કોઇના દોષો ઉપર ઢાંકપિછોડો કરવો પડતો નથી, જેવો બીજાએ કરવો પડે છે.
માત્ર મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વિચારીએ, તો...
ત્રીજા મરીચિના ભવમાં કરેલું કુળનું અભિમાન અને તેના કારણે અંતિમ ભવમાં બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરણ, ગર્ભાપહાર...
ત્રીજા ભવમાં જ શિષ્યના લોભમાં કરેલ ઉત્સૂત્ર પ્રરૂપણા અને તેના કારણે એક કોડાકોડી સાગરોપમ સંસારભ્રમણ...
અઢારમા ભવમાં શય્યાપાલક પર કરેલો ક્રોધ અને તેના કારણે કાનમાં ખીલા ઠોકાવાનો ઉપસર્ગ...
આ બધું જ જિનશાસન બેધડક કહી શકે છે.
અરે ! છેલ્લા ભવમાં દીક્ષા લીધા પછી (પણ વીતરાગ બનતાં પૂર્વે) પ્રભુએ કરેલા પ્રમાદ (ગૃહસ્થને ભેટવા માટે હાથ પહોળા કરવા રૂપ)નું વર્ણન પણ જિનશાસન ખચકાટ વિના કરે છે !
બીજી બાજુ અન્ય ધર્મોમાં, તેમણે માની લીધેલા ઇશ્વરના કરતૂતો પર ઢાંકપિછોડો સર્વત્ર જોવા મળશે !
છે ને, મેરા જિનશાસન મહાન્ !
જે આત્મા દોષમુક્ત થઇને પરમાત્મા બન્યો, તેને જિનશાસન પૂજ્ય માને છે, તે જ આત્માની દોષયુક્ત અવસ્થાને જિનશાસન પૂજ્ય માનતું નથી જ.
એટલે જ તો મરીચિને વંદન કરતી વખતે ભરત ચક્રીએ સ્પષ્ટતા કરી છે - ‘નવિ વંદું ત્રિદંડિક વેશ...’
એટલે જ આપણે પદ્મનાભ સ્વામી ભગવંતની મૂર્તિ ભરાવીને ભગવાન રૂપે પૂજીએ છીએ, શ્રેણિકની નહીં...
જે વાત પરમાત્મા માટે છે, તે જ વાત ગુરુ માટે પણ છે.
અલબત્ત, સાધુના વેશ-આચારથી રહિત હોય, તેનામાં ગુરુના ગુણ હોવાનો સંભવ જ ન હોવાથી, તેમને ગુરુ માનીને પૂજવાનો પ્રશ્ન આવતો નથી.
પણ જૈન સાધુના વેશયુક્ત હોવા છતાં, સાધુના મૂળભૂત ગુણો – મહાવ્રતોથી રહિત હોય તેને વંદન કરવાની જિનશાસન સ્પષ્ટ મનાઇ ફરમાવે છે... ઉપરથી તેમને વંદન કરવામાં તેના દોષોની અનુમોદનાનો દોષ બતાવે છે.
વળી, ગુરુના ગુણોથી યુક્ત હોવાથી કોઇને જીવન-સમર્પણ કાર્ય પછી – તેના શિષ્ય બન્યા પછી પણ જો તે આત્મા કર્મને પરવશ થઇને મૂળગુણો ગુમાવી બેસે, તો જિનશાસન તેમનો ત્યાગ કરવાનું અસંદિગ્ધ વિધાન કરે છે, ભલે તે સંસાર સાગરથી તારનાર – પરમ ઉપકારી હોય...
એટલે જ, નિહ્નવ બનેલા (પ્રભુના વચન પરની શ્રદ્ધાથી ભ્રષ્ટ બનેલા) જમાલિનો તેમના સર્વ શિષ્યોએ ત્યાગ કર્યો હતો.
જિનશાસન ગુણપૂજામાં માનતું હોવાથી જ, અનુમોદનાના વિષયો બતાવતી વખતે, જૈનેતરોના પણ માર્ગાનુસારી ગુણોની અનુમોદના બતાવી છે - ‘થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે...’
અને ‘જૈન’ એવા લેબલ નીચે થતાં અમાર્ગાનુસારી કૃત્યોને વખોડી નાખ્યા છે.
દુનિયાના કોઇ ધર્મ પાસે આવી સમજ જ નથી...
બીજી વ્યક્તિ ગુણવાન્ હોય, તો તેને સ્વીકારવાની ઉદારતા નથી.. પોતાની વ્યક્તિ દોષવાન્ હોય, તો તેને સ્વીકારવાની નિખાલસતા નથી.
માત્રને માત્ર જિનશાસન આ દૃષ્ટિ ધરાવે છે, તેવો ઉપદેશ આપે છે, તેવું આચરી બતાવે છે.
અહો ! જિનશાસનમ્ !!!


ખૂબ જ સરસ.