પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ?

પ્રશ્ન : પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ?
ઉત્તર :
કોઈપણ જીવને જે દુઃખ (કે સુખ) આવે છે, તેમાં તેના કર્મનો ઉદય તો કારણ બને જ છે. તેના કર્મના ઉદયે દુઃખ આવ્યું – એમ માનીને, દુઃખ આપનારને જો નિર્દોષ માનવામાં આવે, તો જગતમાં કોઈ દોષિત રહેશે જ નહીં , કોઈને પાપ બંધાશે જ નહીં. તો દુઃખ આવશે કોને ?
કોઈપણ જીવ મરે છે, ત્યારે તેનું આયુષ્ય પૂરું થવાથી જ મરે છે. (તે વિના મરે જ નહીં.) તો પછી તેને મારનારને પાપ ન લાગે – તેવું માનશો ?
હકીકતમાં, આપણી પ્રવૃત્તિથી સામેના જીવને દુઃખ પહોંચે છે કે નહીં – તે ગૌણ છે. તેને દુઃખ પહોંચાડવાના આપણા અધ્યવસાય જ પાપ બંધાવે છે.
દોરડાને સાપ માનીને તેને લાકડી મારે, તો દુઃખ કોઈને થતું નથી. છતાં લાકડી મારનારને તો સાપને મારવા જેટલું પાપ લાગે છે જ.
તંદુલીયા મત્સ્યની વાત પ્રસિદ્ધ છે. તે કોઈને મારતો નથી, મારવાનું સામર્થ્ય પણ તેનામાં નથી. છતાં, મારવાના અધ્યવસાય તેને સાતમી નરકે લઈ જાય છે.પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા પણ પ્રસિદ્ધ છે. મનમાં ને મનમાં ચાલતા યુદ્ધના વિચારોથી સાતમી નરકમાં લઈ જાય તેવાં પાપકર્મો તેમણે બાંધેલાં, યુદ્ધ તો કર્યું જ નહોતું.
ગોવાળના મનમાં પ્રભુને હેરાન કરવાનો ભાવ હતો, તેથી તેને પાપ લાગે જ.
કદાચ કોઈ દેવે આવીને પ્રભુને બચાવી લીધા હોત, પ્રભુને જરા પણ દુઃખ ન થયું હોત, તો પણ ગોવાળને તો પાપ લાગવાનું જ હતું. એમ તો ખીલા કાઢતી વખતે પ્રભુને વધુ વેદના થઇ છે. છતાં એ કાઢનારા વૈદ્યને પાપ નથી બંધાયું, પ્રકૃષ્ટ પુણ્ય બંધાયું છે, કારણકે તેના અધ્યવસાય પ્રભુને શાતા આપવાના હતા. (અને પરિણામે શાતા મળી પણ છે.)
નિગોદના જીવનું આયુષ્ય એટલું ટૂંકું છે કે નાડીના એક ધબકાર જેટલા સમયમાં સાડા સત્તર આયુષ્ય પૂરા થઇ જાય છે. તમે તેના પર પગ મૂકો કે નહીં, તેના જન્મ-મરણ ચાલ્યા જ કરે છે.
તમને લોકોને જે જાણકારી મળે છે, તેનું મનફાવતું અર્થઘટન કરીને તમે તમારું ધાર્યું કરવા માગો – તે વક્રતા છે.
આપણે ત્યાં પરિણામની રક્ષાનું ઘણું મહત્ત્વ છે.
‘શાક સુધારવું’ એમ જ બોલતાં શીખવાડાય છે, ‘કાપવું’ નહીં; કારણકે ‘કાપવું’ બોલવામાં નિષ્ઠુરતા છે. (હવે તો ‘મોબાઈલ માર’ એવું તમે બધા બોલતાં થઇ ગયા છો.) નાના હતા અને દીવાલમાં ખીલી ઠોકવા માટે દાંત ભીંસતા, તો વડીલો કહેતાં - ‘દાંત નહીં ભીંસવાના. તેમાં નિષ્ઠુરતા આવે.’ આ મારો જાત-અનુભવ છે. તેમાં જેને પીડા થવાની છે, તે તો થવાની જ છે; પણ આપણા પરિણામની રક્ષા થાય છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments