શાસ્ત્રવચનોમાં વિરોધ...
- 5 hours ago
- 9 min read

શાસ્ત્રવચનોના તાત્પર્ય સુધી પહોંચવા માટે, પદાર્થ-વાક્યાર્થાદિ ક્રમે ઊહાપોહ જરૂરી છે.
અન્ય શાસ્ત્રવચનો સાથે વિરોધનું ઉદ્ભાવન – એ જ વાક્યાર્થ છે.
જે વ્યક્તિ, તેવો ઊહાપોહ કરીને વિરોધનું ઉદ્ભાવન જ ન કરે, એક શાસ્ત્રવચનને સર્વથા-સર્વદા-સર્વત્ર પ્રમાણ માની લે, તે ‘પદાર્થ’માં જ અટકી જાય છે, તેને શ્રુતજ્ઞાન જ થાય છે, ચિંતા-ભાવના જ્ઞાન થતાં નથી – એમ ઉપદેશ-રહસ્યાદિ ગ્રંથોમાં કહ્યું છે.
વિરોધનું ઉદ્ભાવન કર્યા પછી, મહાવાક્યાર્થ સુધી શી રીતે પહોંચાય ? તે વિશે યત્કિંચિત્ વિચારણા કરીએ.
ચરણકરણાનુયોગ
સમન્વય
તે બે શાસ્ત્રવચનો વચ્ચે પરસ્પર વિરોધ છે જ નહીં – તેવું સ્થાપિત કરવું.
એ બે રીતે થઇ શકે 🡺
A. કોઇ એક શાસ્ત્રવચન અથવા કોઇ એક શબ્દનો લક્ષણાર્થ કરવો.
જેમ કે ‘હિંસા ન કરવી’ અને ‘પુષ્પાદિથી જિનપૂજા કરવી’ આ બે શાસ્ત્રવચનોના દેખીતા વિરોધનો સમન્વય, ‘હિંસા ન કરવી’ વાક્યમાંના ‘હિંસા’ શબ્દનો અર્થ અનુબંધહિંસા કરીને કરાય છે. પુષ્પાદિથી જિનપૂજા કરવામાં અનુબંધહિંસા ન હોવાથી, બે વચનો વચ્ચે વિરોધ રહેતો જ નથી.
B. બે વચન જુદા જુદા સંયોગોમાં – જુદી જુદી વ્યક્તિને લાગુ પડે છે, તેવું સિદ્ધ કરવું.
જેમ કે સામાચારી પ્રકરણમાં શાસ્ત્રવચન છે કે ચારિત્રાચારના પાલન પૂર્વક જ જ્ઞાનનું ઉપાર્જન કરાય. બીજી બાજુ દર્શન-પ્રભાવક શાસ્ત્રો ભણવા માટે જરૂર પડે તો ચારિત્રાચારમાં છૂટ લેવાની વાત પણ છેદગ્રંથોમાં છે.
આનો સમન્વય આ રીતે કરી શકાય – સામાચારી પ્રકરણનું વિધાન, વિશિષ્ટ પુણ્ય-પ્રતિભા વગેરે શક્તિથી રહિત એવા સાધુને લાગુ પડે છે, જેણે સ્વ-કલ્યાણ જ કરવાનું છે. (તે ભણીને પર-કલ્યાણ કરી શકે, તેવું સામર્થ્ય જ નથી. તો ભણવા માટે આચાર શા માટે છોડવા ?)
છેદગ્રંથોનું વિધાન, વિશિષ્ટ શક્તિસંપન્ન સાધુને લાગુ પડે છે. તે ભણવા દ્વારા સ્વ-પરની દર્શન વિશુદ્ધિ, શાસન-પ્રભાવના વગેરે અનેક પરોપકારો કરીને ઘણો લાભ મેળવી શકે છે. (અને ગીતાર્થ-પરિણત હોવાથી જયણાપૂર્વક અપવાદ સેવે, ત્યારે પરિણતિની રક્ષા કરી શકે છે.)
વિરોધનો સ્વીકાર
તે બે શાસ્ત્રવચનોના અર્થમાં વિરોધ છે જ – તે સ્વીકારી લેવું. છતાં તે બંને વચનો જિનશાસનમાં સ્વીકાર્ય છે – તેવું સિદ્ધ કરવું. તે પણ બે રીતે થઇ શકે 🡺
A. ભિન્ન સામાચારી રૂપે સ્વીકારવું.
જુદા જુદા ક્ષેત્રમાં વિચરનારા ગચ્છોમાં, જુદા જુદા સ્થળે થયેલા ગીતાર્થોએ તત્કાલીન પરિસ્થિતિના આધારે જે નિર્ણયો કર્યા હોય, જે આચારો પ્રવર્તાવ્યા હોય, તેમાં ભેદ સંભવે છે.
જેમ કે બાવીસ તીર્થંકરના સાધુઓ અને પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુઓ વચ્ચે આચાર-ભેદ છે જ.
ટમેટાં વગેરે દ્રવ્યોની ભક્ષ્યતા-અભક્ષ્યતા આદિ અનેક આચારોમાં ભેદ દેખાય છે. તેને ભિન્ન સામાચારી રૂપે સ્વીકારવા જરૂરી છે.
B. મતાંતર રૂપે સ્વીકારવું.
મોઢે ચાલતાં સૂત્રોમાં વિસ્મરણાદિ કારણે થયેલા પાઠ-પરાવર્તન, લહિયાઓની ભૂલના કારણે ઘૂસી ગયેલી અશુદ્ધિઓ.. વગેરે કારણે પાઠોમાં ભેદ પડે છે. પોત-પોતાની ગુરુપરંપરાથી થતાં અર્થઘટનોમાં પણ ભેદ પડે છે.
મતાંતર અને ભિન્ન-સામાચારી વચ્ચે સૂક્ષ્મ ભેદ છે.
Ø તત્કાલીન-તત્ક્ષેત્રીય નિર્ણયોથી ભિન્ન સામાચારી ઊભી થાય છે.
Ø પાઠભેદ-અર્થઘટનભેદથી મતાંતર ઊભો થાય છે.
ક્યારેક આ સૂક્ષ્મ ભેદને નજરઅંદાજ કરીને, મતાંતરને પણ ભિન્ન સામાચારીમાં ખપાવી દેવાય છે.
ભિન્ન સામાચારી હોય, ત્યાં બંને તુલ્યરૂપે સ્વીકાર્ય હોય છે.
મતાંતર હોય, ત્યાં હકીકતમાં એક પાઠ અશુદ્ધ હોવાથી અથવા એક અર્થઘટન ભૂલભરેલું હોવાથી કોઈ એક મત સ્વીકાર્ય નથી હોતો. પણ તેનો નિર્ણય અતિશય જ્ઞાની વિના મુશ્કેલ હોય છે. ક્યારેક કોઇ જ્ઞાની સત્યનો નિર્ણય કરે, તો પણ વિશિષ્ટ પુણ્ય વિના તે બધાને સ્વીકાર્ય નથી બનતો, સહુને પોતપોતાના મતનો આગ્રહ આવી જાય છે.
क्षये पूर्वा ના અર્થઘટનભેદથી ઊભો થયેલો તિથિભેદ, એ આનું દૃષ્ટાંત છે.
પ્રશ્ન : બંને અર્થઘટન સાચાં હોય, તેવું શક્ય ન બને ?
બે પદાર્થો પરસ્પર વિરોધી ન હોય, તો જ તે શક્ય બને. એટલે ત્યાં વિરોધ હોતો જ નથી.
સામાચારી એ સ્યાદ્વાદનું ભૂષણ છે, ગીતાર્થતાની નીપજ છે.
મતાંતરને સ્યાદ્વાદનું ભૂષણ ન કહી શકાય, તે અજ્ઞાનની નીપજ છે. મોટે ભાગે સંઘર્ષ-સંક્લેશનું કારણ બને છે.
છતાં, અતિશય જ્ઞાનીની ગેરહાજરીમાં મતાંતરો અનિવાર્ય છે – એ સ્વીકારવું રહ્યું.
અશુદ્ધિનો નિર્ણય
બેમાંથી એક જ વચન/અભિપ્રાય/પાઠ/અર્થઘટન સાચું છે, બીજું ખોટું જ છે, જિનશાસનને અમાન્ય છે – તેવો નિર્ણય.
આ નિર્ણય કરવાનો અધિકાર શાસ્ત્રાભ્યાસ-અનુભવ આદિથી પરિપક્વ જ્ઞાન ધરાવતા ગીતાર્થને જ હોય છે. પણ તે હોય છે, તેવું માનવું તો પડે જ, કારણકે 🡺
‘૧૦ પૂર્વધર પછીના ગ્રંથકારોએ રચેલું શ્રુત નિર્વિકલ્પ પ્રમાણ નથી’ એમ શાસ્ત્રમાં જ કહ્યું છે.
કયા આધારો પર અશુદ્ધિનો નિર્ણય થાય ?
A. લગભગ સર્વમાન્ય, સર્વ શાસ્ત્રોમાં વ્યક્ત થયેલા અભિપ્રાયથી જુદો અભિપ્રાય કોઇક એકાદ સ્થળે જોવા મળ્યો હોય.
B. જે ગ્રંથના રચનાકાર અજ્ઞાત હોય, જે ગ્રંથકારની બહુશ્રુતતા કે સંવિગ્નતા પર પ્રશ્નાર્થ હોય.
C. સ્વેષ્ટ માન્યતાના સમર્થન માટે (ઉત્સૂત્રવાદી) પરપક્ષીઓએ પાઠમાં ભેળસેળ કરી હોવાનું જણાતું હોય.
જેમ કે ચોમાસીનું જ પૂનમમાંથી ચૌદશમાં પરાવર્તન થયું હોવા છતાં, પક્ખીનું પરાવર્તન થયું હોવાનું વિધાન. (જે પાઠ પૂનમિયા ગચ્છવાળાએ પ્રક્ષિપ્ત કર્યો છે.)
D. ચરિતાનુવાદમાં ક્યાંય ન જોવા મળતા, વર્તમાન વ્યવહારમાં પણ અપ્રસિદ્ધ એવા કોઇ કાર્યનું ક્યાંક જ વિધાન હોય.
E. જે કાર્ય અનુબંધમાં રાગ-દ્વેષ વધારનારું જ છે, ઘટાડનારું નથી જ, એનો નિર્ણય સુદૃઢ રીતે થઇ જતો હોય – તેવા કાર્યનું વિધાન હોય.
F. શાસન-સ્થાપના પછી સેંકડો વર્ષ સુધીના ગ્રંથોમાં ન દેખાતા કોઇ કાર્યનું વિધાન પાછળના કેટલાક વર્ષોના ગ્રંથોમાં જ મળતું હોય, અને તેથી એવો નિર્ણય થતો હોય કે ચૈત્યવાદી વગેરે શિથિલાચારીઓએ પોતાના શિથિલાચરણના બચાવ માટે આ વિધાનો ઉમેર્યા છે, અને પછી તેનું વગર વિચારે અનુસરણ થયું છે.
જેમ કે ગુરુની અંગપૂજાનાં ક્વચિત્ મળતાં વિધાનો.
આવાં અન્ય પણ કારણો, અશુદ્ધિનો નિર્ણય કરવા માટેના સંભવે છે.
આવી અશુદ્ધિનો નિર્ણય કરીને જે સંઘ સમક્ષ રજૂ કરે, તે ઉત્સૂત્રના નિર્મૂલન દ્વારા સંઘની મહાન્ સેવા કરે છે, તીર્થરક્ષાનું સર્વોત્કૃષ્ટ કાર્ય કરે છે.
દ્રવ્યાનુયોગ
વિવક્ષા માનવી
હકીકતમાં પદાર્થ એક જ છે, બીજા ગ્રંથકારની વિવક્ષા જુદી હોવાથી તેનો ઉલ્લેખ નથી, તેમ માનવું.
જેમ કે વિભંગજ્ઞાન પૂર્વે નિરાકારોપયોગ રૂપ અવધિદર્શન હોય તો ખરું જ; પણ કેટલાક ગ્રંથોમાં તેની વિવક્ષા નથી, અર્થાત્ ગ્રંથકારે કહ્યું નથી. (વિવક્ષા = કહેવાની ઇચ્છા.)
જ્યારે એક પદાર્થ સિદ્ધાંત રૂપે સુનિશ્ચિત હોય, ત્યારે તેનાથી ભિન્ન એવી કોઈ વાત જોવા મળે, તેને વિવક્ષા રૂપે માની શકાય.
મતાંતર માનવો
હકીકતમાં તો એક જ પદાર્થ સત્ય હોય, પણ કયો ? તેનો નિર્ણય કરી ન શકાય, ત્યારે જ્યાં સુધી તેનો નિર્ણય ન જ થાય, ત્યાં સુધી બંને મત ઊભા રાખવા પડે.
