દેવદ્રવ્યને, જગ્યામાં કે સોના-ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકાય ?
- 2 days ago
- 2 min read

પ્રશ્ન : દેવદ્રવ્યને, જગ્યામાં કે સોના-ચાંદીમાં ઇન્વેસ્ટ કરી શકાય ?
ઉત્તર :
સૌ પ્રથમ વાત તો એ છે કે દાતા, રકમનો સદુપયોગ કરવા માટે દાન આપે છે, મૂકી રાખવા માટે નહીં. ચડાવાઓ પણ, ધર્મસ્થાનોના નિર્વાહ સરળતાથી થાય, તે માટે શરૂ કરવામાં આવ્યા છે; દ્રવ્યને ભેગું કરવા માટે નહીં. એટલે દેવદ્રવ્ય (કે કોઇપણ ધર્મદ્રવ્ય) નો યોગ્ય સદુપયોગ કરવો જોઇએ, ભેગું કરવું જ ન જોઇએ કે જેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે.
છતાં કેટલાંક કારણોસર ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ પડે છે. જેમ કે
નિધિ (કોર્પસ ફંડ), જેના વ્યાજમાંથી નિર્વાહ કરવાની ગણતરીથી જ જે ઊભું કરાય છે. એમાં પ્રાયઃ સાધારણ (કે વૈયાવચ્ચ) દ્રવ્ય હોય છે.
લાંબા ગાળે આવી પડતાં મોટા ખર્ચને પહોંચી વળવા દર વર્ષે થોડાં થોડાં દ્રવ્યનો સંચય કરાય. (જેને વર્તમાન પરિભાષામાં Sinking Fund કહેવાય છે.) ૨૫-૫૦ વર્ષે આવનારા સંભવિત જીર્ણોદ્ધાર માટે, દર વર્ષે થોડા થોડા દેવદ્રવ્યનો સંચય કરાય, તો અપેક્ષાએ ઉચિત માની શકાય.
આવક અને સદુપયોગ વચ્ચેના ટૂંકા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. (આવક પર્યુષણમાં થાય, ખર્ચ આખા વર્ષ દરમિયાન થાય.) એ જગ્યામાં તો થઇ શકે નહીં.
વર્તમાન (ઇ.સ.૨૦૨૬) કાયદા મુજબ, ટ્રસ્ટની (કોર્પસ સિવાયની) કુલ આવકમાંથી, ૮૫ % આવક વર્ષ દરમિયાન વાપરી નાખવી ફરજિયાત છે. વર્તમાન (ઇ.સ.૨૦૨૬) કાયદા મુજબ, ટ્રસ્ટ સોનામાં કે જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું નથી.
દાગીનો બનાવવા માટે સોનું લઇ શકાય, પૈસાનું રોકાણ કરીને વળતર મેળવવા નહીં. ટ્રસ્ટના કામકાજ માટે જગ્યા લઇ શકાય, પૈસાનું રોકાણ કરવા માટે નહીં. સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સોનું સાચવવાની બહુ મોટી મુશ્કેલી છે. ચોરાઇ શકે, બદલાઇને નકલી સોનું મૂકાઇ શકે. વારે વારે તેનું પરીક્ષણ શક્ય નથી.
જગ્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઘણી મુશ્કેલી છે
જગ્યાના દસ્તાવેજ વગેરેમાં સ્પેમ્પ ડ્યૂટી વગેરે ખર્ચ આવે છે. (મહારાષ્ટ્રમાં ૫ % છે.)
જગ્યા કાયદાકીય રીતે ચોખ્ખી (Title Clear) હોવી જરૂરી છે.
જગ્યા ખાલી રહે, તો અનિચ્છનીય તત્ત્વો દ્વારા દબાણ થવા સંભવ છે.
જગ્યા લીધા પછી તેની ચેરિટી કમિશનરમાં નોંધણી ફરજિયાત છે.
જગ્યામાં જૂનું બાંધકામ તોડવા કે નવું બાંધકામ કરવા માટે, મ્યુનિસિપાલિટી ઉપરાંત ચેરિટી કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક છે.
જગ્યા વેચવા માટે ચેરિટી કમિશનરની પૂર્વમંજૂરી આવશ્યક છે, જેની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ છે.
જગ્યાના વેચાણમાં થયેલ નફો - નવી જગ્યામાં ઇન્વેસ્ટ કરવો અથવા ટ્રસ્ટના કામકાજ માટે વાપરી નાખવો જરૂરી છે; નહીં તો તેના પર ઇન્કમ ટેક્ષ (શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્ષ) લાગી શકે છે.
આ બધું વિચારીને ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય કરવો. એટલે વસ્તુતઃ તો દેવદ્રવ્યનો પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર, આવશ્યકતા હોય ત્યાં નૂતન જિનમંદિરના નિર્માણ, જિનાલયોના સુશોભન, સુરક્ષા, પરમાત્માની પૂજા માટેનાં ઉત્તમ દ્રવ્યો, પર્વના દિવસોમાં ભવ્ય અંગરચના વગેરેમાં સદુપયોગ કરવો ઉચિત છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments