top of page

નાના બાળકને પૂજાનો રૂમાલ રહેતો નથી, તો શું કરવું ?

  • Jul 9
  • 2 min read

પ્રશ્ન : નાના બાળકને પૂજા કરાવતાં નાક પરથી રૂમાલ ખસી જાય (કે બાળક ખસેડી નાખે), તો ચાલે ?

ઉત્તર : હું ‘હા’ પાડીશ તો તમે આ બાબતે ઉપેક્ષા કરશો. રૂમાલ સરખો પહેરાવશો જ નહીં કે તેનો આગ્રહ નહીં રાખો.

હું ‘ના’ પાડીશ, તો તમે બાળકને પૂજા કરાવવાનું જ બંધ કરશો, કારણકે રૂમાલ સરખો રહેતો જ નથી. અમારે તો બેઉ બાજુ મરો છે. શું જવાબ આપીએ ? એટલે, આનો જવાબ, ‘હા’ કે ‘ના’ માં નથી. તેનો જવાબ થોડો વિસ્તૃત છે.

આજ્ઞાવિરોધી (અવિધિરૂપ) પ્રવૃત્તિના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડેલા છે.

1. અનાભોગ – જ્ઞાન જ ન હોય, અથવા જ્ઞાન હોવા છતાં તે વખતે વિસ્મૃત થઇ જાય, ઉપયોગ ન રહે.

2. સહસાત્કાર – અચાનક તમારા કાબૂ બહારની પરિસ્થિતિથી થઈ જાય.

3. પ્રમાદ - ‘કરવા જેવું નથી’ તેવું જ્ઞાન હોય, તેવી શ્રદ્ધા પણ હોય... છતાં સંજ્ઞાવશાત્–સંસ્કારવશાત્ ખેંચાઇને કરી નાખે.

4. દર્પ - ‘કરવા જેવું નથી’ એવું માનતો જ ન હોય. (પાપને ‘પાપ’ માનતો જ ન હોય.)

5. આકુટ્ટી - ‘આની ના પાડો છો ? તો તો ખાસ કરીશ.’ એવો વિપરીત પરિણામ હોય.

આમાંથી છેલ્લા બે પ્રકાર તો સર્વથા ત્યાજ્ય જ છે. પહેલાં બે નિવારી શકાય તેવા હોતાં નથી. એટલે, તેવી અવિધિના કારણે ધર્મ ન કરવાની વાત કદી હોય નહીં. (છતાં, તેવી અવિધિનું પ્રાયશ્ચિત્ત તો કરવું જરૂરી છે જ.)

વચ્ચેનો પ્રમાદ, નિવારી શકાય તેવો છે, તેને નિવારવાનો પ્રયત્ન અવશ્ય કરવાનો છે. પણ તે થઈ જ જાય – તેવી આપણી છદ્મસ્થતા છે. તેના કારણે ધર્મ ત્યાજ્ય નથી બનતો. અલબત્ત, પ્રમાદનો પશ્ચાત્તાપ રહેવો જોઇએ, પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. (નહીં તો તે દર્પ બની જાય.)

બાળકનો રૂમાલ ખસી જાય – તે કયા પ્રકારમાં આવે ?

- તમે એવું માનતા હો કે ‘બાળકને બધું ચાલે... સરખો બાંધવાની જરૂર નહીં...’ તો (તમારા માટે) દર્પમાં પણ આવી શકે.

- ઉતાવળ વગેરે કારણે સરખો બંધાયો ન હોવાથી ખસી જાય, તો (તમારા માટે) પ્રમાદ છે.

- બાળક ચંચળ કે જિદ્દી હોવાથી ખસી જાય કે ખસેડી નાખે, તો (તમારા માટે) સહસાત્કાર છે.

- બાળકને પોતાને માટે તો અનાભોગ જ છે, સમજણ જ નથી.


સાર એ છે કે સરખો બાંધવાનો પ્રયત્ન કરવાનો. પૂજા કરતાં કરતાં ખસી જાય, તો પાછો સરખો કરીને પૂજા કરાવવાની. પણ અત્યંત ચંચળતાના કારણે સરખો રહે જ નહીં... કે જિદ્દી હોવાથી કાઢી જ નાખે... ત્યારે જેટલું સચવાય તેટલું સાચવીને બાળક પાસે પૂજા કરાવવી. હકીકતમાં તેનો રૂમાલ એવો રાખવો-બાંધવો જોઇએ કે તેને ગૂંગળામણ પણ ન થાય અને ઉચ્છ્‌વાસ સીધો પરમાત્મા પર પણ ન જાય. તો પ્રાયઃ વાંધો ન આવે.

બાળક રડતાં રડતાં પૂજા કરે – તેવું ન જ થવું જોઇએ... તે ખાસ ધ્યાનમાં લેવું.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page