top of page

અવિરતિથી પાપબંધ...

  • Jul 20
  • 2 min read

Updated: Jul 22

 Can the mere "readiness" to sin cause karma? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains how Avirati (lack of vows) leads to Papbandh and why taking Pratigya is the only shield against future temptations

  • જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે 🡺 એ પાપપ્રવૃત્તિને જ નહીં, પાપની અવિરતિને પણ પાપ માને છે, કર્મબંધનું કારણ માને છે.

    આ વાત વિસ્તારથી સમજીએ.

  • માની લો કે તમે આજ સુધી વિદેશ ગયા નથી, અને ભવિષ્યમાં જવાની કોઇ ગણતરી હાલમાં નથી.

    હું તમને કહું - ‘જીવનમાં ક્યારેય વિદેશ ન જવું’ એવી પ્રતિજ્ઞા લઇ લો. તમે લો ખરા ?

    મોટા ભાગનાનો જવાબ ‘ના’ હશે.

    કેમ ? જવાની હાલ કોઇ જ ગણતરી ન હોવા છતાં પ્રતિજ્ઞા લેવાની તૈયારી કેમ નથી હોતી ?

    કારણકે ‘કદાચ જવાનો અવસર આવે તો ?’ એવો પ્રશ્ન ઊભો થાય છે. અને જો તેવો અવસર આવે, તો જવાની માનસિકતા ઊંડે ઊંડે પડેલી છે.

    અને એ માનસિકતા – અવસર આવે તો પાપ કરવાની તૈયારી રૂપ ઇચ્છા પણ પાપ છે – એમ જિનશાસન કહે છે.

    આપણી માનસિકતાને ઊંડાણથી ખોતરીને આપણા દોષોને બતાવવાનો પરમ ઉપકાર આ જિનશાસને કર્યો છે.

    અહો ! જિનશાસનમ્ !

    અને એટલે જ 🡺

  • જીવોને મારવાની ઇચ્છાથી મારવા – એ તો પાપ છે જ,

    પણ મારવાની પ્રગટ ઇચ્છા ન હોવા છતાં, જોયા વિના ચાલવું – એ પણ પાપ છે; કારણકે ‘મારાથી કોઇ જીવ મરવો ન જોઇએ’ એવી પરિણતિ નથી.

    (એવી પરિણતિ હોય, તો જોઇને જ ચાલે.)

  • સાધુ દોષિત ગોચરી વહોરે – એ તો પાપ છે જ, પણ ‘દોષિત છે કે નિર્દોષ ?’ તેની તપાસ કર્યા વગર વહોરે – તે પણ પાપ છે; કારણકે ‘મારે દોષિત નથી જ વહોરવું’ એવા અધ્યવસાય નથી.

    (એવા અધ્યવસાય હોય, તે ‘દોષિત નથી’ તેની ખાતરી કરીને જ વહોરે.)

    આવાં અનેક દૃષ્ટાંતો વિચારી શકાશે.

  • અવિરતિને પાપ બતાવીને જિનશાસન આપણને પ્રતિજ્ઞાબદ્ધ થવા પ્રેરે છે. પ્રતિજ્ઞાબદ્ધ થવાથી, પાપ કરવાની તૈયારી રૂપ (મનમાં ઊંડે ઊંડે પડેલી) ઇચ્છા પણ નષ્ટ થઇ જાય છે.

    પછી કોઇ પ્રલોભન આપે, તો પણ પાપ થતું નથી. એટલે વિરતિ, ભવિષ્યની સંભવિત પાપપ્રવૃત્તિથી પણ અટકાવે છે.

  • આપણે પ્રભુનું શાસન પામ્યા, તેની સફળતા પ્રભુશાસનની અદ્ભુત વિશેષતા રૂપ વિરતિને વધુમાં વધુ સ્વીકારવામાં જ છે..

    ચાલો, સર્વવિરતિ ન લઇ શકીએ, તો પણ દેશવિરતિ તો લેવી જ – એવો સંકલ્પ કરીએ.

    (દેશવિરતિ એટલે શ્રાવકના બાર વ્રતોમાંથી શક્તિ મુજબ વ્રતો લેવા. કોઇપણ વ્યક્તિ, બારમાંથી આઠ વ્રત પ્રાયઃ લઇ શકે. વધુ વિગત માટે જુઓ પુસ્તક બાર વ્રત.)

    (https://shramanopasak.in/purchase/books/baar%20vrat)




અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !


Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page