જેમ કે કેવલી ભગવંતને ક્રમશઃ-યુગપદ્ ઉપયોગ, અનેક વિષયોમાં કાર્મગ્રંથિક/સૈદ્ધાંતિક મતાંતરો.
જ્યારે બંને અભિપ્રાયને કહેનારા પ્રમાણભૂત બહુશ્રુત ગીતાર્થ હોય, વિવક્ષા- વિશેષ માનીને સમન્વય શક્ય ન હોય, ત્યારે મતાંતર જ માનવો પડે.
અશુદ્ધિ માનવી
એક શાસ્ત્રવચન/અર્થઘટન સાચું માનીને, બીજાને ખોટું માનવું.
આનો નિર્ણય કોણ ? કેવી રીતે ? કરી શકે, તે વિષય, ચરણકરણાનુયોગમાં વિસ્તૃત જણાવ્યો છે; તે યથાસંભવ અહીં સમજી લેવો.
ધર્મકથાનુયોગ
ધન્ના-શાલિભદ્ર મોક્ષમાં ગયા – તેવું વચન પણ છે, સર્વાર્થસિદ્ધમાં ગયા – તેવું પણ વચન છે.
આ વિષયમાં નિર્ણય કરવા માટે લગભગ કોઇ જ પરિબળ મળતું ન હોવાથી, તેને મતાંતર જ માનવો પડે છે.
આવી ઘટનાઓ ધર્મકથાનુયોગમાં અનલ્પ છે.
એ ધ્યાનમાં રાખવું કે ધર્મકથાનુયોગમાં સંવિગ્ન-ગીતાર્થે કરેલી દેશનાનું વર્ણન હોય, તો તે દેશનાની અંતર્ગત આવતાં વચનો ચરણકરણાનુયોગના વચનરૂપ જ ગણાય, ધર્મકથાનુયોગ માત્ર નહીં.
દ્રવ્યાનુયોગ V/S ચરણકરણાનુયોગ
દ્રવ્યાનુયોગમાં મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી ગુણોની પ્રાપ્તિ બતાવી છે, અને મોહનીય કર્મના ક્ષયોપશમનાં કારણો બતાવ્યા છે.
ચરણકરણાનુયોગમાં એવું કાર્ય કરવાનું વિધાન હોય, કે જેનાથી મોહનીય કર્મનો ક્ષયોપશમ થતો જ ન હોય (યાવદ્ બંધ પણ થતો હોય), (તેથી ગુણપ્રાપ્તિ-દોષનાશ પણ ન થતો હોય) તો શું કરવું ?
તો સ્વાભાવિક છે કે દ્રવ્યાનુયોગનું વચન પ્રમાણભૂત છે, કારણકે તે સિદ્ધાંત છે. (સમગ્ર દ્રવ્યાનુયોગ, સિદ્ધાંતરૂપ જ છે.) તેનાથી વિરુદ્ધ જતા ચરણકરણાનુયોગના વચનની લક્ષણા કરીને બદલવો પડે, અથવા તો તેને અશુદ્ધિ માનવી પડે.
રાગ-દ્વેષનો નાશ નહીં કરનાર એવું ધ્યાન બતાવનાર ધર્મ, કષ પરીક્ષામાં અશુદ્ધ નિર્ણીત થાય છે – તેવું શાસ્ત્રવચન એ જ જણાવે છે ને ?
(અલબત્ત, ક્વચિત્ એવું પણ સંભવે કે નિર્વિકલ્પ પ્રમાણ એવા કેવલીના ચરણકરણાનુયોગના વચનાનુસારે, દ્રવ્યાનુયોગના પદાર્થનો નિર્ણય કરવામાં આવે.)
દ્રવ્યાનુયોગ કે ચરણકરણાનુયોગ V/S ધર્મકથાનુયોગ
આના ઊંડાણમાં જવા માટે, ધર્મકથાનુયોગ (એટલે કે થઇ ગયેલ ઘટનાનાં વર્ણનો)નાં વચનોના બે વિભાગ પાડવા પડે🡺
A. ‘કોઇકે કર્યું’.. એવું વિધાન.
B. ‘કાંઇક થયું’.. એવું વિધાન.
આમાં બીજા પ્રકારનું વિધાન સામાન્યથી તો નિર્વિકલ્પે પ્રમાણ બને. જે થયું છે, તે થયું છે. તે ન થઇ શકે, તેવું કેમ મનાય ?
