સંવત્સરી - ક્ષમાપના પર્વ...

વર્તમાન વિશ્વની વસતિ આશરે ૭૦૦ કરોડની કહેવાય છે. તેમાંથી જેમની સાથે તમને અણબનાવ થઈ શકે, તેવી વ્યક્તિઓની સંખ્યા કેટલી ?
❖ ૭૦,૦૦૦ સિવાયના તો કદાચ ક્યારેય સંપર્કમાં નહીં આવ્યા હોય.
❖ ૭૦૦૦ થી વધુ માણસોની તો કદાચ ઓળખાણ પણ હોતી નથી.
તેમાંથી ૭૦ માણસો સાથે અણબનાવની શક્યતા હોય છે – પરિવાર, પડોશી, નોકર-ચાકર, સ્વજનો, મિત્રો, સાથે આરાધના કરનારાઓ....
એ ૭૦ ની સાથે જ ક્ષમાપના કરવી અઘરી છે. બાકીના ૬૯૯ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર ૯૩૦ સાથે ક્ષમાપના કરવી કદાચ સરળ છે.
પણ એ ૭૦ સાથે જ ક્ષમાપના ન કરીએ, તો ?
તો કલ્પસૂત્ર (બારસાસૂત્ર)માં શાસ્ત્રકાર લખે છે 🡺 जो ण उवसमइ, तस्स नत्थि आराहणा...
જે સંવત્સરીના દિવસે પણ કષાયને શમાવતો નથી, તેની બાકીની કોઈ આરાધના, આરાધના રહેતી નથી – એકડા વિનાનાં મીંડાં બને છે.
જે સાધુ, વડીલોના સમજાવવા છતાં સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં કષાયનું શમન ન કરે, તેના માટે શાસ્ત્રકાર આજ્ઞા કરે છે 🡺 से णं णिज्जूहियव्वे सिया... તેને ગચ્છબહાર (કે સંઘબહાર) કરવો.
હાલ, શ્રાવકોને સંઘબહાર મૂકવાની કોઈ વ્યવસ્થા નથી. પણ જો આપણે ક્ષમાપના ન કરીએ, તો આપણે જ આપણી જાતને સંઘબહાર કરીએ છીએ.
આ શબ્દો કલ્પસૂત્રમાં છે, તે ભદ્રબાહુસ્વામીના નથી. તેમણે છેલ્લે જણાવ્યું છે –
ખુદ પ્રભુ વીરે આ બધું કહ્યું છે.
એટલે આ પ્રભુ વીરના શબ્દો છે.
આવો, પરમાત્માનું શાસન મળ્યાને સાર્થક કરીએ...
કયા ૭૦ જણા સાથે અણબનાવ થયો હોઈ શકે ? તેનું લિસ્ટ બનાવીએ...
સહુની સાથે ક્ષમાપના કરીએ... શક્ય હોય તો રૂબરૂમાં... સંદેશા દ્વારા કે છેવટે માત્ર અંતઃકરણથી...
અને એ માત્ર ‘મિચ્છા મિ દુક્કડમ્’ શબ્દો ન હોય... અંતરમાં ભાવ હોય – ‘મેં કષાય કર્યો, એ મારી જ ભૂલ છે... તેની મારે ક્ષમાપના માંગવી છે... બીજાએ કર્મવશ કંઈ કર્યું હોય, તો તેને ભૂલી જવું છે...’
આ ક્ષમાપના પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરીએ... એ માત્ર ક્રિયા નહીં રહે, ભાવપૂર્વકની ક્રિયા થશે... જેની તાકાત કરોડો-અબજો ગણી થઈ જશે.
કરશું ને ?
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments