ચાતુર્માસ-વિવેક...
- Jun 23
- 2 min read

ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે.
ગુરુ ભગવંતોના નગર-પ્રવેશ અને ઉપાશ્રય-પ્રવેશ નજીક આવી રહ્યા છે...
જેમનું સંયમ જોતાં આપણી આંખ ઠરે...
જેમની વાણી સાંભળતાં આપણું દિલ ઠરે...
એવા ગુરુ ભગવંતોનું સાંનિધ્ય - મહિના સાંપડશે – એ આપણું સદ્ભાગ્ય છે.
એ સદ્ભાગ્ય કાયમ બન્યું રહે – એવું તમે ઇચ્છતા જ હશો, નહીં ?
આવેલા ગુરુ ભગવંતનું દિલ ઠરે, તો ફરીવાર આવે... બીજાને પણ જવાનું કહે...
શ્રીસંઘના અગ્રણીઓએ તેને માટે શું કરવું ? તે વાત જુદી છે.
શ્રીસંઘના દરેક શ્રાવકનું ઔચિત્ય શું ? એ વાત કરવી છે.
આવેલા ગુરુ ભગવંતને ગોચરીની તકલીફ ન પડે – એ જોવાનું કર્તવ્ય તો સહુનું છે ને ?
જો સંયમને સહાયક ગોચરી જ દુર્લભ હશે, તો કોને ફરી આવવાનું મન થશે ?
એટલે, આટલું દરેક શ્રાવકે કરવું જરૂરી છે
મકાનમાં અંદર આવવાના રસ્તા પર નિગોદ (લીલ) થતી હોય, તો પહેલેથી સફેદ પટ્ટા કરાવવા જોઈએ.
દરેક જૈન ઘરના દરવાજા પર, જૈન હોવાની ઓળખાણ હોવી જોઈએ. (જિનપ્રતિમા, કે જૈનમ્ જયતિ શાસનમ્ કે અષ્ટમંગળની પાટલી/સ્ટીકર)
વોચમેનને કહી રાખવું જોઈએ – મહાત્મા પધારે, તો અટકાવવા તો નહીં જ, આવકાર આપવો... જૈનોના ઘર બતાવવા (છેવટે ફ્લેટ નંબર જણાવવા).
ગુરુ ભગવંત પ્રવેશ થયા પછી મહાત્માને વિનંતી કરવા જવું. પોતાનું મકાન-વિસ્તાર, ત્યાં કેટલાં ઘરો છે ? વગેરે માહિતી આપવી.
કમ સે કમ એક વાર સાથે રહીને ગોચરીનાં ઘરો બતાવવાં.
શ્રાવક સદા અભક્ષ્યનો ત્યાગી જ હોય; પણ ગુરુ ભગવંતના પ્રવેશથી વિહાર સુધી, તેમને ન કલ્પતી રસોઈ ન બને – તેની ખાસ કાળજી રાખવી; જેથી ઘરે આવેલા મહાત્મા ગોચરી વહોર્યા વિના ન જાય !
યાદ રહે – શાસ્ત્રમાં શ્રાવકોને સાધુ ભગવંતોની ‘માતા’ની ઉપમા આપીને બધી જ કાળજી કરવાનું કહ્યું છે.
જે માતાએ તમારા પરના એ વિશ્વાસથી પોતાના વહાલસોયા સંતાનને સંયમમાર્ગે વાળ્યો છે, તે વિશ્વાસની રક્ષા એ તમારું સહુનું કર્તવ્ય છે.
ગુરુ ભગવંત કેટલી વાર પધારશે ? તે તો આપણે જાણતા નથી, પણ બધી કાળજી રાખે; તેને રોજ જીરણ શેઠની જેમ જ સુપાત્રદાનનો મહાન્ લાભ મળે છે – એમ શાસ્ત્રકાર કહે છે.
ધન્ના-શાલિભદ્ર બનાવવાનું સામર્થ્ય ધરાવતા આ સુપાત્રદાનનો લાભ રોજ મેળવવાનું સૌભાગ્ય સફળ કરીએ...
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments