top of page

દ્રવ્ય-વ્યવસ્થા...

Sep 28
2 min read
 Can the mere "readiness" to sin cause karma? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains how Avirati (lack of vows) leads to Papbandh and why taking Pratigya is the only shield against future temptations


  • દાનરૂપે મળેલ (કે ધાર્મિક મિલકતોમાંથી આવક રૂપે આવેલ) ધાર્મિક સંપત્તિની વ્યવસ્થા શી રીતે કરવી ? તેની વ્યવસ્થાનું સુદૃઢ બંધારણ જિનશાસનમાં છે, જે બીજા કોઇ દર્શનોમાં જોવા મળતું નથી.

    અન્ય દર્શોમાં તો મંદિરોમાં આવતી ભંડાર(દાનપેટી)ની આવકના માલિક, મંદિરના માલિક કે પૂજારી બની જાય છે.. પોતાના જીવનનિર્વાહ (કે મોજશોખ પણ) માટે મંદિરને સાધન બનાવી દે છે.

    જિનશાસનમાં સુદૃઢ બંધારણ છે – જે દાન, જે કાર્ય માટે આવ્યું હોય; તે (અથવા તેવા) કાર્યમાં જ વાપરી શકાય...

    જે દાન, જેના પ્રત્યેની ભક્તિથી દાતાએ આપ્યું હોય; તેની ભક્તિમાં જ વાપરી શકાય.

    અને એટલે આવેલ દાનને ખાતાવાર વહેંચી નાખવામાં આવે છે.

  • પ્રભુની ભક્તિ માટે આવેલ દાન, પ્રભુની ભક્તિ (જિનાલયો, પ્રતિમાઓ, તેની પૂજા-મરામત-સારસંભાળ વગેરે)માં જ વાપરી શકાય. એને ‘દેવદ્રવ્ય’ નામ અપાય છે.

  • જ્ઞાન પ્રત્યેની ભક્તિથી અપાયેલ દાન, જ્ઞાનનાં કાર્યો (ગ્રંથોનું લેખન-મુદ્રણ-સંરક્ષણ... વગેરે) માં જ વાપરી શકાય. એને ‘જ્ઞાનદ્રવ્ય’ નામ અપાય છે.

  • સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ માટે આવેલું દાન, તેમની ભક્તિ (તેમના આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર, ઔષધ, ચિકિત્સા... વગેરે) માં જ વાપરી શકાય.

    એને ‘વૈયાવચ્ચદ્રવ્ય’ નામ અપાય છે.

  • શ્રાવક-શ્રાવિકાઓની આરાધનામાં સહાયક થવાના ભાવથી અપાયેલું દાન, આરાધનાની સામગ્રી (ઉપાશ્રય, ઉપકરણો, પાઠશાળા.. વગેરે)માં જ વાપરી શકાય.

  • દીન-દુઃખી મનુષ્યો પ્રત્યેની કરુણાથી અપાયેલ દ્રવ્ય, તેમની સહાય (ખોરાક, દવા... વગેરે) માટે જ વાપરી શકાય. તેને ‘અનુકંપા દ્રવ્ય’ કહેવાય છે.

  • અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યેની દયાથી અપાયેલ દ્રવ્ય, તેમની દયા (ચારા-પાણી... વગેરે) માં જ વાપરી શકાય. તેને ‘જીવદયાદ્રવ્ય’ કહેવાય છે.

  • સામાન્યથી એક ખાતાનું દ્રવ્ય, બીજા ખાતામાં લઇ જઇ શકાતું નથી, લઇ જવાતું નથી.

  • આવી નિયત વ્યવસ્થાના કારણે જ દેરાસરો સેંકડો વર્ષો સુધી સચવાયા છે... હજારો ગ્રંથો સેંકડો વર્ષો સુધી સચવાયેલા છે... નાનકડી સંખ્યાના જૈનો, જીવદયા વગેરેનું અબજો રૂપિયાનું કાર્ય કરે છે. લગભગ કોઇ દુરુપયોગ-ગેરવહીવટ થતો નથી.

    આમાનો અંશ માત્ર પણ અન્ય દર્શનોમાં જોવા મળતો નથી.

  • જે જ્ઞાની ભગવંતોએ જિનશાસનમાં આ વ્યવસ્થા બતાવી, તેમને સલામ કરવાનું મન થઇ જાય... !


અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page