આયંબિલમાં મગની દાળનું પાણી ખપે ?

પ્રશ્ન : આયંબિલમાં મગની દાળનું પાણી ખપે ?
ઉત્તર :
કાચા પાણીમાં મગની દાળ પલાળવામાં આવે, તો પણ ૪૮ મિનિટમાં તે અચિત્ત થઇ જાય. એટલે પાણીની સચીત્તતાનો તો પ્રશ્ન રહેતો નથી.
પ્રશ્ન મગની દાળમાં ફણગા ફૂટી જવાનો છે. ફણગાવેલ કઠોળ, અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. તે છૂટાવાળાને પણ ન ખપે, તો આયંબિલમાં ખપવાનો પ્રશ્ન જ ક્યાં રહે ?
અનુભવીઓ એમ કહે છે કે ફોતરાવાળી (લીલી) મગની દાળ પલાળી હોય, તો ફણગો ફૂટવા સંભવ રહે છે. ફોતરા વગરની (પીળી) મગની દાળ પલાળી હોય, તો ફણગો ફૂટતો નથી. તેનું કારણ એ છે કે મગના જે અંશમાં ફણગો ફૂટે છે, તે અંશ, ફોતરા સાથે નીકળી જાય છે. જો આ વાત સાચી હોય, તો ફોતરા વગરની પીળી મગની દાળ પલાળીને બનાવેલ પાણી અભક્ષ્ય થવાનો પ્રશ્ન રહેતો નથી.
ફોતરાવાળી મગની દાળ અને મગમાં ફણગા ફૂટી ગયા હોય - તેવો અમને જાત-અનુભવ થયેલો છે. વધુ સમય પલાળી રખાય, તો મગ (કે ફોતરાવાળી મગની દાળ) માં ફણગા ફૂટે જ – એ નિઃશંક છે. હમણાં એવો પણ અનુભવ થયો છે કે અડધો કલાક પલાળેલા મગમાં પણ ફણગા ફૂટી ગયા હોય. તેના વિશે તપાસ કરતાં એવું જોવા મળ્યું કે કોરા મગમાં જ ફણગા જેવો સફેદ ભાગ બહાર દેખાતો હતો, જે પલાળ્યા પછી ફૂલે છે – મોટો થાય છે. મગ બદલીને બીજા લીધા પછી, ફણગા ફૂટવાના બંધ થાય – તેવો પણ અનુભવ થયો.
એટલે, મગ (કે ફોતરાવાળી મગની દાળ) જોઈ-તપાસીને લેવા, કે જેમાં પહેલેથી ફણગા ન હોય... અને પલાળ્યા–રાંધ્યા પછી ચેક કરવું કે ફણગા ફૂટ્યા નથી – એ જરૂરી છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments