top of page

સમિતિ-ગુપ્તિ...

  • Jul 6
  • 5 min read
An illustration explaining the different perspectives of Naya in Jainism as taught by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


  • समितिगुप्तीनां महाव्रतरूपत्वेन.. (ઉપદેશ પદ – ૬૦૨ ટીકા)

પ્રશ્ન : મહાવ્રતો મૂળગુણ રૂપ છે, સમિતિ-ગુપ્તિ તો ઉત્તરગુણરૂપ છે. તો સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ શી રીતે કહેવાય ?

ઉત્તર : આનું સમાધાન આવું સંભવે છે 🡺

મહાવ્રતો બધા અભાવ રૂપ છે – ત્યાગ રૂપ છે.. 

હિંસાનો ત્યાગ, મૃષાનો ત્યાગ.. યાવત્ પરિગ્રહનો ત્યાગ.

ત્યાગની પરિણતિ હોઈ શકે. અને એ પરિણતિ જ મહાવ્રત છે – મન-વચન-કાયાથી હિંસાદિ કરવા-કરાવવા-અનુમોદવા

નહીં. ત્યાગની પ્રવૃત્તિ શું હોય ? 

પાસે હોય, તે પરિગ્રહ છોડી દેવા રૂપ પ્રવૃત્તિ એકાદવાર થાય, યાવજ્જીવ શું થાય ?

કશું નહીં.

પણ, જેનો ત્યાગ કર્યો છે, તે અનાભોગાદિથી પણ ન થઇ જાય, તેના માટે પ્રવૃત્તિ થઇ શકે. તે બધી ઉત્તરગુણરૂપ જ છે,

જેમ કે ચતુર્થવ્રતની નવ વાડ.

એટલે, પરિણતિરૂપ મહાવ્રતોને ક્રિયામાં ઉતારવા, ઉત્તરગુણોનું જ આચરણ કરવાનું હોય છે.

એટલે જ ઉત્તરગુણોના આચરણમાં વારંવાર શિથિલતા, એ મૂળગુણની હાનિનું કારણ બતાવેલું છે. (ઉપદેશમાળા)

એટલે જ અહીં સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ કહી છે.

  • વસ્તુતઃ મહાવ્રત એ પરિણતિ છે – નિશ્ચય છે.

    સમિતિ-ગુપ્તિ એ આચાર છે – વ્યવહાર છે.

    વ્યવહાર-નિશ્ચય પરસ્પર પર અવલંબિત છે.. બંને એકબીજાના કારણ પણ છે, કાર્ય પણ છે.. એકબીજાને પુષ્ટ કરનારા છે.. એટલે કથંચિદ્ એકરૂપ છે.

    એટલે, સમિતિ-ગુપ્તિની ઉપેક્ષા, એ મહાવ્રત-પરિણતિના અભાવની દ્યોતક છે.

    સમિતિ-ગુપ્તિની દૃઢતા, મહાવ્રત-પરિણતિ હોવાની દૃઢ સંભાવનાની દ્યોતક છે.


समिओ नियमा गुत्तो...

  • ગુપ્તિ = અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ.

    એમાં બે સંભાવના છે.

    1. શુભ પ્રવૃત્તિ હોય.

    2. શુભ પ્રવૃત્તિ ન હોય.

  • બીજી સંભાવનાને આશ્રયીને, શુભાશુભ ઉભય પ્રવૃત્તિથી નિવૃત્તિને ગુપ્તિ કહેવાઇ છે; પણ ત્યાં એ સમજવાનું છે કે તે એક પેટાભેદ છે. તેમાં ગુપ્તિ તો અશુભથી નિવૃત્તિ રૂપ અંશ જ છે. શુભથી નિવૃત્તિ રૂપ અંશ ગુપ્તિ નથી; કારણકે શુભમાં પ્રવૃત્તિ હોય ત્યારે પણ ગુપ્તિ તો હોય જ છે.

    (જેમ કે મનુષ્યને જીવ કહેવાય, તે આત્માંશને લઇને જ છે, મનુષ્યાંશને લઇને નહીં; કારણકે જીવ તો મનુષ્ય ન હોય, તેવા દેવાદિને પણ કહેવાય જ છે.)

    આવા સીધાસાદા તાત્પર્યને એકાંત નિશ્ચયવાદી ક્રિયાવિરોધીઓ પકડી શકતા નથી, અને એટલે, બીજા પ્રકારની ગુપ્તિના શાસ્ત્રપાઠો બતાવીને શુભ ક્રિયાના ત્યાગનો ઉપદેશ કરે છે.

  • પહેલી સંભાવનામાં શુભ પ્રવૃત્તિ પણ હોય છે, અર્થાત્ સમિતિ પણ હોય છે.

  • સમિતિ = શુભમાં પ્રવૃત્તિ.

    શુભમાં પ્રવૃત્તિ હોય, ત્યારે અશુભથી નિવૃત્તિ હોય જ, કારણકે શુભાશુભ બે પ્રવૃત્તિ સાથે ન થાય.

    એટલે જ કહ્યું કે समिओ नियमा गुत्तो.

  • गुत्तो समिअत्तणंमि भइयव्वो – આ વિધાન બીજા પ્રકારની ગુપ્તિ વખતે સંભવે છે. એમાં પણ મુખ્યતયા વચન-કાયાને આશ્રયીને જ એ સંભવે છે, કારણકે મન તો પ્રવૃત્તિ વિનાનું કદી હોતું નથી.

    એટલે, વચન-કાયાની શુભ પ્રવૃત્તિ ન હોય, ત્યારે ગુપ્ત છે, સમિત નથી – એવો તાત્પર્યાર્થ સમજવાનો છે.

    (પાંચે સમિતિ, વચન-કાયાની પ્રવૃત્તિ રૂપ જ છે. વચન-કાયા વિના, માત્ર મનની પ્રવૃત્તિથી કોઇ સમિતિનું પાલન સંભવિત નથી.)

    વ્યવહારમાં, વચન-કાયાથી પ્રવૃત્ત માણસને જ પ્રવૃત્ત કહેવાય છે. એને આશ્રયીને જ આ વિધાન છે.

  • જ્યાં મનની પણ શુભ પ્રવૃત્તિ ન હોય, તેવી ગુપ્તિ તો માત્ર મનોનિરોધ પછી ૧૪મા ગુણસ્થાને જ સંભવે છે; કારણકે ૧૩મા ગુણસ્થાન સુધી દ્રવ્યમન તો છે જ, એને આશ્રયી મનોયોગ પણ છે જ.


ઉત્સર્ગ-અપવાદ

  • પ્રશ્ન : ગુપ્તિ એ ઉત્સર્ગ છે, સમિતિ એ અપવાદ છે – આવું શાસ્ત્રવિધાન મળે છે. એનું અર્થઘટન એ જ ને કે શુભ પ્રવૃત્તિ આપવાદિક છે ? અર્થાત્ મુખ્ય મોક્ષમાર્ગ શુભાશુભ ઉભયથી નિવૃત્તિ રૂપ ગુપ્તિ જ છે ?

    ઉત્તર : અપવાદ કોને કહેવાય ? कारणिको विधिः अपवादः – એ તેની વ્યાખ્યા છે. કારણ આવે, ત્યારે કરવાનું હોય, તે અપવાદ.

    એ વ્યાખ્યા મુજબ તો ઉત્સર્ગ ઉપવાસ છે.

    એકાસણું પણ (કારણિક હોવાથી) અપવાદ છે. શાસ્ત્રમાં બતાવેલ છ કારણોમાંનું એક કારણ હોય, તો જ વાપરવાનું છે.

    એટલે શું એમ કહેવાય કે મુખ્ય મોક્ષમાર્ગ ઉપવાસ છે ? એકાસણું કરનાર કેવલી ભગવંતો કે જિનકલ્પિકો અપવાદનો આશરો લઇ રહ્યા છે ?

    યાદ રહે, કેવલી ભગવંતનું ચારિત્ર નિરતિચાર છે – યથાખ્યાત છે. જિનકલ્પ નિરપવાદ યતિધર્મ છે.

    તો તેઓ દ્વારા થતા એકાસણાને અપવાદ શી રીતે કહેવાય ?

    જો ન કહેવાય, તો સમિતિને પણ અપવાદ ન કહેવાય, કારણકે જિનકલ્પિકો બધી જ સમિતિનું પાલન કરે જ છે. કેવલી ભગવંતો પણ સ્વોચિત સમિતિઓનું પાલન કરે છે.

  • વસ્તુતઃ ઉત્સર્ગ-અપવાદની વ્યાખ્યાઓમાં વિવક્ષાભેદે ભેદ છે.

    સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં જે આચરવાનું હોય, તે ઉત્સર્ગ..

    પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં જે આચરવાનું હોય, તે અપવાદ..

    આવી વ્યાખ્યા ઉપદેશ પદ, ઉપદેશ રહસ્ય વગેરેમાં છે. એવો અપવાદ જિનકલ્પિકો કદી આચરતા નથી, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ ઉત્સર્ગને પકડી રાખવાનું સત્ત્વ – મનોબળ અને સામર્થ્ય તેઓ ધરાવે છે. 

    ઉત્સર્ગ-અપવાદની આ વ્યાખ્યાને આશ્રયીને જે ઉત્સર્ગ બને છે, તેના માટે કહી શકાય કે 🡺 

    • ઉત્સર્ગ એ મુખ્ય મોક્ષમાર્ગ છે..

    • ઉત્સર્ગની જ રુચિ રાખવાની.. 

    • શક્ય હોય, ત્યાં સુધી ઉત્સર્ગ જ આચરવાનો..

    • અપવાદ આચરવો પડે, તો પણ લક્ષ્ય ઉત્સર્ગનું રાખવાનું.. 

    આવાં બધાં વિધાનો, આ પ્રકારના ઉત્સર્ગ માટે જ છે. 

    જે વ્યાખ્યાઓ અપેક્ષીને સમિતિને કે એકાસણાને અપવાદ કહ્યો છે, તે વ્યાખ્યા મુજબ જે ઉત્સર્ગ બને છે (ઉપવાસ કે શુભાશુભ ઉભયથી નિવૃત્તિ રૂપ ગુપ્તિ), તેને આ વિધાનો લાગુ જ પડતાં નથી. 

    અને એટલે તે ઉત્સર્ગ મુખ્ય મોક્ષમાર્ગ હોવાનું કહી શકાતું નથી.

    એટલે શુભ પ્રવૃત્તિ રૂપ સમિતિ પણ મુખ્ય મોક્ષમાર્ગ જ છે; કારણકે સાનુકૂળ સંયોગોમાં આચરવાનું હોય, તે ઉત્સર્ગ – એવી વ્યાખ્યા તેને પણ લાગુ પડે છે.

  • સાધુનું શરીર-સામર્થ્ય હોય તો વિહાર કરવો – એ જ ઉત્સર્ગ છે. એક સ્થાનમાં ૧ મહિનાથી વધુ રહેવું – તે તો અપવાદ છે, શરીર-સામર્થ્ય વગેરે ન હોવા રૂપ પ્રતિકૂળ સંયોગોમાં જ આચરવાનું છે.

    જો વિહાર ઉત્સર્ગ હોય, તો શુભ પ્રવૃત્તિને અપવાદ કેમ કહેવાય ? વિહાર, પ્રવૃત્તિરૂપ જ છે.

    વિહાર આવે, ત્યાં ઇર્યાસમિતિ આવવાની જ. જો વિહાર ઉત્સર્ગ હોય, તો ઇર્યાસમિતિને અપવાદ કેમ કહેવાય ?

  • પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ ઉત્સર્ગ છે. સાધુએ સ્વાધ્યાય ઘોષપૂર્વક-બોલીને કરવાનો છે. વચનની પ્રવૃત્તિ પણ ત્યાં છે જ.

    જો સ્વાધ્યાય ઉત્સર્ગ હોય, તો શુભ પ્રવૃત્તિને અપવાદ કેમ કહેવાય ?

    બોલવાનું આવે, ત્યાં ભાષાસમિતિ આવવાની જ.

