જ્ઞાન-ક્રિયા...

અતત્ત્વ : ‘જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો છેહ’ આ પંક્તિમાં જે જ્ઞાની બતાવ્યો છે, તે જેને આત્માનુભવ રૂપ આત્મજ્ઞાન થયું હોય; તે લેવાનો છે.
તત્ત્વ : કોઈપણ પ્રાચીન શાસ્ત્રના આધાર વિનાની આ નરી કલ્પના માત્ર છે.
જુદાં જુદાં ગ્રંથોમાં, આ વાત જુદાં જુદાં શબ્દોમાં આવે છે, તે આ મુજબ છે➔
હિતોપદેશ ગ્રંથમાં પ્રભાનંદસૂ. મ. કહે છે ➔ શ્રદ્ધા રૂપ ભાવ વિનાના દાન-શીલ-તપ, અકામનિર્જરા કરાવે – અલ્પફળ આપે. પછી કહે છે ➔ તીવ્ર તપથી કરોડો ભવમાં જે કર્મ ન ખપે, તે શુભ ભાવથી ક્ષણમાં ખપે છે.
એટલે તેઓ કર્મક્ષયના કારણભૂત ભાવ, શ્રદ્ધારૂપ હોવાનું જણાવે છે.
પુષ્પમાળા ગ્રંથમાં મલધારી હેમચંદ્રસૂ. મ. કહે છે ➔ જે શુભ ભાવ વિના દાન-શીલ-તપ નિષ્ફળ (અર્થાત્ ઉપરોક્ત અકામનિર્જરા રૂપ અલ્પ ફળવાળા) જાય છે, તે ભાવ, સંસારથી નિર્વેદ અને મોક્ષની ઇચ્છા જેના મૂળમાં છે, એવો ભાવ સમજવાનો છે.
અધ્યાત્મ-મત-પરીક્ષામાં મહો. યશોવિ. મ. કહે છે ➔ યથાવત્ હેયોપાદેયના (અર્થાત્ ‘શું કરવા જેવું છે ? શું છોડવા જેવું છે ?’ એના) જ્ઞાનથી જ ક્રિયા વિશિષ્ટ ફળવાળી થાય છે.
આવશ્યક-નિર્યુક્તિમાં ભદ્રબાહુસ્વામી મ. જ્ઞાન-ક્રિયા ઉભયથી મોક્ષ બતાવે છે; ત્યાં જ્ઞાનને દેખતાં માણસ સાથે સરખાવીને માર્ગનું (અર્થાત્ ઉપરોક્ત હેયોપાદેયનું) જ્ઞાન મોક્ષમાર્ગ રૂપ જણાવે છે.
પંચાશકમાં હરિભદ્રસૂ. મ. એ ‘ગુરુદેવ જે કહે, તે મારે કરવું’ એવા ગુરુ-પારતંત્ર્યના જ્ઞાનથી જ માસતુસ મુનિવર ને રત્નત્રયીની પૂર્ણતા અને કેવળજ્ઞાન-પ્રાપક નિર્જરા બતાવી છે.
ઉપદેશપદમાં હરિભદ્રસૂ. મ. ક્રિયાને વિશિષ્ટ ફળવાળી બનાવનાર ભાવને તત્ત્વના પક્ષપાત રૂપ જણાવે છે.
➔ બીજા પણ અનેક ગ્રંથોમાં આ વાત છે.
➔ અહીં છ મહાવિદ્વાન્ મહાપુરુષોનાં વિધાન બતાવ્યા છે, જે પર્યાપ્ત છે.
➔ શબ્દોથી જુદી જણાતી બધાની વાતનું તાત્પર્ય એક જ છે – પ્રભુએ જે મોક્ષમાર્ગ બતાવ્યો છે, તેના માટે જેને હેય કહ્યું છે કે જેને ઉપાદેય કહ્યું છે; તેની શ્રદ્ધા એ જ કર્મક્ષયનું કારણ છે; જેને સમ્યગ્દર્શન કહેવાય છે.જો આત્માનુભવ જ કર્મક્ષયનું મુખ્ય કારણ હોય; તો તેનું સ્વરૂપ, તેની પ્રાપ્તિના ઉપાયો, તેનું ફળ, તેનું મહત્ત્વ, તેને પ્રાપ્ત કરનારા મહાપુરુષોની કથાઓ.. આ બધાનું વર્ણન શાસ્ત્રોમાં હોય જ. અન્યથા તો શાસ્ત્રકારોએ મોક્ષમાર્ગનું વર્ણન જ ન કર્યું – તેવું ફલિત થાય. (કારણકે અપૂર્ણ માર્ગના વર્ણનને માર્ગનું વર્ણન ન કહેવાય.)
પણ આવું કશું શાસ્ત્રમાં જોવા મળતું નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments