top of page

ધર્મની યોગ્યતા...

  • Apr 23
  • 2 min read

Updated: May 10


પ્રશ્ન : ધર્મ કરવાની યોગ્યતા શું ? જેના જીવનમાં તીવ્ર ક્રોધ બીજાં ભયંકર પાપો હોય, તે ધર્મ કરવા યોગ્ય ગણાય ?

ઉત્તર :

પ્રશ્ન કરનારને પૂછવાનું કે જેના જીવનમાં તીવ્ર ક્રોધ કે બીજાં પાપો છે; તે ઘટશે શી રીતે ? ધર્મ કરવાથી ? કે અધર્મ કરવાથી ?

તમારે સ્વીકારવું જ પડશે કે ધર્મ કરવાથી જ તેના કષાયાદિ પાપો ઘટી શકે.

હવે જો તેને ધર્મ માટે અયોગ્ય જ માનવામાં આવે, તો તે ધર્મ કરશે શી રીતે? અને ધર્મ નહીં કરે, તો તેનાં પાપો ઘટશે શી રીતે ?

  • કોઇના જીવનમાં રહેલ કોઇખ પાપને કારણે તેના ધર્મને જે નિંદે છે, તેને હકીકતમાં પાપની નહીં, ધર્મની એલર્જી હોય છે. ધર્મની નિંદા કરવા માટે તેઓ બહાનાં ગોતતાં હોય છે. અને એટલે પાપનું ઓઠું લઇને ધર્મને નિંદે છે.

  • અનંત કાળથી બધા જ જીવો અનંત દોષોથી ભરેલા છે... જ્યારે પણ ધર્મ કરવાની શરૂઆત કરશે, ત્યારે પણ તે દોષો તો રહેવાના જ છે... ધર્મના પ્રભાવે જ તે દોષો ઘટે છે. ધર્મની યોગ્યતા રૂપે જ દોષોના ઘટાડાને આવશ્યક માનવામાં આવે, તો કોઇ જીવ કદાપિ ધર્મને યોગ્ય બની શકે જ નહીં.

  • જે જીવને પોતાના દોષો કંઇક અંશે પણ ડંખે છે... ઘટાડવા જેવા લાગે છે... તે ધર્મ કરવાને યોગ્ય છે. ક્યારેક, દોષ ઘટાડવાની વ્યક્ત ઇચ્છા ન હોય તો પણ ભવિષ્યમાં તેવી ઇચ્છી ઊભી થશે – તેવું જણાય તો પણ ગીતાર્થ ગુરુ ભગવંતો તેને ધર્મને યોગ્ય માનીને ધર્મ કરાવે છે.

  • જે પ્રતિજ્ઞા-પચ્ચક્ખાણ કરવાનું હોય, તેના પાલનની દૃઢતા ન હોય... કે વ્યાપકપણે શાસનની હીલના થાય, તેવા લોકનિંદ્ય પાપો હોય, તેને તે ધર્મ માટે અયોગ્ય માનીને ગીતાર્થ ગુરુ ભગવંતો તે ધર્મ ન આપે... પણ તેથી બધા જ ધર્મો માટે સર્વથા અયોગ્યતા ન ગણાય...

  • પરસ્ત્રીગમન ન છોડી શકનાર વંકચૂલને પણ ધર્મ માટે યોગ્ય માનવામાં આવ્યો છે. ખાવા માટે દીક્ષા લેવા ઇચ્છતાં ભિખારીને પણ દીક્ષા માટે યોગ્ય માનવામાં આવ્યો છે.દારૂની લત ધરાવનારા સિદ્ધને પણ દીક્ષા માટે યોગ્ય માનવામાં આવ્યો છે. તો કોઇક કષાયાદિ કારણે કોઇને ધર્મ માટે સર્વથા અયોગ્ય માનવો – તે જિનશાસનમાં કદાપિ સ્વીકાર્ય ન બને.


પ્રભુ અનંત કરુણાશાળી છે. દરેક જીવના આત્મકલ્યાણને ઇચ્છે છે. દરેક જીવને તેની ભૂમિકા અનુસારની આરાધના બતાવે છે. કષાયાદિ કારણે જીવને ધર્મ માટે સર્વથા અયોગ્ય માનનારા, પ્રભુની કરુણાને બહુ જ થોડા જીવો સુધી સીમિત કરી દેવાનો ઘોર અપરાધ આચરતા નથી ? એ વિચારવા જેવું છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page