    જો બોલીને કરાતો સ્વાધ્યાય ઉત્સર્ગ છે, તો ભાષાસમિતિને અપવાદ કેમ કહેવાય?

  • આ રીતે, બધી સમિતિ – શુભ પ્રવૃત્તિ માટે સમજવાનું છે.

    આવું શાસ્ત્રનું તાત્પર્ય સમજ્યા ન હોવાથી જ, कारणिको विधिः अपवादः એવી વ્યાખ્યાને લઇને અપવાદ રૂપ બનતી સમિતિને મુખ્ય મોક્ષમાર્ગ ન માનવાનો ભ્રમ, ક્રિયાવિરોધી એકાંત નિશ્ચયવાદીઓને થયો છે, અને ફેલાવાય છે.

    જો સમિતિને અપવાદરૂપ મનાય, તો મહાવ્રતો પણ અપવાદરૂપ બનશે; કારણકે ઉપરોક્ત શાસ્ત્રવચન, મહાવ્રતને સમિતિ-ગુપ્તિરૂપ જ બતાવે છે !

  • એટલે એકાંતવાદીઓએ ફેલાવેલ ભ્રમજાળમાં ફસાઇને, શુભ પ્રવૃત્તિને છોડવાની ગંભીર ભૂલ કરવા જેવી નથી.

  • સમિતિ કારણિક વિધિ હોવાનું તાત્પર્ય આ છે 🡺

    • સાધુ નિરર્થક હરફર ન કરે. આવશ્યક પ્રયોજને જ ચાલે. ત્યારે જ ઇર્યાસમિતિ હોય. એ આવશ્યક પ્રયોજન, વિહારાદિવત્ (સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આચરણ કરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, અને તો ઇર્યાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.

    • સાધુ નિષ્પ્રયોજન બોલે નહીં. પ્રયોજન હોય, તો જ બોલે. ત્યારે જ ભાષાસમિતિ હોય. એ પ્રયોજન, સ્વાધ્યાયાદિ (સાનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, અને તો ભાષાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.

    • સાધુ કોઇ વસ્તુ નિષ્કારણ લે નહીં. પ્રયોજન હોય, તો જ લે. ત્યારે જ એષણાસમિતિ હોય. એ પ્રયોજન, (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે પાત્રા લેવા. ત્યારે એષણાસમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.

    • સાધુ ઉપકરણને નિષ્કારણ લે-મૂક કરે નહીં. પ્રયોજન હોય તો જ કરે. ત્યારે જ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ હોય. તે પ્રયોજન, (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે વિહાર કરવા માટે દાંડો લેવો. ત્યારે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ પણ તેવો ઉત્સર્ગ જ બને.

    • સાધુ નિષ્કારણ કોઇ ઉપકરણાદિ વસ્તુ ત્યાગે નહીં. પ્રયોજન હોય તો જ ત્યાગે. ત્યારે જ પારિષ્ઠાપનિકા સમિતિ હોય. તે પ્રયોજન (સાનુકૂળ દ્રવ્યાદિમાં આચરવા રૂપ) ઉત્સર્ગ પણ હોઇ શકે, જેમ કે મૃત સાધુના શરીરનો ત્યાગ. ત્યારે પારિષ્ઠાપનિકા સમિતિ પણ ઉત્સર્ગ જ બને.

  • હકીકતમાં એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આપણા માટે સમિતિ જ મુખ્ય મોક્ષમાર્ગ છે. સમિતિ રહિત ગુપ્તિ, પ્રાયઃ અસંભવિત છે.

    વચન-કાયાની શુભ પ્રવૃત્તિના આલંબન વિના મનને શુભમાં જોડી રાખવું અતિ દુષ્કર છે.

    એટલે આપણે પુરુષાર્થ, સમિતિમાં જ કરવાનો છે.

    ગુપ્તિ તો સમિતિ આવવાથી આવી જ જવાની છે – समिओ नियमा गुत्तो ।





1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sanjay N. Mehta Dahisar
Jul 07
Rated 5 out of 5 stars.

Excellent explanation. Throughly convincing.


તત્ત્વ ને બહું જ સરળતાથી ઉદાહરણ સાથે સમજાવ્યું છે.

Like
bottom of page