તદનુસારે દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો નિર્ણીત થાય. જો દ્રવ્યાનુયોગનાં વચનો તેનાથી વિરુદ્ધ જતા હોય, તો તે વિધાનો બહુલતાએ છે, આપવાદિક રૂપે અન્યથા બની શકે.. વિગેરે રૂપે સમન્વય થાય.
જેમ કે દ્રવ્યાનુયોગનાં વચનો, ચોથા ગુણસ્થાનકે મનુષ્યગતિમાં સ્ત્રીવેદે જન્મનો નિષેધ કરે છે. પણ બ્રાહ્મી-સુંદરી વગેરેનો થયો છે – તેવું ધર્મકથાનુયોગનું વચન છે. તો અપવાદે તેવું થઇ શકે – તેવું માનવું પડે. દ્રવ્યાનુયોગનું વચન બહુલતાએ માનવું પડે, નિયમરૂપ નહીં.
બીજા પ્રકારનાં વિધાન સાથે ચરણકરણાનુયોગના વચનનો વિરોધ આવે, તો તેમાં લક્ષણા વિગેરે કરીને પણ ધર્મકથાનુયોગમાં જેનું વર્ણન છે, તે ઘટના સિદ્ધ કરવી પડે, તેને અપ્રમાણ ન મનાય.
જેમ કે દેવલોકની ઇચ્છાથી અવંતિ સુકુમાલે અને ખાવાની ઇચ્છાથી સંપ્રતિના જીવે ચારિત્ર લીધું, તે તેમના આત્માને હિતકર બન્યું જ છે. તો ઇહલૌકિક-પારલૌકિક આશંસાથી કરેલો ધર્મ પણ આત્મહિતકર બની શકે – એવું માનવું જ પડે. કોઇ શાસ્ત્રવચન તેને વિરોધી મળે, તો તેમાં જે ઇહ-પરલૌકિક અપેક્ષા જણાવી, તે અબાધ્ય કક્ષાની હોય, તેવો લક્ષણાર્થ કરવો પડે, કરાયો છે.
હા, કોઇ કથાગ્રંથનાં ઘણાં વિધાનો આવાં મળવાથી તે ગ્રંથના રચયિતાની બહુશ્રુતતા કે સંવિગ્નતા પર જ પ્રશ્નાર્થ હોય, ગ્રંથકાર જ અનિર્ણીત હોય; તો પછી તે વચનને અપ્રમાણ માનવામાં આવે – તે જુદી વાત છે.
હવે પહેલા પ્રકારનું વિધાન (‘કોઇકે કર્યું’) વિચારીએ.
તેનો પણ જો દ્રવ્યાનુયોગના વચન સાથે વિરોધ થાય, તો દ્રવ્યાનુયોગનું વચન બહુલતાએ માનીને, ધર્મકથાનુયોગમાં બતાવેલ ઘટના આપવાદિક માનીને પણ સમન્વય કરવો પડે. જે કર્યું છે, તે કરી શકાતું હોય, તો જ થાય ને ?
જેમ કે, ધર્મકથાનુયોગમાં આવે છે કે ‘ચમરેન્દ્ર સૌધર્મ દેવલોક સુધી ગયા.’ હવે દ્રવ્યાનુયોગનાં વચન મુજબ તેમનું સામર્થ્ય મેરુશિખર સુધી જવાનું જ છે. છતાં જો ધર્મકથાનુયોગમાં વચન છે કે ‘ગયા’, તો પછી અપવાદે તેવું સામર્થ્ય માનવું પડે.
‘કોઇકે કર્યું’ એ ઘટનાનો ચરણકરણાનુયોગના વચન સાથે વિરોધ આવે, (અર્થાત્ ચરણકરણાનુયોગમાં તેનો નિષેધ હોય) તો કોણે કર્યું ? તે વિચારવાનું રહે.
A. અજ્ઞાની કે અસંવિગ્નએ જે આચર્યું હોય, તે તો પ્રમાણભૂત બનતું જ નથી, એટલે ત્યાં ચરણકરણાનુયોગ જ પ્રમાણ ગણાય, ધર્મકથાનુયોગ નહીં.
B. જ્ઞાનીનાં આચરણ અનેક પ્રકારના હોય 🡺
a. ઔત્સર્ગિક
b. આપવાદિક
c. પ્રામાદિક.
આમાં પ્રામાદિક સિવાયના આચરણ પ્રમાણભૂત બને છે. શાસ્ત્રમાં સંવિગ્નોની આચરણા પ્રમાણભૂત ગણાઇ છે જ.
Ø ઔત્સર્ગિક આચરણ, સર્વ ક્ષેત્ર-કાળ-સંયોગમાં પ્રમાણ બને.
Ø આપવાદિક આચરણ, તે અપવાદનાં કારણો વિદ્યમાન હોય, તેવા સંયોગોમાં પ્રમાણ બને.
વીતરાગને પ્રામાદિક આચરણ સંભવતું નથી.
અન્યોના આચરણમાં પ્રામાદિક કયું ? અને ઔત્સર્ગિક-આપવાદિક કયું? તેનો નિર્ણય કરવો જરૂરી બને.
પ્રામાદિક હોવાનો નિર્ણય કરવા માટે આટલાં કારણો હોઇ શકે 🡺
A. અન્ય જ્ઞાનીએ, તે આચરણ પ્રમાદ રૂપ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય.
જેમ કે 🡺
Ø પ્રભુ વીરે કુલપતિને ભેટવા માટે હાથ પહોળા કર્યા..
Ø ભદ્રબાહુ સ્વામીએ સાધુઓને પૂર્વ ભણાવવાનો નિષેધ કર્યો..
Ø સિદ્ધસેન દિવાકર સૂરિ દ્વારા પાલખીનો ઉપયોગ..
B. જેનાં અશુભ ફળ બતાવવા દ્વારા તે પ્રમાદ રૂપ હોવાનો ઉલ્લેખ થયો હોય.
જેમ કે 🡺
Ø સંભૂતિ મુનિએ કરેલું નિયાણું..
Ø કુવલયપ્રભસૂરિ (સાવદ્યાચાર્ય)ની ઘટના..
અન્ય જ્ઞાનીઓએ તેમાં અસ્વરસ પ્રગટ કર્યો હોય, અવસર પ્રાપ્ત થવા છતાં તેનું અનુસરણ/અનુમોદના ટાળી હોય.
જ્ઞાનીનું આચરણ પ્રામાદિક નથી જ, એવો નિર્ણય કરવા માટે આટલા પરિબળ હોઇ શકે 🡺
A. જેને અન્ય સંવિગ્નો અનુસર્યા હોય.
જેમ કે કાલિકાચાર્યનું સંવત્સરી-પરાવર્તન.
B. જેની અન્ય જ્ઞાનીએ અનુમોદના કરી હોય. જેમ કે 🡺
Ø વજ્રસ્વામીનું વિમાન-ગમન (તેવા વિશિષ્ટ સંયોગોમાં જ પ્રમાણભૂત બનનારું તે આપવાદિક કૃત્ય હતું)..
Ø કાલિકાચાર્યનું (ગર્દભિલ્લના પરાજય માટે) વિદેશગમન..
C. અવસર આવવા છતાં, તત્કાલીન કે તરતના પશ્ચાત્કાલીન જ્ઞાનીઓએ તેનો વિરોધ ન કર્યો હોય.
(ઘણાં કાળ પછી વિરોધ ન થવાનું કારણ, ચિરરૂઢ થઇ ગયેલ માન્યતાનો વિરોધ ન કરવાનું શાસ્ત્રવચન, સંઘભેદનો ભય વગેરે હોવાનો સંભવિત છે. એટલે ઘણા કાળ પછીના અવિરોધથી કોઇ આચરણની અપ્રામાદિકતા સિદ્ધ ન પણ થાય.)
ક્યારેક એવું પણ બને છે કે રાજાભિયોગ, ગણાભિયોગ, ગુર્વભિયોગ વગેરે કારણે જ્ઞાનીએ અસ્વરસપૂર્વક કંઇક આચર્યું હોય. તે પ્રમાદ તો નથી જ. આમ તો તેને આપવાદિક માની શકાય, કારણકે તેવા અભિયોગ, અપવાદાચરણ માટેના સબળ કારણ છે જ.
પણ તેવા આપવાદિક આચરણ બીજાને અનુસરણીય બનવા રૂપ પ્રમાણભૂત બનતા નથી, સિવાય કે તેમના પર તેવો જ અભિયોગ થાય.
ભક્તવર્ગાદિના આગ્રહને કારણે દાક્ષિણ્યથી કંઇક કરાય, તો વાસ્તવિક રીતે તે પ્રમાદ જ છે, એટલે તે પ્રમાણભૂત બનતું નથી.
સંઘભેદને રોકવા માટે જ્ઞાનીએ અસ્વરસથી કંઇક આચર્યું હોય, તો તે પ્રમાદ નથી, અપવાદ છે. અને જ્યાં સુધી સંઘભેદ થતો રોકવા માટે તે જરૂરી હોય, ત્યાં સુધી તે અપવાદનું કારણ વિદ્યમાન હોવાથી પ્રમાણભૂત આચરણા જ છે.
પ્રમાણભૂત બનતી આચરણામાં કઇ ઔત્સર્ગિક ? કઇ આપવાદિક ? તે એક વિશેષ વિચારણાનો વિષય બને. અહીં માત્ર પ્રમાણભૂતતાનો નિર્ણય જ અપેક્ષિત હોવાથી, તે વિશેષ વિચારણા કરી નથી. છતાં સામાન્ય નિર્દેશ આ મુજબ છે.
A. કારણે કરાયેલી આચરણા પણ વ્યાપક સ્તરે અનુસરાય, ત્યારે ઔત્સર્ગિક જેવી બને છે.
જેમ કે ભાદરવા સુદ ચોથની સંવત્સરી, પ્રતિક્રમણના વિધિમાં વધારા, ગોચરી-પદ્ધતિ વગેરે.
આમાં પણ બે પ્રકાર પડશે 🡺
a. ફરજીયાત બનેલ આચરણા. જેમ કે દેવસિ પ્રતિક્રમણના અંતે લઘુ શાંતિનું પઠન વગેરે. એ ન કરવામાં પ્રાયશ્ચિત્ત છે.
b. મરજીયાત આચરણા. જેમ કે ઝોળીમાં બે થી વધુ પાતરા રાખવા. તે ન રાખનારને પ્રાયશ્ચિત્ત નથી. છતાં રાખનારને પણ પ્રાયશ્ચિત્ત અપાતું ન હોવાથી, તે ઔત્સર્ગિક-તુલ્ય છે.
B. જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ જ નથી, તેનો નિર્ણય કરવાનો અવસર આવવાથી ગીતાર્થો જે કરે, તે ઔત્સર્ગિક બને છે.
જેમ કે કૃત્રિમ ઉત્પન્ન કરાયેલ વીજળીના ઉપયોગનું વર્જન..
તે ફરજીયાત બને છે, તેના ભંગમાં પ્રાયશ્ચિત્ત હોય છે.
C. ક્ષેત્ર-કાળ-સંયોગ વિશેષમાં જ જે આચરાય, તે આપવાદિક બને છે.
તેમાં પણ બે ભેદ પડે છે 🡺
a. જે ફરજીયાત હોય છે, ન કરવામાં પ્રાયશ્ચિત્ત હોય છે.
જેમ કે સંવિગ્ન સાધુઓ દ્વારા પીળાં વસ્ત્રો પહેરવા, શત્રુંજયની યાત્રા પર પ્રતિબંધ વગેરે.
જે મરજીયાત હોય છે. સત્ત્વશાળી તેનો આશ્રય ન કરે, તો પ્રાયશ્ચિત્ત નથી હોતું, ઊલ્ટું અનુમોદનીય હોય છે. છતાં, તેના આચરણમાં પણ પ્રાયશ્ચિત્ત નથી હોતું. (અજયણાનું પ્રાયશ્ચિત્ત હોય.)
આ બધી વિચારણા, પૂર્વાચાર્યોએ જે કર્યું હોય, તેના વિશે થઇ.
શ્રાવકોએ જે કર્યું હોય, તે પ્રમાણ ન જ બને, તેવું નથી.
શાસ્ત્રોમાં સૂર્યાભ દેવ અને દ્રૌપદીના દૃષ્ટાંતથી જિનપૂજા વગેરે કાર્યો સિદ્ધ કરેલા છે જ. (અલબત્ત, તે ચરણકરણાનુયોગના વિરોધી નથી, કારણકે ચરણકરણાનુયોગના ગ્રંથોમાં તેનાં વિધાન છે જ. પણ ટીકા વગેરે વિના, માત્ર મૂળ આગમોનો જ વિચાર કરવાનો હોય, તો તેમાં અગિયાર અંગમાં ‘શ્રાવકે જિનપૂજા કરવી જોઇએ’ એવાં વિધાનો બહુ જ અલ્પ મળે છે. (કારણકે મૂળ આગમોમાં શ્રાવકો માટેનાં વિધાનો જ અલ્પ છે.) એટલે મૂળ આગમનાં વચનોથી જ જિનપૂજાની સિદ્ધિ કરવી હોય, તો શ્રાવકોએ કરી હોવાની ઘટનાના વર્ણનનો આધાર લેવાય છે.)
એટલે, શ્રાવકોની આચરણાથી કશું સિદ્ધ ન થાય, તેવું નથી જ.
તેનો અર્થ એવો પણ નથી કે શ્રાવકોએ જે કર્યું હોય, તે બધું જ પ્રમાણભૂત સિદ્ધ થાય.
Ø આનંદ-કામદેવ વગેરે પાસે કરોડોની સંપત્તિ હતી – તેનું વર્ણન આવે છે. તેથી કંઇ ‘શ્રાવકે કરોડોનો પરિગ્રહ કરવો જોઇએ’ તેવું સિદ્ધ ન જ થાય.
Ø શાલિભદ્રને ૩૨ પત્ની હતી – તેનું વર્ણન છે. તેનાથી કંઇ ‘શ્રાવકે ઘણી પત્ની કરવી જોઇએ’ તેવું સિદ્ધ ન જ થાય.
(કેટલાક લોકો, આનંદ-કામદેવના પરિગ્રહમાં પશુઓનું વર્ણન હોવાથી ‘શ્રાવકોએ પશુપાલન કરવું જોઇએ’ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તે સર્વથા અનુચિત છે. કારણકે તે રીતે તો બહુપત્નીત્વ પણ ઉપાદેય સિદ્ધ થશે. અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં, શ્રાવકને પશુપાલનનો નિષેધ કરેલો છે.)
તો પ્રશ્ન થાય કે શ્રાવકે શું કર્યું હોય, તે પ્રમાણભૂત સિદ્ધ થાય ? શું કર્યું હોય, તે પ્રમાણભૂત સિદ્ધ ન થાય ?
તેનો ઉત્તર આ મુજબ 🡺
A. શ્રાવકે કરેલા સાંસારિક કાર્યો તો પ્રમાણભૂત સિદ્ધ ન જ થાય. સંસાર તો ત્યાગવાનો જ છે.
હા, જે સંસારમાં રહ્યા જ છે, તેને કેટલાક કાર્યો અનિવાર્યપણે કરવા પડે. જેમ કે ઘર ચલાવવા જેટલી સંપત્તિ કમાવી-રાખવી પડે.. સંતાનો હોય, તો તેમને ઠેકાણે પાડવા પડે.. વગેરે..
પણ તેમાં શક્ય તેટલી જયણા (અલ્પતા) જ ઉપાદેય છે. તેથી તે કાર્ય અનિવાર્ય ફરજ રૂપે સિદ્ધ કરવા કોઇ શ્રાવકે કર્યાનું ઉદાહરણ લેવાય, તે વાત જુદી. પણ ઉત્સાહથી-ઉલ્લાસથી-સામે ચડીને કરવા યોગ્ય રૂપે તો સિદ્ધ ન જ થાય.
B. શ્રાવકે સાંસારિક કાર્યોમાં જે ઉચિત જયણાનું પાલન કર્યું હોય, તે પ્રમાણભૂત સિદ્ધ થઇ શકે, જો શ્રાવક વિવેકવંત હોય, તો.
C. શ્રાવકે ધર્મ માનીને જે કાર્ય કર્યું હોય, તે પણ પ્રમાણભૂત સિદ્ધ થઇ શકે, જો શ્રાવક વિવેકવંત હોય, તો.
D. સંવિગ્ન-ગીતાર્થ એવા શાસ્ત્રકારે શ્રાવકના જે કાર્યને વખાણ્યું હોય, તેનાં શુભ ફળ બતાવ્યા હોય.. તે તો પ્રમાણભૂત સિદ્ધ થાય જ, તેમાં કોઇ પ્રશ્ન જ નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments