ઉપાધ્યાય પદ કોને અપાય ?
- Jul 2
- 2 min read

પ્રશ્ન : ઉપાધ્યાય પદ કોને અપાય ?
ઉત્તર :
પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં એક વાત જણાવી દઉં કે પ્રશ્ન પૂછવા પાછળનો આશય સમ્યગ્ હોવો જોઈએ - જિનશાસનની વ્યવસ્થાઓ જાણીને તેના પ્રત્યે શ્રદ્ધા-આદર વધારવાનો આશય હોય... આરાધકો પ્રત્યે બહુમાન વધારવાનો કે તેમને સહાયક થવાનો આશય હોય... પોતાના જીવનમાં આરાધના વધારવાનો આશય હોય... તો તે સમ્યગ્ છે.
જ્યાં કોઈકની લીટી નાની કરવાનો આશય હોય... કોઈને અપાત્ર પુરવાર કરવાનો આશય હોય... કોઈની નિંદા કરવાનો આશય હોય... તો એ અસમ્યગ્ છે.
સમ્યગ્ આશય જણાય, તો અમે ઉત્તર આપીએ,
આશય જો અસમ્યગ્ હોય, તો અમે ઉત્તર ન આપીએ. ક્યારેક કશું જ કરવું નથી હોતું, માત્ર બુદ્ધિની ખણજ હોય છે. તેનો જવાબ અમે ન પણ આપીએ.
એટલે, પહેલાં એ કહો કે તમારે આ જાણીને શું કામ છે ? તમારે કોઈને પદ આપવાનું છે ? એ અધિકાર તો માત્ર આચાર્ય(ગચ્છાધિપતિ)નો છે, મારો પણ નથી. તો એ જાણીને તમારે શું કામ છે ?
સભા : ઉપાધ્યાય પદનું માહાત્મ્ય શું ? એ જાણવું છે.
એ સારી વાત છે. સામાન્યથી પદ, અધિકાર સાથે જોડાયેલું હોય છે.
જેમ કે આચાર્ય પદ, એ ગચ્છ પર અનુશાસનનો અધિકાર આપે છે. (હકીકતમાં પૂર્વના કાળે, એક ગચ્છમાં એક જ આચાર્ય રહેતા હતા, અત્યારની વ્યવસ્થા બદલાઈ ગઇ છે.)
પંન્યાસ પદ, એ સર્વ શાસ્ત્રોના વ્યાખ્યાન-વિવેચનનો અધિકાર આપે છે.
ઉપાધ્યાય પદ, સાક્ષાત્ કોઈ અધિકાર આપતું નથી, પણ તમારી ભાષામાં તેઓ આચાર્યના ડેપ્યુટી છે. આચાર્યની અનુપસ્થિતિ હોય, તો આચાર્યના બધા અધિકાર તેમને મળે છે. રાજાને જેમ યુવરાજ હોય, તેવું ઉપાધ્યાયનું સ્થાન છે.
સભા : તેઓ સૂત્રની વાચના આપે – એવી વાત આવે છે ને ?
હા, શાસ્ત્રમાં કહ્યું છે – આચાર્ય અર્થની વાચના આપે, ઉપાધ્યાય સૂત્રની વાચના આપે. પણ એનો અર્થ એવો નથી કે આચાર્ય સૂત્રની વાચના ન જ આપે કે ઉપાધ્યાય અર્થની વાચના ન જ આપે. બંને, સૂત્ર-અર્થ બંનેની વાચના આપવા સક્ષમ હોય અને અવસર આવે તો આપે પણ ખરા.
આ એક સામાન્ય વ્યવસ્થા છે કે આચાર્ય અર્થની વાચના આપે, ઉપાધ્યાય સૂત્રની. તેનું સામાન્ય કારણ એ છે કે અર્થ, સૂત્ર કરતાં મહાન્ છે; એટલે તેની વાચના ઉપરના પદ પર રહેલા આચાર્ય આપે. વળી, અર્થની વાચના, વધારે ક્ષયોપશમ-અનુભવ-ચિંતન માંગે છે. અને સામાન્યથી આચાર્ય, ઉપાધ્યાય કરતાં દીર્ઘપર્યાયી–અનુભવી–ક્ષયોપશમવાળા હોય; એટલે તેઓ અર્થની વાચના આપે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments