પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા...
Updated: Aug 26

પરમાત્માના શાસનની એક અપ્રસિદ્ધ પણ અદ્ભુત વિશેષતા છે 🡺 પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા.
પાપોના પ્રાયશ્ચિત્ત જણાવતાં ખાસ (Special) ગ્રંથો જિનશાસનમાં છે, જે હજારો શ્લોક પ્રમાણ છે.
તેમાંની વિશેષતાઓ ટૂંકમાં જોઇએ 🡺
પાપ કરવાના કારણના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ.
પાપ કયા કારણે થાય ? તેનું વિસ્તૃત નિરૂપણ જિનશાસન કરે છે. મુખ્યત્વે તેના પાંચ ભેદ છે 🡺 અનાભોગ (અજ્ઞાન), સહસાત્કાર (અચાનક થઇ જવું), પ્રમાદ (સુખશીલતા વગેરે), દર્પ (બેદરકારી–નિષ્ઠુરતા) અને આકુટ્ટી (બળવો-વિરોધ)
એક જ પાપ, જુદા જુદા કારણે થયું હોય, તો પ્રાયશ્ચિત્ત જુદું જુદું આવે છે. (અપવાદ તો પાપ જ ગણાતું નથી.)
પાપ કરનાર વ્યક્તિના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ.
પાપ કરનાર વ્યક્તિના ઉંમર (બાળ-યુવાન વગેરે), પદ (આચાર્ય-સાધુ વગેરે), જ્ઞાન વગેરેના આધારે પ્રાયશ્ચિત્ત બદલાય છે.
પાપ કેટલી વાર કર્યું ? તેના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ.
પહેલી વાર પાપ કરે, તો જે પ્રાયશ્ચિત્ત અપાય, તેના કરતાં બીજી-ત્રીજી વાર પાપ કરનારને પ્રાયશ્ચિત્ત વધુ અપાય છે, કારણકે જેની પરિણતિ નિષ્ઠુર થઇ હોય, તે જ ફરી ફરી પાપ કરે.
પ્રાયશ્ચિત્ત કરવાની શક્તિના આધારે પ્રાયશ્ચિત્ત ભેદ.
એક જ પાપ માટે, નબળી વ્યક્તિને જે પ્રાયશ્ચિત્ત અપાય, તેના કરતાં સક્ષમ વ્યક્તિને વધુ પ્રાયશ્ચિત્ત અપાય છે.
એટલું જ નહીં, ઋતુના આધારે પણ પ્રાયશ્ચિત્ત બદલાય છે. એક જ પાપનું શિયાળામાં જે પ્રાયશ્ચિત્ત અપાય, તેના કરતાં ઉનાળામાં ઓછું અપાય છે; કારણકે ઉનાળામાં તપ વધુ કષ્ટદાયક હોય છે.
પ્રાયશ્ચિત્ત કરનારના પશ્ચાત્તાપના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ.
તીવ્ર પશ્ચાત્તાપ હોય, તો પ્રાયશ્ચિત્ત ઓછું અપાય,
અલ્પ પશ્ચાત્તાપ હોય, તો પ્રાયશ્ચિત્ત વધુ અપાય.
પ્રાયશ્ચિત્ત કરનારના આત્મહિતને લક્ષમાં રાખીને પ્રાયશ્ચિત્તમાં ભેદ.
જે પાપ માટે બાળકને ગાથા ગોખવાનું પ્રાયશ્ચિત્ત અપાય, તે જ પાપ માટે શ્રાવિકાને સામાયિકનું પ્રાયશ્ચિત્ત અપાય, કે વૃદ્ધને જાપનું પ્રાયશ્ચિત્ત અપાય.
અર્થાત્, એવું પ્રાયશ્ચિત્ત અપાય કે જેનાથી પાપનો પશ્ચાત્તાપ તો થાય જ, સાથે ધર્મમાં વૃદ્ધિ થાય..
પાપ કરતી વખતની પરિણતિના આધારે પ્રાયશ્ચિત્તમાં ભેદ.
તીવ્ર રસથી પાપ કર્યું હોય, તો વધુ પ્રાયશ્ચિત્ત આવે...
અલ્પ રસથી પાપ કર્યું હોય, તો ઓછું પ્રાયશ્ચિત્ત આવે...
પાપ જાહેરમાં કર્યું કે ખાનગીમાં ? એના આધારે પ્રાયશ્ચિત્ત ભેદ...
જેમ કે જાહેરમાં ઝઘડો થયો હોય, તો જાહેરમાં ક્ષમા માંગવી ફરજીયાત છે.
પાપના વિષયના આધારે પ્રાયશ્ચિત્તમાં ભેદ...
સમાન જણાતા પાપનો વિષય જુદો હોય, તો પણ પ્રાયશ્ચિત્ત બદલાય.
પરસ્ત્રીગમન એ પાપ છે. પણ તે કુલટા નારી સાથે કરે, સુશીલ સ્ત્રી સાથે કરે, રાજાની રાણી સાથે કરે.. એ બધામાં પ્રાયશ્ચિત્ત જુદું જુદું આવે... (કારણકે તેની લોક પર અસર જુદી જુદી હોય છે.)
પ્રભુના શાસન પર આફરીન પોકારી જવાય – એવી રોમહર્ષક આ વિશેષતા છે !
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

અદભુત સમજણ