top of page

માર્ગદર્શક ગુરુ...

  • Mar 3
  • 2 min read

Updated: Mar 8


  • જિનશાસનનું ગુરુતત્ત્વ તો અપ્રતિમ છે જ, સાથે જિનશાસનની એક અદ્ભુત વિશેષતા છે કે પોતાના આત્મહિત માટે જેમનું માર્ગદર્શન લેવાનું છે, તે ગુરુને સામાન્ય ગુરુથી અલગ પાડે છે.

    જે સાધુના આચારોથી સંપન્ન હોય, તે ગુરુ વંદનીય છે, ભક્તિના પાત્ર છે - એમાં કોઇ સંદેહ નથી...

    પણ, પોતાના આત્મહિત માટે માર્ગદર્શન લેવાનું હોય, તો એકલી આચારસંપન્નતા પર્યાપ્ત નથી. 

    આ વાત દૃષ્ટાંતથી સમજાશે.

  • કાર માટે ડ્રાઇવર જોઇતો હોય, તો તે સજ્જન હોવો તો જરૂરી છે જ... જેના પર વિશ્વાસ મૂકી શકાય તેવો હોય – ચોરી ન કરે, દારૂ ન પીવે.. તે બધું અત્યંત જરૂરી છે જ.

    સાથે ડ્રાઇવિંગ સારું આવડતું હોય, રસ્તાઓ જાણતો હોય, ટ્રાફિકના કાયદા જાણતો હોય... એ બધું પણ જરૂરી છે.

    ગમે તેવો ઉચ્ચ કક્ષાનો સજ્જન, ડ્રાઇવિંગ ન આવડતું હોય, તો ડ્રાઇવર તરીકે કામ ન લાગે.

    ગુરુ તો જીવનનૈયાના સુકાની છે... સાધનાની ગાડીના ડ્રાઇવર છે.

    તેમનામાં વૈરાગ્ય, આચારસંપન્નતા, કરુણા વગેરે ગુણો તો જોઇએ જ. તે જ ન હોય, તો પોતાના સ્વાર્થ માટે આપણને ઊંધા માર્ગે ચડાવી દે...

    સાથે સાથે આત્મહિતના માર્ગની સંપૂર્ણ (યથાશક્ય) જાણકારી પણ જોઇએ... કેવા સંયોગોમાં શું કરવાથી આત્મહિત થાય કે અહિત થાય ? 

    એ જે જાણતા જ ન હોય, તે આપણને શું માર્ગદર્શન આપી શકે ?

    એવા ગુરુને શાસ્ત્રમાં ગીતાર્થ કહ્યા છે, જે આત્મહિતના માર્ગને જાણતા હોય.

  • ગીતાર્થ સિવાયના સાધુને, ઉપદેશ આપવાનો પણ જિનશાસને નિષેધ કર્યો છે.

    કદાચ કોઇ અગીતાર્થ ઉપદેશ આપે, તો તેમની પાસે સાંભળવાની પણ જિનશાસન મનાઇ કરે છે.

    કદાચ તેનું કોઇ વચન સાંભળવા મળે, તો તેનો સ્વીકાર વિવેકપૂર્વક કરવાનું જિનશાસન કહે છે – તેને ફરજિયાત નથી બતાવ્યું !

    ગુરુતત્ત્વમાં પણ જ્ઞાની-અજ્ઞાની (ગીતાર્થ-અગીતાર્થ) એવા ભેદ પાડીને, ગીતાર્થ પાસે જ માર્ગદર્શન લેવાનું વિધાન – એ જિનશાસનની અદ્ભુત વિશેષતા છે... પરમાત્માની પરમ કરુણા અને પરાકાષ્ઠાની કાળજીનું એ પ્રતિબિંબ છે. 

    અહો ! જિનશાસનમ્ !


અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
CHHAYA YOGESH BHAI SHAH
Mar 04
Rated 5 out of 5 stars.

KHUB SARAS

Like
bottom of page