નિશ્ચય-વ્યવહાર...
- May 25
- 5 min read
Updated: May 28

જિનશાસનની એક અનુપમ વિશેષતા છે – ધર્મ (કે ગુણ)ના નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકાર બતાવ્યા છે.
આત્મામાં પ્રગટ થતો ગુણ (અથવા નાશ પામતો દોષ) – એ નિશ્ચય છે.
તેને પ્રગટ કરવા માટે જરૂરી એવી બહારની ક્રિયા અથવા ગુણ પ્રગટ થયેલો હોય, તો તેનાથી સહજ રૂપે બહાર થતી ક્રિયા... એ વ્યવહાર છે.
દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે.
વ્યવહાર નય એમ કહેશે કે જે સાધુનો વેશ પહેરે, જેનામાં સાધુના આચારોનું પાલન દેખાય, તે સાધુ.
નિશ્ચય નય એમ કહેશે કે જેનામાં મહાવ્રતોના પાલનની પરિણતિ છે, છટ્ઠા-સાતમા ગુણસ્થાનકના અધ્યવસાય છે, તે સાધુ.
વ્યવહાર નય, અંદરના પરિણામ નથી જોતો. અર્થાત્, જેનામાં પરિણતિ નથી, માત્ર બાહ્ય આચાર છે, તેને પણ સાધુ માને.
નિશ્ચય નય, બાહ્ય આચાર નથી જોતો. અર્થાત્, જેનામાં પરિણતિ હોય, તેનામાં આચાર-વેશ ન હોય, તો પણ તેને સાધુ માને.
મારા અંતરમાં ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા, બહુમાન, સમર્પણ (આજ્ઞાપાલનની તત્પરતા) હોય – એ નિશ્ચયથી ગુરુભક્તિ છે.
હું ગુરુદેવનું પડિલેહણ કરું, ગોચરી-પાણી વગેરે લાવું-વપરાવું, કાપ કાઢું, બોલાવે તો ‘જી’ કહીને – હાથ જોડીને ઊભો રહું, આવે તો ઊભો થઇ જાઉં.. વગેરે વ્યવહારથી ગુરુભક્તિ છે.
તમારા હ્રદયમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, બહુમાન, પ્રભુના વચન પર શ્રદ્ધા.. વગેરે હોય - તે નિશ્ચયથી પ્રભુભક્તિ છે.
પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, તીર્થયાત્રા, અભિષેક, અંગરચના વગેરે કરવા.. પ્રતિષ્ઠા વગેરેમાં બોલી બોલીને લાભ લેવો.. વગેરે વ્યવહારથી પ્રભુભક્તિ છે.
અંતરમાં ખાવાની લાલસા અને સ્વાદની આસક્તિ ન હોય – તે નિશ્ચયથી તપ-ત્યાગ છે.
ઉપવાસ-આયંબિલ વગેરે વ્યવહારથી તપ-ત્યાગ છે.
વ્યવહાર નયથી પૈસા આપવા, તે દાન છે.
નિશ્ચય નયથી મૂર્ચ્છાને તોડવાનો પરિણામ હોય, તે જ ત્યાગ છે.
નિશ્ચય અને વ્યવહાર વચ્ચે, સંબંધ છે પણ, અને નથી પણ.
સંબંધ નથી – તે વાત પહેલા વિચારીએ.
બાહ્ય આચાર-વેશ હોવા છતાં, અંદર સાધુતાની પરિણતિ ન હોય, તેવું બની શકે છે. જેમ કે અભવ્ય એવા અંગારમર્દક આચાર્ય હતા, સાધુવેશ હતો, આચારપાલન હતું; પણ સમ્યક્ત્વ ન હોવાથી સાધુતાની પરિણતિ નહોતી.
બાહ્ય ત્યાગ કરવા છતાં અંદર આસક્તિ તોડવાનો પરિણામ ન હોય, તેવું બની શકે છે. તમે પર્વતિથિએ લીલોતરી છોડો છો, પણ અંતરમાં આસક્તિ તોડવાનો પરિણામ નથી હોતો. એટલે જ ‘આજે ક્યાં પર્વતિથિ આવી ?’ એવો અણગમો થાય છે.
