કિરીટભાઈ....
Updated: Nov 5

જન્મ તેમનો સ્થાનકવાસી માન્યતા ધરાવતા કુળમાં થયેલો.
છતાં પરમાત્માની (કેટલાક દિવસો માટેની) ચલ-પ્રતિષ્ઠાનો ચડાવો તેમણે ₹ ૩૬ લાખમાં લીધો. (ઇ. સ. ૨૦૧૨ માં)
ગુરુ ભગવંતે તેમને પૂછ્યું - ‘જન્મથી તો તમારી માન્યતા જુદી છે... તમને પરમાત્માની પ્રતિષ્ઠાનો આટલો ઉલ્લાસ થવો આશ્ચર્યપ્રેરક બને છે. તમારી શ્રદ્ધા બદલાઇ શી રીતે ?’
તેમણે માંડીને વાત કરી – ઇ.સ. ૧૯૯૬માં સાંતાક્રુઝ (મુંબઇ) માં પૂ. રત્નસુંદરસૂ. મ. ની આચાર્યપદવી પ્રસંગે, તેઓએ લખેલાં પુસ્તકોનું રંગોળી-પ્રદર્શન હતું. કોઇકના દ્વારા એ જોવા જેવું હોવાનું સાંભળીને જોવા ગયો... ત્યારથી પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યો... શ્રદ્ધા મૂર્તિપૂજક માન્યતાની બની...
નામ એમનું કિરીટભાઈ.
દાદર આરાધના ભવન સંઘના તેઓ વર્ષો સુધી પ્રમુખ રહ્યા. સંઘના દરેક કાર્યમાં દાતાઓની નામાવલીમાં સૌ પ્રથમ નામ તેમનું રહેતું. છેલ્લે નૂતન આરાધના ભવનમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ આઠ આંકડાની રકમમાં લીધો !
થોડા સમય પૂર્વે તેઓ સ્વર્ગસ્થ થયા.
એક રંગોળી-પ્રદર્શન પણ, એક વ્યક્તિની શ્રદ્ધાને પરિવર્તન કરીને જિનશાસનને એક સંપન્ન-ઉદાર દાતાની ભેટ આપી શકે છે... શાસનના અનેક કાર્યોમાં મૂળ બીજ બની શકે છે !
જિનશાસનનું પ્રત્યેક અનુષ્ઠાન, આવું સામર્થ્ય ધરાવે છે ! એ વાત આ ઘટના આપણને જણાવે છે.
આજે એવું બને છે કે કોઇક અનુષ્ઠાનમાં અવિવેક વગેરે કારણે કંઇક અનુચિત થાય, તો તેને highlight/enlarge કરીને અનુષ્ઠાનને જ વખોડી દેવામાં આવે છે. અને તે ય એટલે સુધી કે ‘કોઇએ ક્યાંય કોઇ અનુષ્ઠાન કરવા/કરાવવા જ ન જોઇએ’ – એવો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે.
ત્યારે એ સમજવું જરૂરી છે કે વિશિષ્ટ જ્ઞાન-પરિણતિ-વિવેક ન ધરાવતા જીવો માટે, ઉચિત અનુષ્ઠાનો અને આડંબર જિનશાસન સાથે જોડવાના સશક્ત અને કદાચ એકમાત્ર માધ્યમ છે...
તેને જો સર્વથા અટકાવી દેવામાં આવશે, તો કેટલાય જીવો જિનશાસન પામવાથી વંચિત રહી જશે.
એટલે, કોઇ અનુષ્ઠાનમાં કંઇક અનુચિત થાય, તો તે અનુચિતને દૂર કરવાનો, તેવું ફરી ન થાય તેની સાવધગીરી રાખવાનો ઉપદેશ કરી શકાય... અનુષ્ઠાનને સર્વથા વખોડી ન શકાય... અનુષ્ઠાનનો વિરોધ તો શાસનની સેવા નહીં, શાસનના લોપની પ્રવૃત્તિ બને...
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments