top of page

ગુરુ કડક હોય તે ચાલે ?

  • Jun 25
  • 2 min read
Even if someone has attained liberation, why is visiting their idol in a non-Jain temple prohibited? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the risks to Samyaktva and the importance of Vyavahar Shuddhi


પ્રશ્ન : ગુરુ કડક હોય તે ચાલે ?

ઉત્તર :

પહેલાં એક વાત જણાવી દઉં કે કડકાઈ અને ઉગ્રતા – એ બે જુદી વસ્તુ છે. તમે એ બેની ભેળસેળ કરી નાખો છો. ગુરુ ઉગ્ર હોય – તે અવગુણ માની શકાય; પણ કડકાઇ તો હોવી જ જોઈએ, તે ગુરુનો અનિવાર્ય ગુણ છે.

કડકાઈનો અર્થ છે – નિયંત્રણો-નિયમો અને તેના પાલનનો ચુસ્ત આગ્રહ.

સમુદાય ચલાવવાનો હોય, ત્યાં નિયમો જોઇએ જ; નહીં તો ટોળું બને, સમુદાય નહીં. અને નિયમોનું પાલન, તેના આગ્રહ વિના – સજાના ભય વિના થાય નહીં. તેના માટે કડકાઈ જરૂરી છે. વર્ષો પૂર્વે એક વૃદ્ધ શ્રાવકે અનુભવનો નિચોડ કહેલો - ‘જે નિયમના ભંગની કોઈ સજા ન હોય, તે નિયમ લાંબો સમય ટકે નહીં.’

શાસ્ત્રમાં પણ કહ્યું છે - ગુરુ ‘ભીમ’ અને ‘કાંત’ બંને ગુણોવાળા જોઈએ.

કાંતનો અર્થ છે – સૌમ્ય, કરુણાવંત. કરુણાથી ગુરુ શિષ્યોને ઉપદેશ, હિતશિક્ષા, માર્ગદર્શન આપે. શિષ્ય તેને સ્વીકારે, પાળવા પણ ઇચ્છે. છતાં અનાદિના સંસ્કારવશાત્ ક્યારેક અનુચિત પ્રવૃત્તિ કરવાનું મન થઇ જાય. ત્યારે સજાનો ભય હોય, ગુરુનો ભય હોય, તો અટકી જાય. એના માટે ગુરુ ‘ભીમ’ હોવા પણ જરૂરી છે. એટલે જ, વીતરાગ એવા કેવલી ભગવંતો શિષ્યોનું યોગક્ષેમ પોતે નથી કરતાં, દીક્ષા આપ્યા પછી શિષ્ય બીજા છદ્મસ્થને સોંપી દે છે; કારણકે પોતે વીતરાગ હોવાથી ‘ભીમ’ બની શકતા નથી.

શાસ્ત્રમાં ગુરુની ફરજ બતાવી છે – શિષ્યોના સારણા-વારણા-ચોયણા-પડિચોયણા કરવાની. ‘જે ગુરુ, શિષ્યોના સારણા-વારણાદિ ન કરે, તેની નિશ્રામાં રહેવું નહીં’ એવું શાસ્ત્રકારોએ કહ્યું છે.

આમાં ચોયણાનો અર્થ ઠપકો છે, પડિચોયણાનો અર્થ શિક્ષા છે. એ બંને કડકાઈરૂપ જ છે, જે ગુરુનો અનિવાર્ય ગુણ છે.

પ્રશ્ન : પણ કડકાઈ કરવા જતાં ઉગ્રતા આવી ન જાય ?

શિષ્યના હિત માટે કડકાઈ કરાય, ત્યારે બાહ્ય ઉગ્રતા દેખાડવી પડે. તેના વિના ભય પેદા ન થાય.

એટલું જ નહીં, કથંચિદ્ ઉગ્રતા આવી જાય, તો પણ અંતરમાં તો શિષ્યની હિતબુદ્ધિ રૂપ કરુણા જ હોવાથી તે દોષરૂપ નથી. શાસ્ત્રમાં કહ્યું છે – ‘શિષ્ય વિનય-વૈયાવચ્ચ ન કરતો હોય, તો ગુરુ કઠોર શબ્દો કહીને પરાણે પણ કરાવે.’ પછી ત્યાં જણાવ્યું છે કે ‘કઠોર શબ્દો કહીશ, તો મને દ્વેષ થશે...’ એવા ભયથી ગુરુ સારણા-વારણાદિ ન કરે, તો શિષ્યોને અવિનયી બનાવવાનો દોષ તેમના માથે આવે. ત્યાં જણાવ્યું છે કે આવા અવસરે જો દ્વેષ જાગે, તો પણ તે પ્રશસ્ત છે, મોક્ષમાં સહાયક છે – પ્રતિબંધક નથી. જેમ રાગ પ્રશસ્ત હોય છે, તેમ દ્વેષ પણ પ્રશસ્ત હોય છે – એવું ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે. એટલે ગુરુમાં કડકાઈ હોવી તો અનિવાર્ય છે, તેની સાથે આંશિક ઉગ્રતા આવે, તો તે પણ પ્રશસ્ત છે. હવે એક પ્રશ્ન કરું,

કડકાઈ જરૂર કરતાં ઓછી હોય – તે સારું ? કે જરૂર કરતાં વધુ હોય – તે સારું ?

પ્રશ્નકાર : પ્રમાણસર હોય, તો. તે તો બરાબર જ છે. પણ ગુરુ પણ છદ્મસ્થ છે. એકદમ પ્રમાણસરની કડકાઈ હોવી અત્યંત મુશ્કેલ છે. કાં થોડી વધુ હોય, કાં થોડી ઓછી હોય. તો બે માંથી શું વધારે સારું ? તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે – ‘લાકડીથી મારનારા ગુરુ સારા, જીભથી ચાટનારા ગુરુ નહીં.’ અર્થાત્ વધારે કડકાઈ સારી, વધારે વાત્સલ્ય નહીં.


અલબત્ત, વાત્સલ્ય વિનાની એકલી કડકાઈ ન જ ચાલે. તેને શિષ્યો જીરવી ન શકે... માતા-પિતા-પરિવારને છોડીને આવેલ શિષ્યને ગુરુની હૂંફ તો જોઈએ જ.વાત્સલ્ય હોય, તો શિષ્ય સમજે કે ‘ગુરુ મારા હિતમાં જ કડકાઈ કરે છે’, અને તેથી કડકાઈને પચાવી શકે. અને વાત્સલ્ય હોય – એ પૂરતું નથી, શિષ્યોને તે અનુભવાવું પણ જોઈએ. તો જ કડકાઈ જીરવી શકાય





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page