ગતાનુગતિકતાથી પૂજા કરતો હોય અને અંતરમાં બહુમાનભાવ ન હોય, તેવું ક્વચિત્ બની શકે છે.
તપ કરવા છતાં, ખાવાની લાલસા પર સ્હેજ પણ નિયંત્રણ ન હોય; તેવું પણ ક્યારેક બની શકે.
અંદર પરિણતિ હોવા છતાં બહાર આચાર ન હોય, તેવું ક્યારેક જ બને, પણ બની શકે, કારણકે તેવા સંયોગ-સામગ્રી-શક્તિ ન હોય...
આપણા શાસ્ત્રોમાં સાધુનો એક પ્રકાર બતાવ્યો છે – પ્રત્યેકબુદ્ધ. તેમને જાતિસ્મરણજ્ઞાન વગેરેથી સાધુપણાના પરિણામ જાગ્રત થાય છે. પણ સાધુવેશ પહેરે જ, તેવો નિયમ નથી. (તેનાં કારણો પણ શાસ્ત્રમાં બતાવ્યા છે.)
ત્યાગ કરવાની ભાવના હોવા છતાં લિક્વિડિટી ન હોવાથી દાન ન કરી શકે, તેવું બની શકે છે.
પ્રભુ પ્રત્યે બહુમાનભાવ પ્રચંડ હોવા છતાં, શારીરિક અવસ્થાના કારણે પૂજા કરી ન શકે, તેવું બની શકે છે.
તપ કરવાની પ્રચંડ ઇચ્છા હોવા છતાં, શરીર અનુકૂળ ન હોવાથી તપ ન કરી શકે, તેવું બની શકે છે.
દીક્ષા લેવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં, દીક્ષા ન લઇ શકે, તેવું પણ બની શકે છે.
મારા હૃદયમાં મારા ગુરુદેવ પ્રત્યે ભક્તિ હોય તો પણ અત્યારે હું મારા ગુરુદેવથી ૫૦૦ કિલોમીટર દૂર હોવાથી વ્યવહારથી કોઇ ભક્તિ કરવાનો અવસર ન પણ આવે...
આ રીતે નિશ્ચય-વ્યવહાર વચ્ચે સંબંધ ન હોય, તેવું પણ બની શકે.
તે જ રીતે, બંને વચ્ચે સંબંધ છે પણ ખરો જ.
અંદરમાં પરિણામ હોય, તેના જીવનમાં યથાશક્તિ બાહ્ય પ્રવૃત્તિ પ્રાયઃ આવે જ.
મારા અંતરમાં ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હોય, તો તેમની પડિલેહણાદિ ભક્તિ કરવાનો પુરુષાર્થ હું કરું જ.
તપ કરવાનો પરિણામ હોય, તો યથાશક્તિ તપ કર્યા વિના ન રહું.
બાહ્ય પ્રવૃત્તિ કરે, તેનામાં આંતરિક પરિણામ ન હોય, તો આવે; હોય, તો વધે, વિશુદ્ધ થાય, દૃઢ થાય.
જેમ જેમ હું ગુરુદેવની સેવા કરું, તેમ તેમ મારો ભક્તિભાવ વધે.
તપના પરિણામ વિના પણ બાહ્ય તપ કરે, તો અભ્યાસથી ધીરે ધીરે તપનો પરિણામ પેદા થાય.
સાધુના આચારોનું પાલન કરતાં કરતાં સાધુતાના પરિણામ જાગે.
રાગ થતો હોય તેવા દ્રવ્યોના નિરંતર ત્યાગથી ધીરે ધીરે રાગ ઘટે.
આ રીતે બંને વચ્ચે સંબંધ છે.
વ્યવહારના પાલનથી, નૈશ્ચયિક ગુણની પ્રાપ્તિ થાય છે.
નૈશ્ચયિક ગુણ હોય, તો વ્યવહારનું પાલન સાહજિક રીતે થાય છે.
નિશ્ચયથી આરાધના ન હોય તો પામવા માટે, હોય તો સ્થિર કરવા, દૃઢ કરવા, વધારવા, નિર્મળ કરવા માટે વ્યવહારથી આરાધના કરવાની હોય છે.
જેમ કે અંદર સ્વાદની આસક્તિ હોય તો વારંવાર આયંબિલ કરવાથી આસક્તિ ઘટે છે, તૂટે છે..
એક પ્રશ્ન એ થાય કે અંદરના દોષ જ ઘટાડવાના છે, તો બાહ્ય ક્રિયાની જરૂર શું ?
આના જવાબમાં હું એવો પ્રશ્ન કરીશ કે મીઠાઇમાં ગળપણ જ જોઇએ, તો સાકરની જરૂર શું ?
સભા : બંને એક જ છે ને ?
ના. ગળપણ તો ગોળથી પણ આવી શકે, શેરડીના રસથી પણ આવી શકે.
મીઠાઇમાં જરૂરી ગળપણ જ હોય છે. છતાં જેનાથી ગળપણ આવે, તેવી કોઇક વસ્તુ તો નાખવી જ પડે, તેના વિના ગળપણ ન આવે.
તે રીતે, દોષ જ ઘટાડવાના હોવા છતાં, જેનાથી દોષ ઘટે, તેવી આરાધના કરવી જ પડે.
કોઇપણ આરાધના કર્યા વિના દોષ ઘટી શકે નહીં.
બાહ્ય નિમિત્તોની અસર, આંતરિક પરિણામ પર પડ્યા વિના રહેતી નથી.
જીભ પર મીઠાઇ ન મૂકો, ત્યાં સુધી રાગ ન થાય, તે સંભવિત છે.
જીભ પર મીઠાઇ મૂક્યા પછી પણ છદ્મસ્થને રાગ ન થાય, તે પ્રાયઃ અસંભવ છે.
નિશ્ચય નયથી તો મીઠાઇમાં ગળપણ જ જોઇએ.
પણ વ્યવહાર નયથી તેના માટે સાકર નાખવી જરૂરી બને જ.
તે રીતે, નિશ્ચય નયથી દોષ જ ઘટાડવાના હોવા છતાં, વ્યવહાર નયથી તેના માટે આરાધના જરૂરી બને જ.
નિશ્ચય-વ્યવહાર બંને એકબીજાના પૂરક છે, એકબીજા વિના અધૂરા છે, એકબીજાની આંગળી પકડીને ચાલનારા છે.
આ વાતને દૃષ્ટાંત દ્વારા વિસ્તારથી સમજવા પ્રયાસ કરીએ.
માની લો કે કોઇને રસગુલ્લા પર તીવ્ર રાગ છે. એ રાગ ઘટાડવો, તે નિશ્ચયથી આરાધના છે.
તેના માટે શું કરવું પડે ? રસગુલ્લાનો ત્યાગ કરવો પડે. તે વ્યવહારથી આરાધના છે.
રસગુલ્લા પરનો રાગ, ખાવાથી ઘટે કે વધે ?
ખાવાથી તો તે રાગ તીવ્ર થવાનો, તેના સંસ્કાર વધુ પુષ્ટ થવાના. ભલે થોડીવાર માટે તેની ઇચ્છા શાંત થઇ તેવું લાગે, પણ તે પુષ્ટ થયેલા સંસ્કાર વધુ જોરથી જાગ્રત થશે, વધુ રાગ કરાવશે.
આ વાત તમને આ રીતે સમજાશે 🡺
રસગુલ્લા પર રાગ ઊભો શી રીતે થયો ? જન્મથી તો રસગુલ્લાને જાણતો નહોતો.
જ્યાં સુધી રસગુલ્લા શું છે ? એ ખબર ન હોય, તેને ચાખ્યા પણ ન હોય, ત્યાં સુધી તેના પર રાગ ન હોય. એવું પણ બને કે કોઇ રસગુલ્લા ખાવાની ઑફર કરે, તો પણ ના પાડી દે. પણ એક વાર ખાધા, જીભને તેનો સ્વાદ વળગ્યો, પછી રાગ ઊભો થયો, બે-ચાર વાર ખાવાથી રાગ તીવ્ર બન્યો.
