ઇચ્છા પૂરી કરવા પુણ્યજોઈએ, ખતમ કરવા નહીં...

ઇચ્છા પૂરી કરવા ઘણો પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ કર્યા પછી પણ સફળતાની ખાતરી નથી હોતી, પુણ્યનો સાથ મળે, તો સફળતા મળે છે.
ઇચ્છા ખતમ કરવા માટે પુણ્યની જરૂર તો પડતી જ નથી. અને પુરુષાર્થ બહુ થોડો કરવાનો હોય છે – જાતને સમજાવવાનો.
એક ચા બનાવવા કેટલી સામગ્રી જોઇએ ?
દૂધ, પાણી, ચા, ખાંડ, મસાલો, તપેલી, ચૂલો, ગેસ, લાઇટર, સાણસી, ગળણી, કપ-રકાબી... સત્તર વસ્તુ જોઇએ.
અમે ઇર્લામાં એક વાર પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિ. મ. ની સાથે ૩૦ જેટલા મહાત્માઓ હતા. સવારના બે મહાત્મા નવકારશી વહોરવા ગયેલા. પોણો કલાકે પાછા આવ્યા. પાતરાં ભરેલાં, પણ તરપણીઓ ખાલી – દૂધ કે ચા કંઇ નહીં. આવીને કહે – ‘આજે પાઇપલાઇનમાં ગેસ નથી’ ! કેટલીય વસ્તુ ભેગી થાય, ત્યારે ચા બને.
સભા : એ તો એક વાર ભેગી કરી દઇએ, પછી ચાલ્યા કરે.
તે પુણ્ય હોય, તો ચાલે. બાકી ખાંડનો ડબો ખોલો ને ખબર પડે કે કીડીઓ થઇ ગઇ છે. લાઇટર પણ હવાઇ જાય, અને એકે દીવાસળી ન સળગે. સાણસીની પિન ઢીલી પડી ગઇ હોય અને બે છેડા ભેગા ન થતા હોય, તો શું થાય ?
ટાઇટેનિક ડૂબી જવાનું કારણ, પતરાને જોડતી રિવેટો ખવાઇ ગયેલી – તે હતું, તેવું સંશોધકો કહે છે.
કેટલાં પાસાં સવળાં પડે, તો એક ઇચ્છા પૂરી થાય ?
ભગવાન કહે છે – આ બધી ભાંજગડ છોડ... ઇચ્છા જ છોડી દે – ‘નથી જોઇતું’... એક મિનિટમાં સુખી થઇ જઇશ.
Extract from Book Sukh Kyan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments