top of page

અનીતિનું ધન અને ધર્મ...

  • Apr 6
  • 2 min read

પ્રશ્ન : અનીતિથી ધન કમાયા છીએ. તો હવે ધર્મમાં વપરાય ?

ઉત્તર :શુદ્ધ દાનધર્મ એ જ છે કે જેમાં ન્યાયોપાર્જિત ધન વપરાયું હોય.

વાસ્તવમાં અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યના તમે માલિક જ નથી. જેને અન્યાય કરીને તમે કમાયા છો, તે જ તેનો માલિક છે.

શાસ્ત્રમાં લખ્યું છે – જિનાલય બનાવ્યા પછી પ્રભુની પ્રતિષ્ઠા વખતે શ્રાવક જાહેર કરે – ‘આમાં બીજાનું દ્રવ્ય આવી

ગયું હોય, તો તેટલું પુણ્ય તેના ભાગે જાઓ’ એ શ્રાવકની ભાવશુદ્ધિ ગણાય.

એટલે, અનીતિથી કમાયેલા ધનથી થતો દાનધર્મ, હકીકતમાં શુદ્ધ નથી. એટલે, જેને શુદ્ધ ધર્મ કરવાની ઇચ્છા હોય, તેણે

નીતિપૂર્વક મેળવેલું ધન જ તેમાં વાપરવું જોઇએ.

  • માર્ગાનુસારિતાનો પ્રથમ ગુણ મૂક્યો છે – ન્યાયસંપન્ન વિભવ. અન્યાયથી ધનનું ઉપાર્જન કરવું, તે માર્ગાનુસારિતા પણ

નથી. વળી, ‘ન્યાય’નો અર્થ પણ બહુ વિસ્તૃત છે.

વર્તમાન વ્યવસ્થાઓ મુજબ; માલમાં ભેળસેળ, તોલમાપમાં ગરબડ, ખોટી છાપ મારીને માલ આપવો, સમયસર પેમેન્ટ

ન આપવું, ખોટા ભાવતાલ કહેવા, વધુ પડતો નફો કરવો... આ બધું અનીતિ ગણાય

પ્રશ્ન : કરચોરી ?

એ પણ અનીતિ જ છે. સરકારના પૈસા પ્રધાનપણે ગરીબોના કલ્યાણ માટે છે, એટલે કરચોરી એ ગરીબોની ચોરી છે. કરચોરી કરીને કમાયેલ સંપત્તિના વાસ્તવિક માલિક ગરીબો છે.

  • ધર્મનું પૂરું ફળ મેળવવું હોય, તો શુદ્ધ ધર્મ આચરવો જોઇએ. અને તેના માટે દ્રવ્ય ન્યાયોપાર્જિત જોઇએ.

પણ જેની પાસે ન્યાયોપાર્જિત દ્રવ્ય છે જ નહીં, અથવા અલ્પ છે, અથવા ન્યાયોપાર્જિત અને અન્ય દ્રવ્યનું મિશ્રણ જ છે;

તેણે શું કરવું ? એ પ્રશ્નનો જવાબ એ છે કે અન્યાયથી કમાયો જ છે, તો ધનને વિલાસમાં વાપરવાના બદલે, ધર્મમાં વાપરે

- તે સારું જ છે. પણ તેણે એ યાદ રાખવું જોઇએ કે એ ધનનો વાસ્તવિક માલિક પોતે નથી, બીજા છે. અને એટલે, નામ

આપ્યા વગર જ ધન વાપરવું જોઇએ.

પ્રશ્ન : જો વાસ્તવિક માલિક બીજા જ હોય, તો તેને ધર્મમાં વાપરવાથી પોતાને શું લાભ ?

અલબત્ત, પોતાનું – નીતિથી કમાયેલું ધન વાપરે, તેટલો લાભ તો નથી જ. છતાં, સાવ લાભ ન થાય – તેવું પણ નથી.

તેટલા ધનની મમતા છોડે છે, માલિકી છોડે છે, પરિગ્રહ ઘટાડે છે... 

જે ધર્મમાં વાપરે છે, તે ધર્મ પ્રત્યે, ધર્મ કરનારા પ્રત્યે બહુમાન છે... 

એ બધાથી લાભ થાય છે.

  • કોઇક પોતાનું ધન બીજાને આપીને કહે કે ‘સારા ક્ષેત્રમાં વાપરજે’, તો તે બીજી વ્યક્તિને પણ તેનો વહીવટ કરવામાં લાભ તો થાય જ છે. સંઘના ટ્રસ્ટીઓ, બીજાએ આપેલા દ્રવ્યનો જ વહીવટ કરે છે. છતાં તેમાં પણ તેમને લાભ થાય છે.

અનીતિમાં જો કે અયોગ્ય રીતે મેળવેલું ધન છે, છતાં તેના સદ્વ્યયમાં લાભ તો થાય જ છે.

પૂર્વે કહી તેવી ભાવશુદ્ધિ તેણે જાળવવી જોઇએ. અને ભવિષ્યમાં નીતિથી જ કમાવાનું – અનીતિ બંધ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ.

  • જેને દાન કરવું છે, તેણે શુદ્ધ દ્રવ્ય વાપરવું જોઇએ – એવો આગ્રહ અમે રાખીએ, કારણકે એ જ શુદ્ધ ધર્મ છે, એનાથી જ તેને પૂર્ણ લાભ થાય... પણ અન્યાયોપાર્જિત ધન હોય જ, તો તે ધર્મમાં ન જ વપરાય – એવું અમે ન કહીએ. (કારણકે તો પછી તે વિલાસમાં જાય, તેનાથી વધુ નુકસાન જાય.) હા, તેમાં પૂર્વોક્ત ભાવશુદ્ધિ જાળવવાનું કહીએ.

  • ક્વચિત્ કોઈ વ્યક્તિ લોકનિંદ્ય માર્ગે ધન કમાયો હોવાનું જગજાહેર હોય, તેવા લોકોનું ધન ધર્મમાં લેવાથી શાસનની નિંદા થવાની સંભાવના હોય... ત્યારે તેના ધનને લેવાનો ગીતાર્થો નિષેધ પણ કરે. 

એ શાસનની અવહેલનાથી બચવા માટે છે.



Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for Magazine Shanti Saurabh.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page