top of page

ભૂમિકા...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Dec 17, 2025
  • 2 min read

Updated: Dec 30, 2025



  • કરુણાસાગર અરિહંત પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જગતના જીવોને દુઃખથી રીબાતા-પીડાતા જોઇને, તેમને દુઃખથી મુક્ત થવાનો – શાશ્વત સુખને પામવાનો જે માર્ગ બતાવ્યો, તે જ જૈન ધર્મ છે, જિનશાસન છે.

    એ માર્ગને અનુસરવાથી આપણે પણ સર્વ દુઃખોથી મુક્ત થઇને શાશ્વત સુખને પામી શકીએ છીએ.. જેને આપણે અનંત કાળથી ઇચ્છી રહ્યા છીએ, જેના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ હજુ પામ્યા નથી.

  • માર્ગને અનુસરવા માટે, ‘આ માર્ગ સાચો છે, મંઝિલે પહોંચાડનાર છે’ એવી નિઃશંક શ્રદ્ધા અનિવાર્ય છે.

    દિલ્હી જવા ઇચ્છતો હોય, તેને ‘આ રસ્તો દિલ્હી પહોંચાડશે’ એવી ખાતરી હોય, તો જ પૂરઝડપે ગાડી દોડાવે. ‘આ રસ્તો ક્યાંનો છે ?’ તેનું જ્ઞાન ન હોય; ‘દિલ્હી પહોંચાડશે જ’ તેવી ખાતરી ન હોય, તો કાં તો ગાડી ઊભી રાખી દે, અથવા ઝડપ અત્યંત ધીમી કરી નાખે... રસ્તાની ખાતરી ન થાય ત્યાં સુધી ઝડપ વધારે નહીં.

  • પ્રભુશાસનને પામવા છતાં, યત્કિંચિત્ તેને અનુસરતા હોવા છતાં, આપણી ગાડી પૂરઝડપે ધર્મના માર્ગે દોડતી નથી; તેનું એક મુખ્ય કારણ એ છે કે ‘આ ધર્મ કરવાથી આપણને સુખ મળશે જ’ એવી ખાતરી કદાચ નથી... કદાચ શંકા છે... એ શંકા, આપણી ઝડપ તોડી નાખે છે... ધર્મના માર્ગે આગળ વધવા નથી દેતી... જે ધર્મ કરીએ છીએ, તેમાં પ્રાણ પૂરાવા નથી દેતી... તેથી તેનું ફળ પણ નહીંવત્ મળે છે... (અને એટલે જ શ્રદ્ધા વધતી નથી... આવું વિષચક્ર ચાલ્યા કરે છે.)

  • આ વ્યવહારિક ભાષામાં પદાર્થનું નિરૂપણ કર્યું.

    શાસ્ત્રીય પરિભાષામાં આ જ પદાર્થને દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપે કહેવાય છે.

    પ્રભુએ બતાવેલા માર્ગે ચાલવું, તે ચારિત્ર છે.

    પ્રભુએ બતાવેલા માર્ગની જાણકારી, તે જ્ઞાન છે.

    ‘આ માર્ગ જ મને સુખ પ્રાપ્ત કરાવશે’ તેવી શ્રદ્ધા, તે દર્શન છે.

    આ ત્રણે ભેગા મળીને મોક્ષમાર્ગ બને છે.

    આ ત્રણમાં પ્રધાન સમ્યગ્દર્શન છે, શ્રદ્ધા છે; કારણકે શ્રદ્ધા વિનાના જ્ઞાનથી કોઈ કાર્ય થતું નથી અને શ્રદ્ધા વિના આચરણમાં દૃઢતા આવતી નથી.

  • કોઇ કહે કે ‘આ રસ્તો દિલ્હી જાય છે’; પણ જ્યાં સુધી તેની વાત પર વિશ્વાસ ન બેસે, ત્યાં સુધી એ રસ્તે કોઇ જતું નથી.

    ‘આ જ ધર્મ મને સુખ પ્રાપ્ત કરાવશે.’ ‘આ ધર્મ મને સુખ પ્રાપ્ત કરાવશે જ.’ એવી ખાતરી થાય, તો જ આપણી ગાડી ધર્મના માર્ગે પૂરપાટ દોડે.

  • એવી ખાતરી-શ્રદ્ધા શી રીતે થાય ?

    તેના માટે ધર્મનાં તેવાં વિશિષ્ટ પાસાંઓનું જ્ઞાન જોઈએ.

    એટલે જ સન્મતિ-તર્ક વગેરે શાસ્ત્રોમાં, દાર્શનિક ગ્રંથોનો અભ્યાસ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-વિશુદ્ધિ માટે અનિવાર્ય બતાવ્યો છે.

    અલબત્ત, તેવા અભ્યાસ વિના પણ, મોહનીય કર્મના ક્ષયોપશમથી કોઇને શ્રદ્ધા ઉત્પન્ન થઇ શકે – તેવું શાસ્ત્રકારે કહ્યું છે. પણ મહદંશે શ્રદ્ધાની પ્રાપ્તિ-દૃઢતા-નિર્મળતા, જ્ઞાનથી જ થાય છે.

    આ લેખશ્રેણિમાં જિનશાસનના તેવાં કેટલાંક વિશિષ્ટ પાસાંઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવો છે, જેને જાણવાથી જૈન ધર્મ જગતના સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ-વિશિષ્ટ-ઉત્કૃષ્ટ છે, તેવું જ્ઞાન થાય, તેવી ખાતરી થાય, શ્રદ્ધા થાય.

  • અલબત્ત, કોઇની લીટી નાની કરવામાં જિનશાસન કદી માનતું નથી.

    એટલે જ, અન્ય દર્શનોને પણ દ્વાદશાંગી રૂપ સમુદ્રમાં મળતી નદીઓ જણાવી છે... તે દર્શનોમાં આવતી સાચી-સારી વાતોના ખંડનના નિષેધ કરેલો છે... અન્યલિંગમાં પણ વીતરાગતાની પ્રાપ્તિ બતાવી છે.

    પણ, ક્ષીર-નીરનો વિવેક તો જરૂરી છે જ. દૂધને ‘દૂધ’ કહેવું અને ‘પાણી’ને પાણી કહેવું – તે પાણીની નિંદા નથી કે તેની કિંમત ઓછી કરવાનો પ્રયાસ નથી; વાસ્તવિકતાનું દર્શન માત્ર છે.

    સુખના માર્ગને જ ‘સુખનો માર્ગ’ કહી શકાય.

    દુઃખના માર્ગને કોઇ ‘સુખનો માર્ગ’ માનતું હોય, તો તેનો ભ્રમ ભાંગવો જ પડે; નહીં તો તે દુઃખી જ થાય.


    ચાલો, એ શ્રદ્ધાના પ્રવાસનો આરંભ કરીએ...



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page