એટલે એ સ્પષ્ટ છે કે ખાવાથી રાગ વધે છે, ભલે તત્કાળ ઇચ્છા શાંત થયેલી જણાય.
કોઇપણ સામગ્રીના ભોગવટાથી તેનો રાગ પુષ્ટ જ થાય, ત્યાગ કરવાથી જ રાગના સંસ્કાર ઘટે. એટલે, નિશ્ચયને પ્રાપ્ત કરવા, ત્યાગ રૂપી વ્યવહાર અનિવાર્ય છે.
પોતાની આરાધનામાં નિશ્ચય લગાડવો.
અર્થાત્, માત્ર આચારનું પાલન કરીને સંતુષ્ટ ન થઈ જવું, જાતને ધર્મી માની ન લેવી. પરિણતિ આવી છે કે નહીં ? તે ચકાસવી. તેને લાવવાનો પુરુષાર્થ કરવો.
પરિણતિ ન હોય તો હું ‘સાચો ધર્મી નથી’ એવું માનવું. ગર્વ ન કરવો.
બીજા આરાધકોના જીવનમાં વ્યવહાર જોવો, નિશ્ચયની પરીક્ષા કરવા ન બેસવું.
દાન કરે, તેની અનુમોદના કરવી. તેના લોભકષાય-પરિગ્રહસંજ્ઞા જોવા ન જવા.
તપ કરે, તેની અનુમોદના કરવી. આહારસંજ્ઞા – રસનાની ગુલામી જોવા ન જવી.
એક જ નૈશ્ચયિક ગુણને પ્રાપ્ત કરવા માટે, સંયોગો અનુસારે વ્યવહાર જુદો જુદો હોઇ શકે છે.
જે નૈશ્ચયિક ગુણનો પ્રાપક બને, તેવો જ વ્યવહાર જિનશાસન માન્ય કરે છે.
જે નૈશ્ચયિક ગુણને પ્રાપક ન બને, અથવા ઘાતક બને, તેવા વ્યવહારને જિનશાસન માન્ય કરતું નથી.
અર્થાત્ દેખીતી રીતે તે ધર્મ જણાતો હોવા છતાં, જિનશાસન તેને ‘ધર્મ’ માનતું નથી.
જેમ કે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા જતાં, તીવ્ર અસમાધિ ઊભી થાય તેવી પરિસ્થિતિ આવી પડે; તો જિનશાસન તે પ્રતિજ્ઞાના (દેખીતા) પાલનને ધર્મ નથી માનતું, તે અવસરે પ્રતિજ્ઞાના (દેખીતા) ભંગને જ ધર્મ માને છે. (સર્વ-સમાધિ-આગાર)
એવી જ રીતે, લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા જતાં, સમસ્ત સંઘ/શાસનને નુકસાન થાય તેવી પરિસ્થિતિ આવી પડે; તો જિનશાસન તે પ્રતિજ્ઞાના (દેખીતા) પાલનને નહીં, પણ તેના (દેખીતા) ભંગને જ ધર્મ માને છે... (મહત્તરાગાર).
આરાધના માટે જરૂરી ઉપકરણો રાખવા, તેને જિનશાસન ‘પરિગ્રહ’ માનતું નથી – તેમાં દેખીતી રીતે (વ્યવહારથી) પરિગ્રહ છે; પણ વાસ્તવિક રીતે (નિશ્ચયથી) પરિગ્રહ નથી; કારણકે ઉપકરણોના સદુપયોગથી આત્માના દોષો ઘટે છે, ગુણો પ્રગટ થાય છે.
ગુણ માટેની આવી સ્પષ્ટ સમજ... નિશ્ચય-વ્યવહાર એવા બે ભેદ... નિશ્ચયના પ્રાપક બનતા વ્યવહારનો જ ધર્મ રૂપે સ્વીકાર... નિશ્ચયના ઘાતક બનતા વ્યવહારનો ધર્મ રૂપે અસ્વીકાર...
આ બધું માત્ર ને માત્ર જિનશાસન ધરાવે છે. અન્ય દર્શનો પાસે તેવી સ્પષ્ટ સમજ જ નથી...
છે ને મેરા જિનશાસન મહાન્ !
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments